મુખ્ય સામગ્રી પર જાઓ

વિસાવદરના વિકાસને નવી ગતિ: ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મંજૂર કરાવ્યા ₹10 કરોડના કામો

વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં ₹10 કરોડના વિવિધ વિકાસ કાર્યો મંજૂર થયા છે. ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જુનાગઢ, ભેસાણ અને વિસાવદર તાલુકા માટે આ ગ્રાન્ટની ફાળવણી કરી છે. તમારા ગામમાં કયા કામો મંજૂર થયા છે અને કેવી રીતે કામ શરૂ કરી શકાય, તેની સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

વિસાવદરના વિકાસને નવી ગતિ: ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મંજૂર કરાવ્યા ₹10 કરોડના કામો

અમદાવાદ / જૂનાગઢ / ગુજરાત : આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વીડિયો મારફતે જણાવ્યું હતું કે આજે અત્યંત ખુશખબર એ છે કે જુનાગઢ તાલુકો, ભેંસાણ તાલુકો અને વિસાવદર તાલુકાના તમામ ગામોમાં જરૂરી વિકાસના કામો કરવા માટે અંદાજિત દસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લા આયોજન મંડળ તરફથી સાડા સાત કરોડ રૂપિયા અને ધારાસભ્ય ગ્રાન્ટમાંથી અઢી કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આજે રાજ્યના શિક્ષણમંત્રી અને જુનાગઢ જિલ્લાના પ્રભારીમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા આયોજન સમિતિની ઓનલાઈન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિસાવદર તાલુકા, ભેંસાણ તાલુકા અને જુનાગઢ તાલુકાના ગામો એટલે કે તેમના વિધાનસભા મતવિસ્તારના તમામ ગામોમાં વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગામોમાં સીસી રોડ, ગટર લાઈન, સ્ટ્રીટ લાઈટ, સાફ-સફાઈ, સ્મશાન, આંગણવાડી, પુર સંરક્ષણ દીવાલ, નાળા સહિત લોકોની નાની-મોટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિવિધ વિકાસ કામો હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું કે જિલ્લા આયોજન મંડળના સાડા સાત કરોડ રૂપિયા અને ધારાસભ્ય ગ્રાન્ટના અઢી કરોડ રૂપિયા મળીને કુલ દસ કરોડ રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે, જે વિસાવદર મતવિસ્તારના અલગ-અલગ ગામોમાં વિવિધ જરૂરી કામો માટે ખર્ચવામાં આવશે.

ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ તમામ વિકાસ કામો મંજૂર થવા બદલ તેઓ વિસાવદર મતવિસ્તારની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે. તેમણે કહ્યું કે તેમના મતવિસ્તારમાં દસ કરોડ રૂપિયાના વિકાસ કામો શરૂ થવાના છે. ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા અગાઉ ત્રીસ કરોડ રૂપિયાના નવા રોડનાં કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે, જે હાલ પ્રગતિ હેઠળ છે. એટલે કે હાલના સમયમાં માત્ર રોડ અને અન્ય વિકાસ કામોને મળીને વિસાવદર મતવિસ્તારમાં અંદાજિત ચાલીસ કરોડ રૂપિયાનાં વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં સાડા સાત કરોડ રૂપિયા જિલ્લા આયોજન મંડળમાંથી, અઢી કરોડ રૂપિયા ધારાસભ્ય ગ્રાન્ટમાંથી તેમજ અગાઉ મંજૂર થયેલા રોડનાં કામોનો સમાવેશ થાય છે. તેમણે આ તમામ વિકાસ કાર્યો બદલ સમગ્ર જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જિલ્લા આયોજન મંડળ તરફથી વિસાવદર મતવિસ્તારના અલગ-અલગ ગામોમાં જે કામો મંજૂર થયા છે, તેની યાદી તેમણે પોતાના ફેસબુક પેજ પર મૂકી છે, જેથી દરેક વ્યક્તિ પોતાના ગામમાં કયુ કામ મંજૂર થયું છે તે જાણી શકે. તેમણે ગામના નાગરિકોને અપીલ કરી કે મંજૂર થયેલા કામો ઝડપથી શરૂ થાય અને પૂર્ણ થાય તે માટે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતનો સંપર્ક કરવો જરૂરી છે. ગામોમાં સીસી રોડ, પેવર બ્લોક, ગટર, શમશાનની દિવાલ, પૂર સુરક્ષા દિવાલ, આંગણવાડીની દીવાલ સહિતના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી છે. તેમણે કહ્યું કે આ કામો માટે ટેકનિકલ મંજૂરી, એસ્ટિમેટ અને સર્વે પ્રક્રિયા તાલુકા પંચાયતના એન્જિનિયરો દ્વારા કરવામાં આવતી હોય છે, તેથી ગામના જાગૃત નાગરિકો, સરપંચ અને સંબંધિત અધિકારીઓએ તાલુકા પંચાયતના એસઓ અને અન્ય અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ જેથી ચોમાસા પહેલાં જ કામો ઝડપથી શરૂ થઈ શકે અને સમયસર પૂર્ણ થઈ શકે.

Tags: Gopal Italia ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી (AAP) AAP GUJARAT aap news

સંબંધિત સમાચાર