મુખ્ય સામગ્રી પર જાઓ

આદિજાતિ વિકાસ ફંડ મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા પ્રહાર, ગુજરાત બજેટ આદિવાસી વિરોધી

ગુજરાત બજેટને AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિરોધી ગણાવ્યું. “આદિજાતિ ફંડમાંથી 1000+ કરોડ વપરાયા નહીં, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં ફેરફારથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં”. કુપોષણ-આરોગ્ય-રોજગાર અવગણાયા, PM કાર્યક્રમમાં કરોડો ખર્ચાયા – આદિવાસીઓને જાગૃત થવા આહ્વાન. વિગતો જુઓ.

આદિજાતિ વિકાસ ફંડ મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા પ્રહાર, ગુજરાત બજેટ આદિવાસી વિરોધી

અમદાવાદ : આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ બજેટમાં આદિવાસી છાત્રોને થયેલા ગંભીર અન્યાય મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જે બજેટ જાહેર કર્યું, એ મુદ્દે અમે થોડું એનાલિસિસ કર્યું, તેના વિશે આજે હું વાત કરવા માંગુ છું. ગુજરાતમાં આદિવાસી લોકોની 15% વસ્તી છે, એટલે કે 1 કરોડ 25 લાખ આદિવાસી લોકો ગુજરાતમાં વસે છે. 15મી નવેમ્બરે દેડીયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તેઓ પાંચ વર્ષમાં ગુજરાતના આદિવાસી સમાજ માટે બે લાખ કરોડ ખર્ચ કરશે. છતાં બજેટમાં આદિવાસી સમુદાયને 5425 કરોડની રકમ ફાળવવામાં આવી. મેં વિધાનસભાના ગૃહમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ સમક્ષ મેં અગાઉ ફાળવવામાં આવેલી રકમની માહિતી માંગી હતી, તેના જવાબમાં સરકારના મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો કે ગત 2024-25 માં 4373 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ તેની સામે ફક્ત 3373 કરોડ વપરાયા હતા તો બાકીના 1000 કરોડ ક્યાં ગયા? એ જ પ્રકારે 2025-26માં 5120 કરોડની રકમ આદિજાતિ વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી હતી અને તેમાંથી ફક્ત 2410 કરોડ વપરાયા મતલબ કે જેટલાની જોગવાઈ કરી હતી તેમાંથી 50% રકમ પણ ખર્ચ કરવામાં આવી નથી. આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા છે, સિકલ સેલની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું, કેટલાય ગામોમાં રોડ રસ્તા નથી, ગર્ભવતી બહેનોને ઝોલીમાં ઊંચકીને લઈ જવામાં આવે છે, આદિવાસી વિસ્તારોના દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ નથી, આ સિવાય સીટી સ્કેન, સોનોગ્રાફી જેવા મશીનો પણ નથી અને સબવાહિનીઓ પણ નથી. યુવાનો માટે રોજગારી નથી. તો આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારના લોકો સુવિધાઓ માટે અને રોજગારી માટે તરસી રહ્યો છે પરંતુ સરકાર આદિવાસી લોકોના વિકાસ માટેના ફંડને પણ વાપરી રહી નથી.  5000 કરોડની સામે સરકારે હકીકતમાં 6,000 કરોડ વાપરવાની જરૂરત હતી. તો આદિવાસી લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે તેને અમે ક્યારેય ભૂલીશું નહીં.

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, બીજો અમારો સવાલ હતો કે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2010થી અમલમાં હતી, જેમાં કેન્દ્ર સરકાર 75 ટકા અને રાજ્ય સરકાર 25 ટકાનું અનુદાન આપતી હતી. આ યોજનાના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ એએનએમ, જીએનએમ, ડિપ્લોમા, ડિગ્રી, એમબીબીએસ, બીએસસી, એમએસસી, ફાર્મસી જેવા વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી શકતા હતા. તેમણે આક્ષેપ કર્યો કે 28-10-2024ના રોજ રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી આ યોજનામાં ફેરફાર કરીને માત્ર ગવર્મેન્ટ ક્વોટાના વિદ્યાર્થીઓને જ શિષ્યવૃત્તિ આપવાની અને મેનેજમેન્ટ તથા વેકન્ટ ક્વોટાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન આપવાની જાહેરાત કરી. સરકાર પોતે જ ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ એમ બે કોટા નક્કી કરે છે, પરંતુ હવે મેનેજમેન્ટ અને વેકન્ટ ક્વોટાના વિદ્યાર્થીઓને સહાય ન આપવા નિર્ણય લેવાયો છે. 2024-25માં અંદાજે 60 હજાર વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ અને વેકન્ટ ક્વોટામાં પ્રવેશ લીધો છે, પરંતુ સરકારના નિર્ણય મુજબ એકપણ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહીં. જેના કારણે હજારો આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. તેમણે કહ્યું કે ગરીબ પરિવાર કેવી રીતે જીએનએમ માટે બે લાખ રૂપિયા અથવા એમબીબીએસ માટે પાંચ લાખ રૂપિયા ફી ભરી શકશે? આ મુદ્દે વિરોધ નોંધાવવા માટે બિરસા મુંડા ભવન અને વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. સત્ર દરમિયાન વિરોધ નોંધાવતા કેટલાક ધારાસભ્યોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું કે ડેડિયાપાડા ખાતે વડાપ્રધાનના કાર્યક્રમ માટે આદિજાતિ વિકાસ વિભાગમાંથી ₹41 કરોડ ખર્ચાયા હોવાનું સરકારે જણાવ્યું. માર્ગ-મકાન વિભાગે ₹54 કરોડ, તેમજ આરોગ્ય, તાલુકા પંચાયત, ડીઆરડીએ, શિક્ષણ વિભાગ, નગરપાલિકા અને કલેક્ટર કચેરી દ્વારા પણ ખર્ચ કરવામાં આવ્યો. તેમણે આક્ષેપ કર્યો કે આદિજાતિ બાળકોના પોષણ, આંગણવાડી, શૈક્ષણિક અને કલ્યાણકારી યોજનાઓ માટેની ગ્રાન્ટમાંથી કાર્યક્રમના બ્રાન્ડિંગ, હોર્ડિંગ, મોમેન્ટો, સેટઅપ, મહેમાનોની રહેવાની વ્યવસ્થા અને મોબાઈલ ટોઇલેટ જેવી બાબતો માટે ખર્ચ કરવામાં આવ્યો. જો સરકાર ખરેખર આદિવાસી હિતેચ્છુ હોત તો ફાળવેલા બજેટનો સંપૂર્ણ ઉપયોગ કરીને જરૂરી હોય તો વધારાની માંગણી પણ લાવી શકત. પરંતુ ફાળવેલા બજેટનો અડધો પણ ખર્ચ ન કરીને સરકારે આદિવાસી હિત પ્રત્યેની પોતાની અસંવેદનશીલતા દર્શાવી છે. આદિવાસી વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને સમગ્ર સમાજને જાગૃત થવા અને પોતાના હકો માટે અવાજ ઉઠાવવા આહ્વાન કર્યું હતું.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

સંબંધિત સમાચાર