અમદાવાદ / નર્મદા / છોટાઉદેપુર / ગુજરાત : આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ ગુજરાતના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના છોટાઉદેપુર જિલ્લાના માનુકલા ગામના પ્રવાસ મુદ્દે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રી તરીકે તમે અમારા ટ્રાઇબલ (આદિવાસી) વિસ્તારમાં આવ્યા તે આવકારદાયક છે, પરંતુ કન્ટેનર શાળાના ઉદ્ઘાટન માટે જતાં રસ્તા એટલા બિસ્માર હતા કે તમારી પોતાની કાર પણ જઈ શકી નહોતી. તમારે છેલ્લા ૬ કિલોમીટર સુધી મામલતદારની ગાડીમાં બેસીને જવું પડ્યું, જે ખુબ જ શરમજનક બાબત છે. છેલ્લાં ૩૦-૩૫ વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર 'સબકા સાથ, સબકા વિકાસ'ના દાવા કરે છે, તો શું આદિવાસી વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ વચ્ચે કન્ટેનર શાળા બનાવવી એ જ સાચો વિકાસ છે?
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારા ટ્રાઇબલ વિસ્તારમાં માત્ર રસ્તા જ ખરાબ નથી, પરંતુ શાળાઓમાં પૂરતી સુવિધાઓ કે શિક્ષકો નથી, હોસ્પિટલોમાં સુવિધાઓના અભાવે ગર્ભવતી મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. જે મુશ્કેલી રાજ્ય મંત્રીએ ૬ કિલોમીટરના પ્રવાસ દરમિયાન અનુભવી, તે મુશ્કેલી અહીંના નાના બાળકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકો દરરોજ ભોગવે છે. ડબલ એન્જિન સરકાર અને 'ગુજરાત મોડલ'ની મોટી મોટી વાતો માત્ર કાગળ, સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પૂરતી જ સીમિત છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે મંત્રીઓને આદિવાસી સમાજની વાસ્તવિક સમસ્યાઓ, રોડ-રસ્તા, પીવાનું પાણી, આરોગ્ય, શિક્ષણ અને બેરોજગારી દૂર કરવામાં કોઈ રસ નથી.
આમ આદમી પાર્ટી ગુજરાત