રાજપીપલા : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયન મહત્તમ મતદાન થાય તેના માટે જાગૃતિ કાર્યક્રમો ચાલી રહ્યા છે. નર્મદા જિલ્લામાં ૨૧-ઉટાઉદેપુર લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ ૧૪૮ નાંદોદ વિધાનસભા અને ૨૨-ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ ૧૪૯- દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં હાલમાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિના કાર્યક્રમો પુરજોશમાં ચાલી રહી છે.
આગામી ૭મી મેના રોજ મતદાન યોજાનાર છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, TIP નોડલ અને જિલ્લા વિકાસ
અધિકારીશ્રી અંકિત પન્નુના માર્ગદર્શન તેમજ સ્વીપ એક્ટિવિટી નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિશાંત દવેની રાહબરીમાં સ્વીપ એક્ટિવિટી મતદાન જાગૃતિ અભિયાને વેગ પકડ્યો છે. જેના ભાગરૂપે આજે તા.૨૪/૦૪/૨૦૨૪ને બુધવારના રોજ દેડિયાપાડા અને સાગબારા તાલુકાની શાળાઓમાં શિક્ષકો-BLO દ્વારા ખાસ ઝૂંબેશના ભાગરૂપે સિગ્નેચર કેમ્પેઈન હાથ ધર્યું હતું. જેમાં ગામના મતદારોને મતદાન અંગેની સમજ
આપી ફળિયામાં જઈને સિગ્નેચર કેમ્પેઈન કરતા તેમાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. મતદારોએ સિગ્નેચર કેમ્પેઈનમાં જોડાઈને અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ પણ લીધો હતો.