મુખ્ય સામગ્રી પર જાઓ

વડોદરાના ખો-ખો ખેલાડી ધન્વિન ખોપકરની સરદાર પટેલ જુનિયર એવોર્ડ માટે પસંદગી

ગાંધીનગરમાં ૧૨ ઓગસ્ટના રોજ અપાશે એવોર્ડ. સાઉથ એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા ધન્વિન ખોપકરનું પ્રેરણાદાયી સફર.

વડોદરાના ખો-ખો ખેલાડી ધન્વિન ખોપકરની સરદાર પટેલ જુનિયર એવોર્ડ માટે પસંદગી

વડોદરા | વડોદરાના ૨૬ વર્ષીય બી.કોમ. ગ્રેજ્યુએટ અને ખો-ખો ખેલાડી ધન્વિન ખોપકરની પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ગાંધીનગરમાં ૧૨ ઓગસ્ટના રોજ તેમને આ એવોર્ડ આપવામાં આવશે. ખો-ખોમાં કારકિર્દી બનાવવાની સાથે આગામી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું તેમનું સપનું છે. આ સન્માનથી તેમને તેમજ ઉભરતા ખેલાડીઓને વધુ સારું પ્રદર્શન કરવા અને ભારતનું નામ રોશન કરવા પ્રેરણા મળશે.

ધન્વિને વર્ષ ૨૦૧૨-૧૩માં ખો-ખો રમવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધીમાં તેઓ લગભગ ૧૫ રાષ્ટ્રીય સ્તરની ટૂર્નામેન્ટમાં ભાગ લઈ ચૂક્યા છે. વર્ષ ૨૦૧૯માં તેમણે સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેમણે SGFIમાં સિલ્વર અને ખેલો ઈન્ડિયામાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે.

મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા ધનવિને શરૂઆતમાં લંગડી રમત રમવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ કોચની સલાહથી તેમણે ખો-ખો તરફ વળ્યા. મણેકરાવ વ્યાયામશાળામાંથી તેમણે રમતની શરૂઆત કરી હતી. ત્યારથી તેમણે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. ઈજાના કારણે હાલમાં તેઓ મેદાનથી દૂર છે, પરંતુ ટૂંક સમયમાં ફરી મેદાન પર પરત ફરવા માટે ઉત્સુક છે. પોતાની રમતને વધુ સારી બનાવવા માટે તેઓ અગાઉ દરરોજ લગભગ આઠ કલાક પ્રેક્ટિસ કરતા હતા.“આ સન્માન મને અને આગામી ખેલાડીઓને રમત રમવા તથા ભારતનું નામ રોશન કરવા પ્રેરણા આપશે” - ધન્વિન ખોપકર

અત્યાર સુધીમાં લગભગ ૧૫ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. જેમાં ખેલો ઈન્ડિયા, સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા, ખેલ મહાકુંભ, યુનિવર્સિટી ગેમ્સ અને જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.”

તેમણે વધુમાં કહ્યું, “વર્ષ ૨૦૧૯માં સાઉથ એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ખૂબ જ ગર્વની વાત હતી. તેમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ મારી ખુશી બમણી થઈ ગઈ હતી. મેં પાંચ વર્ષ સુધી એમ.એસ. યુનિવર્સિટી માટે પણ ખો-ખો રમ્યો છે અને ત્રણ વર્ષ સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે. સરકાર તરફથી મળતું આ સન્માન મને ખૂબ આત્મવિશ્વાસ અને પ્રેરણા આપે છે. સાથે જ આગામી ખેલાડીઓને પણ રમત ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા મળશે. હવે મારું લક્ષ્ય આગામી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે.”

ધન્વિનનું સપનું ખો-ખોમાં પોતાની ઓળખ બનાવવાની સાથે અન્ય યુવા ખેલાડીઓને પણ પ્રેરણા આપવાનું છે.

Tags: South Asian Games gold medalist India Gujarat sports awards 2026 Dhanvin Khopkar Sardar Patel Junior Award Vadodara kho kho player news

સંબંધિત સમાચાર