મુખ્ય સામગ્રી પર જાઓ

સ્કાયરૂટનું 'મિશન આગમન': ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' જુલાઈમાં થશે લોન્ચ

સ્કાયરૂટ એરોસ્પેસનું ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' 12 જુલાઈથી 4 ઓગસ્ટ વચ્ચે લોન્ચ થશે. જાણો 'મિશન આગમન'નો ઉદ્દેશ્ય, તેની વિશેષતાઓ અને ભારતના સ્પેસ માર્કેટ માટે તેનું મહત્વ.

સ્કાયરૂટનું 'મિશન આગમન': ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' જુલાઈમાં થશે લોન્ચ

સ્કાયરૂટ એરોસ્પેસે આજે ભારતના સૌપ્રથમ ખાનગી ધોરણે વિકસાવાયેલાં ઓર્બિટલ ક્લાસ રોકેટ વિક્રમ-1 લોન્ચ વેહિકલની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ માટેની લોન્ચ વિન્ડોના ખુલવાની જાહેરાત કરી હતી. શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે રોકેટની એસેમ્બલી અને ટેસ્ટિંગનું કામ સમયસર પૂરું થઈ જશે, અને હવામાન તેમજ સુરક્ષા સંબંધિત મંજૂરીઓ મળવાના સંજોગોમાં આ ટેસ્ટ ફ્લાઇટ 12 જુલાઈ કે ત્યારપછી ગમે ત્યારે લોન્ચ કરાઈ શકે છે. રોકેટ લોન્ચ કરવા માટેની આ વિન્ડો 4 ઓગસ્ટ સુધીની રહેશે.

 

મિશન આગમનનો સૌથી મહત્વનો એકમાત્ર ઉદ્દેશ્ય વિક્રમ-1ની દરેક સિસ્ટમનો ફ્લાઇટ દરમિયાનનો વાસ્તવિક પરફોર્મન્સ ડેટા મેળવવાનો છે. રોકેટ લોન્ચ થાય ત્યારથી લઈને અંતરીક્ષમાં પહોંચે ત્યાં સુધીના દરેક સ્ટેજ પર તે કેવું કામ કરે છે, તે અમે જાણવા માંગીએ છીએ. ગ્રાઉન્ડ ટેસ્ટિંગ દ્વારા આ ડેટા સંપૂર્ણપણે મેળવી શકાતો નથી. એક વિશ્વસનીય અને વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવો કોમર્શિયલ લોન્ચ પ્રોગ્રામ તૈયાર કરવા માટે આ ડેટા અમને અમારી ડિઝાઇનની ચકાસણી કરવામાં અને ભવિષ્યના રોકેટ વિકસાવવામાં મદદરૂપ બની રહેશે. વિક્રમ-1ની ઉડાન સાથે જ ભારતનું ખાનગી અંતરીક્ષ ક્ષેત્ર એક અભૂતપૂર્વ સીમાચિહ્ન સર કરશે."

 

પવન કુમાર ચંદાના, સહ-સ્થાપક અને સીઈઓ, સ્કાયરૂટ એરોસ્પેસ.

મિશન આગમન કે જેનો અર્થ "આવવું અથવા પધારવું" થાય છે, તે સ્કાયરૂટનું બીજું મિશન છે. આ અગાઉ 18 નવેમ્બર 2022ના રોજ ભારતનું પહેલું પ્રાઈવેટ રોકેટ 'વિક્રમ-એસ' સફળતાપૂર્વક સ્પેસમાં મોકલવામાં આવ્યું હતું. આ નવું મિશન અંશતઃ કમર્શિયલ હશે. અંતરીક્ષની ભ્રમણ કક્ષામાં વધુ એકાદ-બે સફળ પરીક્ષણ કર્યા પછી કંપની સંપૂર્ણ કમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવાનું આયોજન ધરાવે છે. આ વખતની ટેસ્ટ ફ્લાઇટમાં ભારતીય અને વિદેશી ગ્રાહકોના સેટેલાઇટ્સ પણ સામેલ છે.

 

ભારતમાં લોન્ચ વેહિકલ બનાવવાનું સપનું જોવાથી લઈને હવે તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં મોકલવાના પ્રયાસ સુધીની આ સફર ખૂબ જ અદભુત રહી છે. 2022માં વિક્રમ-એસ દ્વારા અમે અમારી ટેક્નોલોજીની ક્ષમતા પુરવાર કરી હતી. હવે વિક્રમ-1 સાથે, અમે ભારતમાં જ નિર્મામ પામેલા અને ભારત સહિત આખી દુનિયાને ઉપયોગી થાય તેવા, સતત કામ કરી શકે તેવા લોન્ચ પ્રોગ્રામ તરફ આગળ વધી રહ્યા છીએ. આ મિશન અમારી નવી ટેક્નોલોજી દર્શાવવા અને અનુભવમાંથી શીખવા એમ બંને હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે. ભારત સરકાર, ઇન-સ્પેસ, ઇસરો, અમારા રોકાણકારો, ગ્રાહકો અને 1000થી વધુ લોકોની મહેનતુ ટીમના ભરોસાને કારણે જ આ સપનું સાકાર થઈ શક્યું છે.

 

નાગા ભરત ડાકા, સહસ્થાપક અને સીઓઓ, સ્કાયરૂટ એરોસ્પેસ  

સ્કાયરૂટના વિક્રમ-1 રોકેટના બધા ભાગોને લોન્ચ પેડ પર સફળતાપૂર્વક એકસાથે જોડીને તૈયાર કરી દેવામાં આવ્યા છે.

 

આ મિશન પ્રોપલ્શન, સ્ટેજ સેપરેશન, ગાઇડન્સ, નેવિગેશન, કંટ્રોલ અને વેહિકલની એકંદર કામગીરી અંગેના મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરશે, જે સ્કાયરૂટને વ્યાપારી ધોરણે કાર્યરત લોન્ચ કંપની તરીકે સ્થાપિત થવામાં મદદ કરશે.

 

વિક્રમ-1 એ સાત માળની ઊંચાઈ ધરાવતું અને મલ્ટિ-સ્ટેજ લોન્ચ વેહિકલ છે, જે ઓલ કાર્બન કમ્પોઝિટ મટીરિયલમાંથી બનેલું છે. તેમાં કંપનીમાં જ તૈયાર કરેલી સિસ્ટમ, ૩D-પ્રિન્ટેડ એન્જિન અને શક્તિશાળી સોલિડ-ફ્યુઅલ બૂસ્ટરનો ઉપયોગ કરાયો છે. 350 કિલો સુધીના નાના સેટેલાઇટને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં લઈ જવા માટે બનેલા વિક્રમ-1નું આ પહેલું મિશન 450 કિમીની ઊંચાઈએ 60-ડિગ્રી ઓર્બિટલ ઈન્ક્લાઈનેશને લોન્ચ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2025માં સ્કાયરૂટના 'ઇન્ફિનિટી કેમ્પસ'ના ઉદ્ઘાટન સમયે ઉડ્ડયન માટે સજ્જ આ રોકેટ દેશનું અનાવરણ કર્યું હતું.

અંતરીક્ષની ભ્રમણકક્ષામાં વિશ્વસનીયતાપૂર્વક અને વારંવાર પહોંચવાની ભારત જેવી વ્યૂહાત્મક ક્ષમતા દુનિયાના ખૂબ જ ઓછા દેશો પાસે છે. હાલમાં અંતરીક્ષમાં સેટેલાઇટ મોકલવો એ એક મોટો પડકાર છે, કારણ કે કંપનીઓએ રોકેટ લોન્ચ કરવા માટે મહિનાઓ અથવા વર્ષો સુધી રાહ જોવી પડે છે. ભારતના અંતરીક્ષ ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઇન-સ્પેસના પ્રયાસો અને ઇસરોના ટેકનિકલ સપોર્ટ સાથે, સ્કાયરૂટનું 'કેબ ટુ સ્પેસ' મોડેલ સેટેલાઇટને ભ્રમણકક્ષામાં સમયસર અને નક્કી કરેલી જગ્યાએ પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે.  

 

રોજ લાખો લોકો જે સેવાઓનો ઉપયોગ કરે છે તે બધી સેટેલાઇટની મદદથી જ ચાલે છે, જેમાં ખેતીવાડી, માછીમારી, કુદરતી આફતોનું મેનેજમેન્ટ, ફોન કે ઇન્ટરનેટ પર વાતચીત, નેવિગેશન અને રાષ્ટ્રીય સુરક્ષા સહિતનો સમાવેશ થાય છે. અંતરીક્ષમાં વારંવાર અને સસ્તા ખર્ચે પહોંચવું એટલા માટે જરૂરી છે, કારણ કે તેનાથી જ આવી સુવિધાઓ ભારતમાં મોટા પાયે તૈયાર કરી શકાય છે અને તેને દેશના ખૂણે-ખૂણે પહોંચાડી શકાય છે.  

 

આનાથી મળનારી આર્થિક તકો પણ એટલી જ નોંધપાત્ર છે. ભારતનું સ્પેસ માર્કેટ આજે લગભગ 8.4 અબજ ડોલરનું છે, જે 2033 સુધીમાં વધીને 44 અબજ ડોલર થવાની અપેક્ષા છે. સ્વદેશી લોન્ચિંગ ક્ષમતા આ વૃદ્ધિ માટે એક મહત્વપૂર્ણ પ્રેરક બળ બની રહેશે, જે ભારતના ઝડપથી વિસ્તરી રહેલી ખાનગી સ્પેસ ઇકોસિસ્ટમ માટે નવી તકો ખોલશે. ભારતની પ્રથમ સ્પેસટેક યુનિકોર્ન સ્કાયરૂટ જેવી કંપનીઓનો ઉદય આ ક્ષેત્રમાં રોકાણકારોના વિશ્વાસના સ્તર અને દેશની કમર્શિયલ સ્પેસ મહત્વાકાંક્ષાઓની વધતી જતી પરિપક્વતા એમ બંનેનો સંકેત આપે છે.

Tags: Mission Aagaman Skyroot Aerospace Vikram-1 Rocket ભારતનું ખાનગી રોકેટ સ્કાયરૂટ એરોસ્પેસ

સંબંધિત સમાચાર