દેશના વિકાસ અને આત્મનિર્ભરતાના પ્રણેતા, ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૭૬માં જન્મદિવસે તેમની ૨૫ વર્ષની અવિરત અને સમર્પિત જનસેવાની મહાયાત્રાને બિરદાવવા માટે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદ ખાતે "આશીર્વાદનો દીવો" નામના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રસેવાને જ જીવનનો પરમ ધ્યેય બનાવનાર વડાપ્રધાનશ્રીને સન્માનિત કરતા આ પાવન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ગૌરવવંત સમારોહમાં સમગ્ર ભારતીય નકશા પર પ્રજ્વલિત કરાયેલ અદ્ભુત દીપોત્સવ, ૭૬+૭૬ દીકરીઓના સ્વમુખે ગવાયેલા 'પૂર્ણ વંદે માતરમ્', ભક્તિરસથી છલકાતા ભવ્ય લોક ડાયરા અને ભજન સંધ્યા, વડાપ્રધાનશ્રીની પ્રેરણાદાયી જીવનગાથાની પ્રસ્તુતિ અને 'સંકલ્પ - વિકસિત ભારત ૨૦૪૭' જેવા ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિના પાવન સંગમસમા અનેકવિધ આકર્ષણો રજૂ કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવો મહાઆરતીમાં પણ સહભાગી થયા હતા. આ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ શ્રી ડી.એન. ગોલે શાબ્દિક સ્વાગત કરીને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રી હિતેશ બારોટ, સાંસદ શ્રી હસમુખ પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી જીતુભાઈ, ડૉ. હર્ષદ પટેલ, કોપોરેટરશ્રીઓ, દાતાશ્રીઓ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો અને સમગ્ર ટીમ સહિત મોટી સંખ્યામાં અમદાવાદ શહેરમાંથી ભાઈ -બહેનોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનશ્રીના જન્મ દિવસ નિમિત્તે આશીર્વાદનો દીવો પ્રગટાવ્યો હતો.