ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમે વન ડે ઈન્ટરનેશનલમાં ઈતિહાસ રચ્યો છે. ટીમે વનડેમાં પ્રથમ વખત 400ના આંકડાને સ્પર્શ કર્યો છે. તેણે વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023 (ZIM v USA World Cup Qualifiers 2023)ની 17મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. UAE સામે પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 50 ઓવરમાં 6 વિકેટે 408 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેને આ સ્થાન સુધી લઈ જવામાં તેના સુકાની સીન વિલિયમ્સે મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે કેપ્ટનશીપની ઇનિંગ્સ રમી હતી. વિલિયમ્સ ભલે તેની કારકિર્દીની પ્રથમ બેવડી સદી ચૂકી ગયો હોય, છતાં તેણે આખી પાર્ટી લૂંટી લીધી.
સુપર 6માં જગ્યા બનાવી ચૂકેલા ઝિમ્બાબ્વેને તેના ઓપનરોએ અડધી સદીની શરૂઆત અપાવી હતી. જોયલોડ ગુમ્બી અને ઇનોસન્ટ કૈયાએ પ્રથમ વિકેટ માટે 56 રનની ભાગીદારી નોંધાવી હતી. કૈયા 32 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી તેને કેપ્ટનનો સપોર્ટ મળ્યો. બંને બેટ્સમેનોએ બીજી વિકેટ માટે 160 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 216 સુધી પહોંચાડ્યો હતો. ગુમ્બી 78 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિલિયમ્સને સિકંદર રઝાનો સપોર્ટ મળ્યો. બંનેએ ત્રીજી વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી હતી.
સીન વિલિયમ્સે 101 બોલમાં 174 રન ફટકાર્યા હતા
સિકંદર રઝા 27 બોલમાં 48 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે રેયાન બર્લે 16 બોલમાં 47 રન બનાવ્યા હતા. વિલિયમ્સે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી જ્યારે 65 બોલમાં સદી ફટકારી હતી. તેણે 87 બોલમાં 150 રન પૂરા કર્યા. તે 101 બોલમાં 21 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 174 રન બનાવીને આઉટ થયો હતો.
ઝિમ્બાબ્વે ટીમ 1983 થી ODI રમી રહી છે
આ પહેલા ઝિમ્બાબ્વેનો વનડેમાં સર્વોચ્ચ સ્કોર 351 રન હતો, જે તેણે વર્ષ 2009માં કેન્યા સામે બનાવ્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમ 1983 થી એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી છે. 40 વર્ષના તેના ODI ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ઝિમ્બાબ્વેએ 400ના આંકડાને સ્પર્શ કર્યો છે.