મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

વર્લ્ડ રેકોર્ડ: જિયોહોટસ્ટાર પર ભારત-ઇંગ્લેન્ડ સેમીફાઇનલે રચ્યો ઈતિહાસ, 6.5 કરોડ લોકોએ એકસાથે જોઈ મેચ

આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 ની ભારત-ઇંગ્લેન્ડ સેમીફાઇનલે ડિજિટલ સ્ટ્રીમિંગમાં નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જિયોહોટસ્ટાર પ્લેટફોર્મ પર એકસાથે 65.2 મિલિયન લોકોએ લાઈવ મેચ નિહાળી હતી, જે વૈશ્વિક સ્તરે કોઈપણ લાઈવ ઈવેન્ટ માટે સૌથી મોટો આંકડો છે. આ મેચને કુલ 619 મિલિયન વ્યૂઝ અને 23 અબજ મિનિટનો વોચ-ટાઈમ મળ્યો છે.

વર્લ્ડ રેકોર્ડ: જિયોહોટસ્ટાર પર ભારત-ઇંગ્લેન્ડ સેમીફાઇનલે રચ્યો ઈતિહાસ, 6.5 કરોડ લોકોએ એકસાથે જોઈ મેચ

આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 સ્પોર્ટ્સ, મીડિયા અને સ્ટ્રીમિંગની દુનિયામાં ગ્લોબલ બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યો છે, જેમાં 5 માર્ચે રમાયેલી ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની સેમીફાઇનલ મેચ ડિજિટલ વ્યૂઅરશિપમાં એક ઐતિહાસિક વૈશ્વિક સીમાચિહ્નરૂપ બની છે.

ભારતના અગ્રણી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જિયોહોટસ્ટારે આ અત્યંત રસાકસીભરી મેચ દરમિયાન એકસાથે અભૂતપૂર્વ 65.2 મિલિયન વ્યૂઅર્સ (peak concurrent viewers) નોંધાવ્યા હતા, જે વિશ્વના કોઈપણ ડિજિટલ પ્લેટફોર્મ પર લાઇવ ઇવેન્ટ માટે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યામાં લોકોએ ઇવેન્ટ નિહાળ્યાનો નવો વિશ્વ રેકોર્ડ છે. આ મેચને જિયોહોટસ્ટાર પર 619 મિલિયન વ્યૂઝ પણ મળ્યા, જેનાથી તે ઇતિહાસમાં સૌથી વધુ સ્ટ્રીમ થયેલી ટી20 ઇન્ટરનેશનલ મેચ બની હતી.

આ રોમાંચક મેચમાં બંને ઇનિંગ્સમાં કુલ મળીને નોંધપાત્ર 499 રન નોંધાયા હતા, જેને ભારત સહિત વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. પીક કન્કરન્સીનો આ આંકડો અગાઉના 65 મિલિયનના ગ્લોબલ રેકોર્ડને પણ વટાવી દીધો છે, જે નવેમ્બર 2024માં એક આંતરરાષ્ટ્રીય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ દ્વારા નોંધાયો હતો. તે સમયે આ આંકડો વિવિધ દેશોની એકત્રિત વ્યૂઅરશિપ પરથી પ્રાપ્ત થયો હતો. જોકે જિયોહોટસ્ટારનો આ નવો રેકોર્ડ માત્ર એક જ માર્કેટ દ્વારા નોંધાયો છે, જે લાઇવ સ્ટ્રીમિંગમાં ગ્લોબલ લીડર તરીકેની તેની સ્થિતિ અને સરળ વ્યૂઇંગ અનુભવ પૂરો પાડતી વખતે મોટાપાયે માંગને સંભાળવાની તેની ક્ષમતા દર્શાવે છે. આ રેકોર્ડ એ પણ દર્શાવે છે કે આઈસીસી જેવી પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ કેટલી વિશાળ સંખ્યામાં દર્શકોને એકત્રિત કરી શકે છે. ભારતીય ટીમની લોકપ્રિયતા, “મસ્ટ-વિન” સેમીફાઇનલનો સંદર્ભ અને મોટાપાયે કરવામાં આવેલા ફેન એન્ગેજમેન્ટ પહેલના સંયોજનથી આ નોંધપાત્ર સિદ્ધિ શક્ય બની છે.

લિનિયર ટેલિવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ બંનેને સાથે ગણવામાં આવે તો આ સેમીફાઇનલ મેચે કુલ 320 મિલિયનથી વધુ દર્શકો સુધી પહોંચ મેળવી હતી. વિવિધ સ્ક્રીન્સ પર કુલ વોચ-ટાઈમ 23 અબજ મિનિટને પાર ગયો હતો, જેના કારણે આ મેચ અત્યાર સુધીની સૌથી વધુ જોવામાં આવેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ બની ગઇ છે.

આ અંગે આઈસીસીના ચેરમેન જય શાહે જણાવ્યું હતું કે, “આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 કરોડો ક્રિકેટપ્રેમીઓને ભારતમાં એકત્રિત કરે છે તે જોવું ખરેખર આનંદદાયક છે. ભારત-ઇંગ્લેન્ડ સેમીફાઇનલ દરમિયાન નોંધાયેલા આ અસાધારણ આંકડા માત્ર ક્રિકેટપ્રેમીઓના જુસ્સાને જ નહીં, પરંતુ રમતને વધુ સરળતાથી ઉપલબ્ધ અને વધુ રસપ્રદ બનાવવા માટે કરવામાં આવી રહેલી પ્રગતિને પણ દર્શાવે છે. આ વર્લ્ડ કપ મેદાન પરની રમતમાં જેટલો યાદ રહેશે, એટલો જ કરોડો ચાહકોએ એકસાથે આવીને રમતની ઉજવણી કરી તે માટે પણ યાદ રહેશે.”

જિયોસ્ટારના વાઇસ ચેરમેન ઉદય શંકરે જણાવ્યું હતું કે “આ સિદ્ધિ જિયોસ્ટારની ટેક્નોલોજી અને સર્જનાત્મક ક્ષમતાનું તેમજ આઈસીસીની ક્રિકેટને વધુ વિશાળ બનાવવાની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રમાણ છે. ગુરુવારે રમાયેલી બીજી સેમીફાઇનલ મેચ જોવા માટે દરેક ત્રણ ભારતીયોમાંથી એક દર્શક જોડાયો હતો. જ્યારે કરોડો લોકો એકસાથે મેચ જોવા જોડાય છે ત્યારે તેને સફળતાપૂર્વક પહોંચાડવા માટે શ્રેષ્ઠ ટેક્નોલોજીની જરૂર પડે છે. ભવિષ્યમાં મનોરંજનનું સ્વરૂપ આવું જ બનવાનું છે.”

બંને ટીમોના ઉત્તમ પ્રદર્શનના પરિણામે આ મેચ દરમિયાન નોંધાયેલા 619 મિલિયન વ્યૂઝે અગાઉનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો, જે આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2024ના ફાઇનલ દરમિયાન 533 મિલિયન વ્યૂઝનો હતો.

ફાઇનલ મેચ હજુ બાકી હોવા છતાં આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 ડિજિટલ અને બ્રોડકાસ્ટ બંને પ્લેટફોર્મ પર પહોંચ અને દર્શક જોડાણના મામલે પહેલેથી જ અનેક નવા માપદંડો સ્થાપિત કરી ચૂક્યો છે.

ભારત હવે આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 8મી માર્ચે યોજાનારી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ક્રિકેટપ્રેમીઓ આ સમગ્ર મેચનું જીવંત પ્રસારણ જિયોહોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકશે.
 

fashion

સંબંધિત સમાચાર

travel