મુખ્ય સામગ્રી પર જાઓ

યુપીઆઈ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર ૦.૪% ટેક્સના શાહી ફરમાન સામે 'આપ'નો ઉગ્ર વિરોધ: મનોજ સોરઠીયાની આક્રમક રજૂઆત

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં દિલ્હીથી એક શાહી ફરમાન બહાર પાડવામાં આવ્યું છે, જે દેશના લોકોના ખિસ્સા કાપવાની શરૂઆત સમાન છે. ડિજિટલ ઇન્ડિયા અને યુપીઆઈ ટેક્નોલોજી દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ તેને બરબાદ કરવાના હેતુથી સરકાર બિનજરૂરી ટેક્સ નાખી રહી છે.

યુપીઆઈ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર ૦.૪% ટેક્સના શાહી ફરમાન સામે 'આપ'નો ઉગ્ર વિરોધ: મનોજ સોરઠીયાની આક્રમક રજૂઆત

અમદાવાદ | આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં દિલ્હીથી એક શાહી ફરમાન બહાર પાડવામાં આવ્યું છે. દેશના લોકોના ખિસ્સા કાપવા માટેની આ એક શરૂઆત કહી શકાય. UPI ટેક્નોલોજી દ્વારા થતા ટ્રાન્ઝેક્શન આપણા દેશ માટે અને આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ટેક્નોલોજી છે, પરંતુ હવે તેને પણ બરબાદ કરવાના નામે આ લોકો ટેક્સ નાખી રહ્યા છે. ગઈકાલે જે જાહેરાત થઈ તે પ્રમાણે આવતી ૧૫મી ઓક્ટોબરથી ₹૨,૦૦૦ થી ઉપરના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શનો ઉપર ૦.૪% ટેક્સ લેવામાં આવશે. આનાથી વેપારીઓ પર વધારાનો બોજ પડવાનો છે. આપણા દેશના રિટેલ વેપારીઓનો નફો જ માંડ ૫ થી ૭ ટકા જેટલો હોય છે, જેમાં આ ૦.૪% નો ટેક્સ લાગવાથી વેપારીઓને પણ ઘરેથી આપવાનો વારો આવશે અને છેવટે આ બોજ લોકોના ખિસ્સામાંથી જ વસૂલાશે. એક તરફ એનસીપીઆઈ (NCPI), કે જે આ ટ્રાન્ઝેક્શનો કરે છે અને જેની પાસે UPI પાછળની ટેક્નોલોજી છે, તે ઓલરેડી ભારે નફામાં છે અને તેની પાસે ₹૬,૦૦૦ કરોડની કેશ પડી છે. આવી નફો કરતી કંપની અને સરકારી તંત્ર દ્વારા MDR ના નામે ટેક્સ નાખવાનું કામ થઈ રહ્યું છે.

બીજી તરફ, UPI ને લીધે દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનો વધ્યા હતા, જેનાથી પૈસાનું સર્ક્યુલેશન મેનસ્ટ્રીમમાં આવતું હતું અને સરકારને પણ ઈન્કમ ટેક્સ તથા તમામ ટ્રાન્ઝેક્શનો કવર થવાનો ફાયદો થતો હતો. પરંતુ આ ટેક્સથી અને જે શરૂઆત થઈ છે તેનાથી આવનારા દિવસોમાં ટેક્સ વધતો જશે. આ ટ્રાન્ઝેક્શનો પર ટેક્સ નાખવાથી આવનારા દિવસોમાં લોકો ફરીથી કેશ ટ્રાન્ઝેક્શન તરફ વળશે અને લોકોને પોતાના ખિસ્સામાં રોકડ રકમ લઈને ફરવું પડશે. આથી આ જે ફરમાન છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. હું ગુજરાતની જનતાને પણ વિનંતી કરું છું કે, સરકાર છેલ્લા ઘણા સમયથી લોકોના ખિસ્સા કાપવા સિવાય બીજું કોઈ કામ કરતી નથી. આજે દેશની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે વિદેશી મૂડી દેશમાંથી ભાગી રહી છે, દેશના ઉદ્યોગપતિઓ પણ વિદેશમાં રોકાણ કરવા જઈ રહ્યા છે અને યુવાધનને આ દેશ પર વિશ્વાસ રહ્યો નથી જેથી યુવાધન દેશ છોડીને વિદેશ તરફ જઈ રહ્યું છે. એકદમ નિષ્ફળ રહેલી આ સરકારે હવે ટ્રાન્ઝેક્શન પર ટેક્સ નાખવાની જે વાત કરી છે તેનો આપણે બધાએ વિરોધ કરવો પડશે. તમામ જનતા અને વેપારીઓને ખુલ્લીને વિરોધ કરવા વિનંતી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી 'ચમત્કાર વગર નમસ્કાર નહીં' માં માનવાવાળી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી આ મુદ્દા પર વિરોધ નોંધાવે છે અને આવનારા દિવસોમાં જરૂર જણાશે તો રસ્તાઓ પર ઉતરીને પણ લોકોના ખિસ્સા કાપનારા આ શાહી ફરમાન સામે વિરોધ પ્રદર્શન કરીશું.

મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આજના સમયમાં દેશની અંદર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો આપણા બધા માટે હવે લગભગ એક જરૂરિયાત અને મજબૂરી બની ગયા છે. ટેક્નોલોજીની આ બદલાતી દુનિયામાં આજે તમામ વસ્તુઓ આપણે ઓનલાઈનના માધ્યમથી જ ખરીદતા હોઈએ છીએ, જેથી આપણી મોટાભાગની રોકડ અને મોટાભાગના ટ્રાન્ઝેક્શનો આપણે ડિજિટલ માધ્યમથી જ પૂરા કરીએ છીએ. આવા સમયની અંદર સરકાર દ્વારા બિનજરૂરી ટેક્સ લાદવામાં આવી રહ્યો છે. આપણે ઓલરેડી જાણીએ છીએ કે દરેક વસ્તુ પર લગભગ ટેક્સ નાખીને 'વન નેશન, વન ટેક્સ' ની વાતો કરવા વાળા લોકો આજે ટેક્સ લેવાનો એક પણ મોકો છોડતા નથી.આજની વાસ્તવિક સ્થિતિ એ છે કે ઉદ્યોગપતિઓને જે માંગે તે બધું જ મળી જાય છે, જ્યારે સામાન્ય માણસના ખિસ્સા પર કાતર ચલાવવામાં આવે છે અને તેના અધિકારોમાં પણ સરકાર કપાત કરી રહી છે. આ નીતિઓના લીધે આજે દેશનો સામાન્ય માણસ આર્થિક બોજ હેઠળ દબાઈ રહ્યો છે અને તેની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. મોંઘવારી અને વધારાના ટેક્સના બોજ વચ્ચે આજે સામાન્ય પરિવાર માટે સન્માનપૂર્વક જીવવું પણ અત્યંત મુશ્કેલ બની ગયું છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી મનોજ સોરઠીયા દિલ્હી યુપીઆઈ ટેક્નોલોજી ડિજિટલ ઇન્ડિયા

સંબંધિત સમાચાર