અમેરિકા અને ભારત વચ્ચે થયેલી ટ્રેડ ડીલ મુદ્દે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ આવનારા દિવસોમાં ભારતના ખેડૂતો માટે ઘાતક નીવડે એવી પૂરી શક્યતાઓ છે. કારણ કે અમેરિકાના એગ્રીકલ્ચર સેક્રેટરીએ જણાવ્યું છે કે “અમેરિકાના ખેડૂતો માટે ભારતનું મોટું બજાર ખુલી ગયું છે”. હવે જો અમેરિકાના ખેડૂતોની પ્રોડક્ટ ભારતમાં ઝીરો ટકા સાથે પ્રવેશ કરશે તો ભારતના ખેડૂતોએ મહા મહેનતે પરસેવો પાડીને જેટલી પણ ખેતપેદાશો ઉત્પન્ન કરી છે, તેના ભાવ તળિયે જશે અને ભારતના ખેડૂતોની કંગાળ પરિસ્થિતિ ઊભી થશે.
વધુમાં AAP નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ અમેરિકાથી આવતા કોટન પર ઝીરો ટકા ટેરીફ લાગુ કરવાનો નિર્ણય ભાજપ સરકારે લીધો હતો અને હવે એગ્રીકલ્ચરલ પ્રોડક્ટને લઈને જે સમાચાર આવી રહ્યા છે એ જોઈને લાગે છે કે આવનારા દિવસોની અંદર આ દેશના ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થવાની છે. ભારતની પ્રોડક્ટ અમેરિકા જાય તો 18% ટેરીફ અને અમેરિકાની પ્રોડક્ટ ભારતમાં આવે તો 0% ટેરિફ, તો આ ટ્રેડ ડીલ ભારત માટે કઈ રીતે ફાયદારૂપ સાબિત થશે? મારું સ્પષ્ટપણે માનવું છે કે આ રીતની ટ્રેડ ડીલ કરીને ભાજપ સરકારે આખા દેશને ખતરામાં મૂકવાનું કામ કર્યું છે. માટે મારું માનવું છે કે આ ટ્રેડ ડીલ ભારતના ખેડૂતો માટે ઘાતક નીવડી શકે એમ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત


