IPL 2026: "મને વિકેટ ગુમાવવાનો ડર નથી..." ગુજરાત સામે તોફાની સદી ચૂકેલા RCB કેપ્ટન રજત પાટીદારે વિરોધી બોલરોને આપી ચેતવણી
ધર્મશાલા: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ના ક્વોલિફાયર ૧ માં ગુજરાત ટાઇટન્સ (GT) ને 92 રનના મોટા અંતરથી હરાવીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ સતત બીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ગત વર્ષે અમદાવાદના મેદાન પર ૧૭ વર્ષની લાંબી રાહ બાદ પોતાનું પ્રથમ આઈપીએલ ટાઇટલ જીતનારી બેંગલુરુની ટીમ આ વર્ષે પણ ચેમ્પિયનની જેમ રમી રહી છે. મેચમાં માત્ર ૩૩ બોલમાં અણનમ 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમનાર આરસીબીના કેપ્ટન રજત પાટીદારે મેચ બાદ ટીમની 'ફિયરલેસ' (નિડર) બેટિંગ શૈલી અને પોતાના માઇન્ડસેટ અંગે મોટો ખુલાસો કર્યો છે.
"હું હંમેશા બોલરોને પ્રેશરમાં લાવવાનું પસંદ કરું છું" : રજત પાટીદાર
પોતાની તોફાની ઇનિંગ બાદ વાતચીત કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે સ્પષ્ટ કર્યું કે તે ક્રિઝ પર ગયા પછી વિકેટ પડવાની ચિંતા નથી કરતા.
"મેચની શરૂઆતમાં હું પિચના મિજાજ અને બોલની મૂવમેન્ટને સમજવા માટે 8 થી 10 બોલ લઉં છું. એકવાર પિચ સમજાઈ જાય પછી મારું માઇન્ડ એકદમ ક્લિયર હોય છે. મને મારી વિકેટ ગુમાવવાનો કોઈ ડર નથી હોતો, હું હંમેશા વિરોધી ટીમની બોલિંગ લાઇન-અપને દબાણમાં લાવવાનું પસંદ કરું છું." - રજત પાટીદાર, કેપ્ટન (RCB)
પાટીદારે વધુમાં ઉમેર્યું કે ક્વોલિફાયર ૧ જેવા મોટા સ્ટેજ પર અગ્રેસિવ માઇન્ડસેટ અને પોઝિટિવ બોડી લેન્ગ્વેજ રાખવા માટે ટીમ મીટિંગમાં ચર્ચા થઈ હતી. દરેક બેટ્સમેને મેદાન પર જઈને આ પ્લાનનો શાનદાર અમલ કર્યો અને વિરોધી ટીમ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું.
સિઝન ઓફ ધ લાઈફ: રજત પાટીદારનું અદ્ભુત ફોર્મ
આરસીબીના કેપ્ટન માટે આ આઈપીએલ સિઝન કોઈ સપના સમાન સાબિત થઈ રહી છે. પાટીદારે આ સિઝનમાં અત્યાર સુધી ૧૩ ઇનિંગ્સમાં 44.18 ની શાનદાર એવરેજ અને 196.76 ના વિસ્ફોટક સ્ટ્રાઈક રેટથી 486 રન ફટકાર્યા છે, જેમાં પાંચ અડધી સદી અને 41 ગગનચુંબી છગ્ગા સામેલ છે.
ધર્મશાલાની પિચ અંગે વાત કરતા તેમણે કહ્યું કે અહીં સારો બાઉન્સ હોવાથી બેટિંગ સરળ નહોતી, પરંતુ અમારા બોલરોએ સ્ટમ્પ-ટુ-સ્ટમ્પ બોલિંગ કરીને શાનદાર પ્રદર્શન કર્યું. પાવરપ્લેમાં જ ગુજરાતના ત્રણ મુખ્ય બેટ્સમેનો (શુભમન ગિલ, સાઈ સુદર્શન અને જોસ બટલર) ને આઉટ કરવાનો અમારો પ્લાન સફળ રહ્યો હતો.
પહાડ જેવો સ્કોર અને પત્તાના મહેલની જેમ વિખેરાયેલું ગુજરાત
મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCB એ રજત પાટીદારના 93*, વિરાટ કોહલીના 43 અને ક્રુણાલ પંડ્યાના 43 રનની મદદથી 254/5 નો વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં ગુજરાત ટાઇટન્સની ટીમ માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી માત્ર રાહુલ તેવતિયા (68) અને જોસ બટલર (29) જ ટકી શક્યા હતા. આરસીબીના બોલર જેકબ ડફી (3/39) અને ભુવનેશ્વર કુમારે (2/28) પાવરપ્લેમાં જ ગુજરાતના ટોપ ઓર્ડરને પેવેલિયન ભેગો કરી દીધો હતો.
ઈતિહાસના પાના પર RCB: પાંચમી વખત ફાઇનલમાં એન્ટ્રી
આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ આઈપીએલના ઈતિહાસમાં પાંચમી વખત ફાઇનલમાં પહોંચી છે. આઈપીએલમાં સૌથી વધુ વખત ફાઇનલમાં પહોંચવાની બાબતમાં હવે આરસીબી ત્રીજા સ્થાને છે (ચેન્નાઈ સુપર કિંગ્સ ૧૦ વખત અને મુંબઈ ઈન્ડિયન્સ ૬ વખત ફાઇનલમાં પહોંચ્યા છે). આ ઉપરાંત, આઈપીએલ પ્લેઓફ/નોકઆઉટના ઈતિહાસમાં રન અને માર્જિનની દ્રષ્ટિએ આ બીજી સૌથી મોટી જીત છે. હવે ફેન્સની નજર સતત બીજી વખત ટ્રોફી ઉપાડવા પર ટકેલી છે.