અમદાવાદ / નર્મદા / ગુજરાત : નર્મદા જિલ્લાના લાચરસ મુકામે તાજેતરમાં આવેલા વાવાઝોડા દરમિયાન ઘર ધરાશાયી થતાં 11 વર્ષની બાળકી રીન્કુબેન જીગ્નેશભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવા તથા આમ આદમી પાર્ટીની ટીમે સ્થળ પર પહોંચી મૃતકના પરિવારજનોની મુલાકાત લીધી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવાએ શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી અને પરિવારની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક ધોરણે સરકાર તરફથી મળવાપાત્ર સહાય પરિવારને વહેલી તકે મળે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવાના આદેશ આપ્યા હતા.
આ મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી કમ મંત્રી પણ હાજર રહ્યા હતા. તેમણે ઘટનાની વિગતો અને સહાયની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દુર્ઘટનાથી પ્રભાવિત પરિવારને યોગ્ય સહાય અને ન્યાય મળે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં જિલ્લા પંચાયત અને સ્થાનિક તંત્ર પરિવારની સાથે ઊભું રહેશે. દિવંગત બાળકી રીન્કુબેન જીગ્નેશભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં અંજનાબેન અનિરુદ્ધભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભગવાન આ દીકરીની આત્માને શાંતિ આપે અને પરિવારને આ કઠિન સમયમાં આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. સમગ્ર પરિવાર પર આવેલું આ દુઃખ અત્યંત કરુણ છે અને અમે સૌ તેમની સાથે આ દુઃખની ઘડીમાં સહભાગી છીએ.