રાજપીપલા : બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપલાના સ્કૂલ ઓફ કોમર્સ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં B.Com. સેમેસ્ટર-1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમના પ્રારંભે સ્કૂલ ઓફ કોમર્સના પ્રિન્સિપાલ ડૉ. રાજેશભાઈ ઝાલા દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના શૈક્ષણિક માહોલ, અભ્યાસમાં નિયમિતતા, શિસ્ત અને વ્યક્તિત્વ વિકાસના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ ડૉ. હિતેશ ગાંધીએ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણના મૂલ્યો, કારકિર્દી નિર્માણ, કૌશલ્ય વિકાસ તથા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રેરણા આપી હતી.
ઓરિએન્ટેશન કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીની વિવિધ શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, પરીક્ષા પદ્ધતિ, પુસ્તકાલય, વિદ્યાર્થી કલ્યાણ યોજનાઓ તેમજ કારકિર્દી વિકાસની તકો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમની સમગ્ર તૈયારી અને આયોજનમાં B.Com. સેમેસ્ટર-3 અને સેમેસ્ટર-5ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે નવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ સૌ માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને યાદગાર સાબિત થયો હતો.
આ સમગ્ર કાર્યક્રમ કુલપતિશ્રી પ્રો.ડૉ.મધુકર પાડવી, કુલસચિવશ્રી ડૉ. રજનીકાંત પંડ્યા તેમજ નાયબ કુલસચિવશ્રી ડૉ.વિજયસિંહ વાળા અને નાયબ કુલસચિવશ્રી ડૉ. શીતલબા પરમારના માર્ગદર્શનમાં યોજાયો હતો.