મુખ્ય સામગ્રી પર જાઓ

સિકલ સેલ મુક્ત ગુજરાત: 1.11 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરી રાજ્યે રચ્યો ઇતિહાસ

વિશ્વ સિકલ સેલ દિવસ પર જાણો ગુજરાતની કામગીરી. 1.11 કરોડ સ્ક્રીનિંગ અને દર્દીઓને દર મહિને ₹2,500 ની આર્થિક સહાયની સંપૂર્ણ માહિતી.

સિકલ સેલ મુક્ત ગુજરાત: 1.11 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરી રાજ્યે રચ્યો ઇતિહાસ

દર વર્ષે 19 જૂને વિશ્વ સિકલ સેલ દિવસ ઉજવવામાં આવે છે, જેનો હેતુ સિકલ સેલ એનેમિયા રોગ અંગે જાગૃતિ વધારવાનો અને અસરગ્રસ્ત લોકોને સમયસર નિદાન, સારવાર તથા સહાય ઉપલબ્ધ કરાવવાનો છે. સિકલ સેલ એનેમિયા એક આનુવંશિક રક્ત વિકૃતિ (જિનેટિક બ્લડ ડિસઓર્ડર) છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયમાં જોવા મળે છે. આ વર્ષે વિશ્વ સિકલ સેલ દિવસની થીમ "Closing the Survival Gap: Equity in Sickle Cell Disease" છે, જે સિકલ સેલ રોગથી પ્રભાવિત દરેક વ્યક્તિ સુધી સમાન, સુલભ અને ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા પહોંચાડવા પર ભાર મૂકે છે. ગુજરાત છેલ્લા બે દાયકાથી સિકલ સેલ રોગના વહેલા નિદાન, અસરકારક સારવાર, દર્દી સહાય અને જનજાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે.

 

ગુજરાત ‘સિકલ સેલ એનેમિયા નિયંત્રણ’ કાર્યક્રમ શરૂ કરનાર પ્રથમ રાજ્ય

તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2006માં 14 આદિજાતિ જિલ્લાઓમાં ‘સિકલ સેલ એનેમિયા નિયંત્રણ’ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત આ કાર્યક્રમ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું હતું. આ પહેલના લીધે આદિજાતિ સમુદાયમાં સિકલ સેલ એનેમિયા રોગ અંગે જાગૃતિ આવી છે અને તે અંગે પ્રવર્તતી ગેરસમજો પણ દૂર થઈ છે. આ કાર્યક્રમ હેઠળ અત્યારસુધીમાં રાજ્યના કુલ 1.11 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સિકલ સેલ એનેમિયા અંગે જાગૃતિ, સમયસર નિદાન, સારવાર અને જરૂરી દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. રાજ્ય સરકારે સામૂહિક સ્ક્રીનિંગ કાર્યક્રમો ઉપરાંત લગ્ન પૂર્વે જિનેટિક કાઉન્સેલિંગ અને ટેસ્ટિંગને પણ પ્રોત્સાહન આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષોમાં 23,11,676 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જે સિકલ સેલ રોગના નિયંત્રણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 

સિકલ સેલ દર્દીઓ માટે રાજ્યમાં નિદાન અને સારવારની મજબૂત વ્યવસ્થા

હાલમાં રાજ્યમાં 30,512 સિકલ સેલ દર્દીઓ નોંધાયેલા છે. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં સિકલ સેલ રોગના નિદાન માટે 41 HPLC/મિની ઇલેક્ટ્રોફોરેસિસ મશીનો કાર્યરત છે. આ ઉપરાંત, વલસાડ, નવસારી અને ડાંગ (રૂમલા) ખાતે 3 ડે-કેર સેન્ટર્સ કાર્યરત છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્તરે DTT ટેસ્ટ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા હોસ્પિટલોમાં HPLC/મિની ઇલેક્ટ્રોફોરેસિસ દ્વારા સિકલ સેલનું નિદાન કરવામાં આવે છે, જ્યારે સારવારની સુવિધાઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને જિલ્લા હોસ્પિટલ સુધી ઉપલબ્ધ છે.

 

દર્દી સહાય યોજના હેઠળ કુલ ₹18.15 કરોડની સહાય ચૂકવવામાં આવી

સિકલ સેલ દર્દીઓને સામાજિક અને આર્થિક રીતે સશક્ત બનાવવા રાજ્ય સરકારે દર્દી સહાય યોજનાનો અમલ કર્યો છે. આ યોજના હેઠળ અત્યારસુધીમાં આદિજાતિ વિસ્તારોના 13,040 સિકલ સેલ દર્દીઓને માસિક ₹2,500 મુજબ કુલ ₹18.15 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. આ સહાય દર્દીઓને આજીવન આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024-25થી દર્દી સહાયની માસિક રકમ ₹500થી વધારીને ₹2,500 કરવામાં આવી છે.

 

કાઉન્સેલિંગ અને જનજાગૃતિથી સિકલ સેલ સામેની લડાઈ મજબૂત બની

રાજ્ય સરકાર દ્વારા ઘરઆંગણે આરોગ્ય સેવાઓ અને માર્ગદર્શન પહોંચાડવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્તરે 180 કાઉન્સેલરોની નિમણૂક કરવામાં આવી છે. આ કાઉન્સેલરો દ્વારા સિકલ સેલ દર્દીઓ અને તેમના પરિવારોને ફિલ્ડ લેવલે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. સિકલ સેલ રોગ અંગે વધુ જાગૃતિ ફેલાવવા તેમજ આ રોગ આગામી પેઢીમાં ન ફેલાય તે હેતુથી દર્દીઓ અને વાહકો માટે કાઉન્સેલિંગ તથા કોમ્યુનિટી આઉટરીચ કાર્યક્રમો યોજવામાં આવે છે. વર્ષ 2025-26 દરમિયાન આવા કાર્યક્રમો હેઠળ 1,57,432 લોકોને માર્ગદર્શન અને કાઉન્સેલિંગ સેવાઓ પૂરી પાડવામાં આવી છે.

 

શાળાઓ, કોલેજો, ગ્રામસભાઓ અને સમુદાય સ્તરે આયોજિત જાગૃતિ કાર્યક્રમો દ્વારા સિકલ સેલ રોગના લક્ષણો, નિદાન અને નિવારણ અંગે સતત જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ખાસ કરીને યુવાઓ અને નવદંપતિઓમાં સિકલ સેલ સ્ક્રીનિંગ અંગે જાગૃતિ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી આવનારી પેઢીને આ રોગથી સુરક્ષિત રાખી શકાય.

 

તાજેતરમાં યોજાયેલા ‘સિકલ સેલ એનેમિયા – દર્દી સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમ’માં આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ લગ્ન પહેલાં પરંપરાગત કુંડળીની જેમ ‘મેડિકલ કુંડળી’ એટલે કે સિકલ સેલ સ્ટેટસની તપાસ કરાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

 

સિકલ સેલ મુક્ત ભારતના સંકલ્પમાં ગુજરાતની નોંધપાત્ર ભૂમિકા

વર્ષ 2010-11માં ભારત સરકાર તરફથી ગુજરાત રાજ્યને સિકલ સેલ એનેમિયા રોગ નિયંત્રણની નોંધપાત્ર કામગીરી માટે “PM Award for Excellence in Public Administration”થી સન્માનિત કરવામાં આવ્યું હતું. ગુજરાતના સિકલ સેલ નિયંત્રણ કાર્યક્રમની સફળતાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે જુલાઈ 2023થી ‘નેશનલ સિકલ સેલ એનેમિયા એલિમિનેશન મિશન-2047’નો પ્રારંભ કર્યો હતો.

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2047માં ભારતના અમૃતકાળનો ઉત્સવ ઉજવતા પહેલાં દેશને સિકલ સેલ મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં સિકલ સેલ નિયંત્રણ માટેની સેવાઓને વધુ મજબૂત બનાવવા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે આધુનિક નિદાન, સંશોધન અને કાઉન્સેલિંગ માટે ‘સેન્ટર ઑફ કોમ્પિટન્સ, રિસર્ચ એન્ડ કાઉન્સેલિંગ’ શરૂ કરવાની દિશામાં પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Tags: સિકલ સેલ નાબૂદી મિશન 2047 વિશ્વ સિકલ સેલ દિવસ 2026 સિકલ સેલ સ્ક્રીનિંગ ગુજરાત સિકલ સેલ એનેમિયા લક્ષણો અને સારવાર ગુજરાત આરોગ્ય વિભાગ સિકલ સેલ સિકલ સેલ જાગૃતિ કાર્યક્રમ સિકલ સેલ નિદાન કેન્દ્ર સિકલ સેલ દર્દી સહાય યોજના સિકલ સેલ એનેમિયા ગુજરાત

સંબંધિત સમાચાર