મુખ્ય સામગ્રી પર જાઓ

નવસારી અને વલસાડ જીલ્લામાં તા.૨૮ થી તા.૩૦ જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના

ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફનો ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર, તમામ ટીમો એલર્ટ મોડ પર

નવસારી અને વલસાડ જીલ્લામાં તા.૨૮ થી તા.૩૦ જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના

રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનરશ્રી દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં IMDના અધિકારી શ્રી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે. તા.૨૮/૦૬/૨૦૨૩ થી તા.૩૦/૦૬/૨૦૨૩ દરમ્યાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. 

સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું કે, રાજયમાં ૨૦૬ જળાશયો પૈકી ૦૬ જળાશય હાઈ એલર્ટ, ૦૩ એલર્ટ, ૦૧ વોર્નિંગ પર છે. એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીશ્રી દ્વારા જણાવેલ છે કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. 

આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુ.ડી.ડી., ICDS, પશુપાલન, BSF, અન્ન અને નાગરિક પુરવઠા અને માહિતી વિભાગના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર