ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (PEFI) દ્વારા સમગ્ર દેશમાં મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ 2.0 અંતર્ગત રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. PEFI ગુજરાત ચેપ્ટર દ્વારા ગુજરાતના કુલ 34 જિલ્લાઓમાં 125થી વધુ સ્થળોએ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 25,000થી વધુ ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે.
આ અંતર્ગત વડોદરા ખાતે સમાજ સુરક્ષા સંકુલ, મેનેજ્ડ બાય દીપક ફાઉન્ડેશન, વડોદરા ખાતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે એથ્લેટિક્સની શોટપુટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ડૉ. વિકાસ અગ્રવાલ, જોઈન્ટ સેક્રેટરી, PEFI ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે ડૉ. વિકાસ અગ્રવાલે ખેલાડીઓને રાષ્ટ્રીય ખેલ દિવસનું મહત્વ તથા હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જીવન અને રમતગમત ક્ષેત્રે તેમના યોગદાન વિશે માહિતી આપી હતી. તેમણે રમતગમત દ્વારા શારીરિક તંદુરસ્તી, આત્મવિશ્વાસ અને ટીમભાવના વિકસે છે તેમ જણાવી, દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રમતગમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમમાં શંભવી પાઠક, વાઇસ પ્રિન્સિપાલ, સંકુલ સ્કૂલ એન્ડ રિસોર્સ સેન્ટર, દીપક ફાઉન્ડેશન, વડોદરા વિશેષ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. સંસ્થાના અન્ય સ્ટાફ સભ્યો દ્વારા પણ સમગ્ર સ્પર્ધાને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.
સ્પર્ધાના આયોજન અને સંચાલનમાં SVIT NSS Unit, Vasadના સ્વયંસેવકોએ પણ સુંદર કામગીરી કરી હતી અને ખેલાડીઓને જરૂરી સહયોગ પૂરો પાડ્યો હતો.
PEFI દ્વારા આયોજિત મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ 2.0ના સમાપન સમારોહમાં શંભવી પાઠક તથા અન્ય મહાનુભાવો દ્વારા વિજેતા ખેલાડીઓને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં મોટાભાગના ખેલાડીઓએ પ્રથમ વખત ભાગ લીધો હતો. મેડલ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કરી વિજેતા ખેલાડીઓમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.
અંતે સંકુલ સ્કૂલ એન્ડ રિસોર્સ સેન્ટર, દીપક ફાઉન્ડેશન, વડોદરાના સંચાલકો દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.