અમદાવાદ / સુરત / ગુજરાત : આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરીએ આજે સુરત શહેરના કલેકટરને એક ગંભીર મુદ્દા પર આવેદનપત્ર સોંપ્યું હતું. આ આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં આવેલા ખાડી પૂરના કારણે ઘણા બધા ઘરોમાં, દુકાનોમાં , કારખાનાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું છે, આ નુકસાનની સહાય પેટે સરકાર દ્વારા અમુક રકમ નક્કી કરી સર્વે કરી અને આ રકમ ઘર ઘર પહોંચાડવા માટે અધિકારી કર્મચારીઓને જવાબદારી સોંપેલી છે, જ્યાં ઘણી બધી જગ્યાએ અધિકારીઓની સાથે સ્થાનિક ધારાસભ્યો કે સ્થાનિક કોર્પોરેટરો પણ સાથે જઈ અને કેશ ડોલ વિતરણ કરી રહ્યા છે. આ આખે આખી સહાય યોજના સરકારની છે જેમાં સરકારી માણસે જઈ અને આ સહાય વિતરણ યોગ્ય અને જેમને મળવા પાત્ર છે એમને જ આપવી જોઈએ , પરંતુ ક્યાંક ક્યાંક એવું જોવા મળ્યું છે કે ખરેખર મળવાપાત્ર વ્યક્તિને સહાય મળવી જોઈએ એમને નથી મળી રહી, એની આજુબાજુના બંને મકાનમાલિકોને સહાય મળી પણ વચ્ચેના એક મકાનને સહાય નથી મળી આ કેવી વિસંગતતા ?
વધુમાં આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, વિશેષમાં એવું પણ જાણવા મળ્યું છે કે સરકારી અધિકારીઓની સાથે સત્તા પક્ષના સંગઠનના માણસો જે ચૂંટાયેલા પ્રતિનિધિ ન હોવા છતાં પણ સ્થળ પર જઈને રોકડ રકમ સહાયનું વિતરણ કરી નાહકની ચંચુપાત કરીને રોફ જમાવી રહ્યા છે કે “આ અમે અપાવ્યું છે”, જે કાયદાની દ્રષ્ટિએ અને સૈધ્ધાંતિક બંને દ્રષ્ટિએ ખોટું છે. આવું જે જે લોકોએ કરેલું છે એમના ઉપર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, સત્તા પક્ષના ચૂંટાયેલા માણસો જાય અને પીડિતોને સહાય વિતરણ કરે તો એ અમુક અંશે યોગ્ય ગણાય પણ સત્તાપક્ષ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને પોતાના સંગઠનના માણસોને જાણે કે પોતાના પક્ષમાંથી સહાય આપતા હોય એવી રીતે વિતરણ કરી અને લોકોને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે, સહાય વિતરણમાં ખોટી રીતે લોકોને ભ્રમિત કરવાનું કામ અને રાજકીય જશ ખાટવા સહાય વિતરણમાં અડચણ ઉભી કરતા લોકોને તત્કાળ અટકાવવામાં આવે , સાચા અર્થમાં જેમને નુકશાન થયું છે એમને સત્વરે સહાય મળી રહે એ મુજબ સુયોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી ખાસ વિનંતી છે.
આમ આદમી પાર્ટી ગુજરાત