મુખ્ય સામગ્રી પર જાઓ

શિક્ષણથી વંચિત ન રહે કોઈ બાળક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ

રાજ્ય સરકારના શિક્ષણના સાર્વત્રિકીકરણ અને શાળા ડ્રોપ-આઉટ દર ઘટાડવાના સંકલ્પ સાથે સમગ્ર રાજ્યમાં ‘બેક ટુ સ્કૂલ મિશન’ કાર્યરત છે. આ અભિયાન હેઠળ બનાસકાંઠાના તેનીવાડા ગામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શાળામાં પુનઃપ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.

શિક્ષણથી વંચિત ન રહે કોઈ બાળક: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ

મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સહજતાથી હળીમળીને વાતચીત કરી હતી તેમજ બાળકોના શાળા છોડવાના કારણો, પુનઃપ્રવેશ બાદના શૈક્ષણિક અનુભવો અને ભવિષ્ય અંગેની તેમની આશાઓ વિશે રસપૂર્વક પૂછપરછ કરી હતી.

તેમણે વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળાએ જવા, ખંતપૂર્વક અભ્યાસ કરવા, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને જીવનમાં ઊંચા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

 

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણી દીકરીઓ ઘરકામની જવાબદારી નિભાવવાની સાથે શિક્ષણમાં પણ શ્રેષ્ઠ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે.

તેમણે દીકરીઓના શિક્ષણ પર વિશેષ ભાર મૂકતાં જણાવ્યું કે, સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત બનવું અત્યંત જરૂરી છે. વાલીઓને સંબોધતાં  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દરેક માતા-પિતાની ફરજ છે કે તેઓ પોતાના બાળકોને નિયમિત શિક્ષણ અપાવે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને પ્રોત્સાહિત કરે.

 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભાવના છે કે રાજ્ય અને દેશનો કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે.

આ જ દૃષ્ટિ સાથે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવી લોકભાગીદારી આધારિત પહેલો શરૂ કરી હતી, જેના પરિણામે આજે શિક્ષણ પ્રત્યે સમાજમાં વ્યાપક જાગૃતિ સર્જાઈ છે. તેમણે જણાવ્યું કે, આજે શિક્ષકો માત્ર બાળકોને ભણાવવાની જ નહીં, પરંતુ શાળા છોડનારા દરેક બાળકને શોધી ફરી શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે.

 

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ વ્યક્તિ, પરિવાર અને સમાજના સર્વાંગી વિકાસનું સૌથી અસરકારક સાધન છે. જો ગરીબ અને સામાન્ય પરિવારો પોતાની નવી પેઢીને શિક્ષણ આપશે તો તેઓ હાલની આર્થિક અને સામાજિક પરિસ્થિતિમાંથી બહાર આવી શકશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા ગરીબો માટે રાશન, આરોગ્ય અને અન્ય અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

આ તમામ યોજનાઓનો સાચો લાભ ત્યારે જ મળશે જ્યારે બાળકો શિક્ષિત બનશે અને પોતાના જીવનમાં આગળ વધશે. શિક્ષણ દ્વારા જ નવી પેઢીનું નવસર્જન થશે અને સમગ્ર પરિવાર તેમજ સમાજના વિકાસનો માર્ગ પ્રશસ્ત બનશે.

 

આ પ્રસંગે દીકરીઓના વાલી મણીબેને જણાવ્યું કે, તેમની પરિસ્થિતિ યોગ્ય ના હોવાથી પોતાની બંને દીકરીઓને અધવચ્ચેથી અભ્યાસ છોડાવવો પડ્યો હતો. ગામના શાળાના શિક્ષકો દ્વારા સમજાવતા અને સરકારની યોજના અંતર્ગત હવે ફરીથી બંને દીકરીઓનો અભ્યાસ શરૂ કરાવ્યો છે.

 

આ પ્રસંગે લાભાર્થી દીકરી સુહાનીએ જણાવ્યું કે, તે ધોરણ ૧૦માં ભણતી હતી, પછી બોર્ડની પરીક્ષા છે, તો મેં ભણવાનું છોડી દીધું હતું. આ પછી અમારા શિક્ષકો મારા ઘરે આવ્યા હતા અને મારા વાલીને સમજાવ્યા હતા. તેના પછી મારા વાલી સમજ્યા અને મેં બોર્ડની પરીક્ષા ફરીથી આપી હતી. હું બોર્ડની પરીક્ષામાં પાસ થઈ. પછી મેં ધોરણ ૧૧માં પ્રવેશ કર્યો છે.

મુખ્યમંત્રી શ્રી એ અત્યારે વાત કરી, મને સારું લાગ્યું અને હું હવેથી રેગ્યુલર ભણવા જઈશ.

 

વર્ષ ૨૦૨૩-૨૪, ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ દરમિયાન વિવિધ કારણોસર શાળાનું શિક્ષણ અધવચ્ચે છોડી દેનારા બાળકોને ફરીથી શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે રાજ્ય સરકાર દ્વારા આ વિશેષ અભિયાન હાથ ધરવામાં

આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના નેતૃત્વમાં સમગ્ર શિક્ષા અભિયાન, શિક્ષકો તથા તાલુકા સ્તરની ટીમોના સતત પ્રયાસોથી આ મિશન અંતર્ગત રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી નોંધાવવામાં આવી છે.

 

જિલ્લામાં હાથ ધરાયેલા વ્યાપક સર્વેક્ષણ દરમિયાન કુલ ૩૭,૪૧૫ ડ્રોપઆઉટ બાળકોની ઓળખ કરવામાં આવી હતી. જેમાંથી ૨૯,૪૫૧ બાળકોનું સફળતાપૂર્વક પુનઃપ્રવેશ (રી-એનરોલમેન્ટ) કરાવવામાં આવ્યું છે. પુનઃપ્રવેશ પામેલા વિદ્યાર્થીઓમાં ૧૪,૮૭૫ કુમારો અને ૧૪,૫૭૬ કન્યાઓનો સમાવેશ થાય છે.

આ પૈકી ૨૩,૦૩૨ વિદ્યાર્થીઓને ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) સાથે જોડવામાં આવ્યા છે, જ્યારે ૬,૩૬૮ વિદ્યાર્થીઓને નિયમિત શાળાઓમાં ફરી પ્રવેશ અપાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું ‘બેક ટુ સ્કૂલ મિશન’ રાજ્યના એક પણ બાળકને શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તેની દિશામાં મહત્વપૂર્ણ અને આશીર્વાદરૂપ પહેલ સાબિત થઈ રહ્યું છે.

Tags: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી બનાસકાંઠા શિક્ષણ Drop-out children re-enrollment Education development Gujarat Banaskantha education update GSOS Back to School Mission Gujarat CM Bhupendra Patel Banaskantha visit શિક્ષણનું સાર્વત્રિકીકરણ ડ્રોપઆઉટ બાળકો બેક ટુ સ્કૂલ મિશન

સંબંધિત સમાચાર