સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે આજે જાહેરાત કરી હતી કે તેણે સ્વિફ્ટની નવી રિટેલ પેમેન્ટ્સ સ્કીમ હેઠળ રેમિટન્સ પેમેન્ટ સફળતાપૂર્વક પ્રક્રિયા કરી છે. વિશ્વમાં પ્રથમ વખત, વેસ્ટપેક (ઓસ્ટ્રેલિયા)એ આ સ્કીમ મારફતે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના માધ્યમથી ભારતમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ભારતમાં પોતાની અદ્યતન બેન્કિંગ ક્ષમતાનો ઉપયોગ કરીને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે લાભાર્થીની બેન્કમાં લગભગ રિયલ-ટાઇમમાં રકમ જમા કરાવી હતી, જે દેશની પેમેન્ટ્સ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે.
આ સમગ્ર ટ્રાન્ઝેક્શન એન્ડ-ટુ-એન્ડ માત્ર 37 સેકન્ડમાં પૂર્ણ થયું હતું. આ સિદ્ધિ દર્શાવે છે કે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ સ્વિફ્ટ નેટવર્કનો ઉપયોગ કરીને ભારતમાં ભાગીદાર બનેલી કોઈપણ બેન્ક સાથે અત્યંત ઓછા સમયમાં સંપૂર્ણ ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવે છે. સૌથી ઝડપી સેટલમેન્ટ સમય ઉપરાંત, સ્વિફ્ટની રિટેલ પેમેન્ટ્સ સ્કીમ આંતરરાષ્ટ્રીય નાણાં ટ્રાન્સફરના મોકલનાર અને પ્રાપ્તકર્તા બંનેને અનેક લાભ આપે છે. તેમાં સમગ્ર ટ્રાન્ઝેક્શનની પારદર્શકતા હોવાથી પેમેન્ટને શરૂઆતથી અંત સુધી ટ્રેક કરી શકાય છે, અગાઉથી જ ખર્ચની સ્પષ્ટ માહિતી મળે છે જેથી કોઈ છૂપા ચાર્જ લાગતા નથી અને એફએક્સ સંબંધિત કોઈ અનપેક્ષિત કપાત પણ થતી નથી. પરિણામે, મોકલવામાં આવેલી સંપૂર્ણ રકમ લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે.
પેમેન્ટ્સ સિસ્ટમના આધુનિકીકરણ પર કેન્દ્રિત સ્વિફ્ટ અને ઈન્ડિયન બેંક્સ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ભારત અને દક્ષિણ એશિયાના સીઈઓ પી. ડી. સિંહનું સ્વિફ્ટની આ સ્કીમ હેઠળ ભારતમાં પ્રથમ પેમેન્ટ પ્રક્રિયા કરનાર બેંક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના ભારત અને દક્ષિણ એશિયાના સીઈઓ પી. ડી. સિંહે જણાવ્યું હતું કે, “ભારત સહિતના અમારા મુખ્ય બજારોમાં દેશ-વિદેશની બેંકિંગ સેવાઓ અને અમારા વૈશ્વિક નેટવર્કની ક્ષમતા બેંકની વૃદ્ધિ માટેના મુખ્ય આધારસ્તંભ રહ્યા છે. સ્વિફ્ટની રિટેલ પેમેન્ટ્સ સ્કીમ હેઠળ સેકન્ડોમાં પેમેન્ટ પ્રક્રિયા કરનાર વિશ્વની પ્રથમ બેંક બનવું સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, ભારત માટે ગૌરવની ક્ષણ છે. અમે વિશ્વભરના લોકોને ભારતમાં એટલી જ સરળતાથી નાણાં મોકલવાની સુવિધા આપી રહ્યા છીએ જેટલી સરળતાથી તેઓ પોતાના દેશમાં નાણાં ટ્રાન્સફર કરી શકે છે.
આ પહેલના કારણે ગ્રાહકોને બેંકિંગ ઇકોસિસ્ટમની સુરક્ષા સાથે વિશ્વસ્તરીય પેમેન્ટ્સનો અનુભવ મળશે અને આને શક્ય બનાવવા માટે સમગ્ર ઉદ્યોગ સાથે મળીને કામ કરતાં અમને આનંદ થાય છે,” એમ સિંહે વધુમાં જણાવ્યું હતું.
સ્વિફ્ટ ઈન્ડિયા અને દક્ષિણ એશિયાના ચીફ એક્ઝિક્યુટિવ કિરણ શેટ્ટીએ જણાવ્યું હતું કે, “આ સિદ્ધિ સ્વિફ્ટની અદ્યતન ક્ષમતાની શક્તિ દર્શાવે છે. સ્વિફ્ટ તેના હાલના વૈશ્વિક નેટવર્કનો ઉપયોગ કરીને દેશ-વિદેશના પેમેન્ટ્સ ક્ષેત્રમાં વાસ્તવિક પરિવર્તન લાવી રહ્યું છે. ભારત વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ પ્રાપ્ત કરતો દેશ છે અને દેશના જીડીપીમાં રેમિટન્સનું મહત્વનું યોગદાન હોવાથી આ પરિવર્તન ભારત માટે ખાસ મહત્વપૂર્ણ છે.
ઝડપ, પારદર્શિતા અને વધુ સારા ગ્રાહક અનુભવ દ્વારા દેશ-વિદેશના પેમેન્ટ્સને સ્થાનિક યુપીઆઈ જેટલી સરળ બનાવવાની દિશામાં સ્વિફ્ટ રેમિટન્સ માટેનું એક નવું ધોરણ સ્થાપિત કરવામાં મદદરૂપ બની રહ્યું છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકની આ પહેલ એ વાતનો મજબૂત પુરાવો છે કે આ પરિવર્તન માત્ર શક્ય જ નથી, પરંતુ ભારતમાં તેની શરૂઆત પણ થઈ ચૂકી છે અને તે ભવિષ્યમાં લોકોના રેમિટન્સના અનુભવને સંપૂર્ણપણે બદલવાની ક્ષમતા ધરાવે છે. ભારતમાં નિયમનકારી સંસ્થાઓ દ્વારા પણ આ દિશામાં સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જે સ્વિફ્ટના આધાર પર વધુ ઝડપી, વધુ પારદર્શક અને ગ્રાહકકેન્દ્રિત પેમેન્ટ્સ ઇકોસિસ્ટમ તરફના પરિવર્તનને વધુ વેગ આપી રહ્યું છે,” એમ શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું.