મુખ્ય સામગ્રી પર જાઓ

દ્વારકામાં કોંગ્રેસને મોટો ઝટકો: જીવાભાઈ આંબલીયા સહિતના ત્રણ નેતાઓ AAPમાં જોડાયા

જામ ખંભાળિયા ખાતે યોજાયેલી 'સંગઠન સંકલ્પ અભિયાન' બેઠકમાં કોંગ્રેસના મહત્વના આગેવાનોએ પક્ષપલટો કરીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. આ જોડાણથી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં જિલ્લામાં AAPનું સંગઠન વધુ મજબૂત બન્યું છે.

દ્વારકામાં કોંગ્રેસને મોટો ઝટકો: જીવાભાઈ આંબલીયા સહિતના ત્રણ નેતાઓ AAPમાં જોડાયા

અમદાવાદ / દ્વારકા / ગુજરાત : દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયામાં "સંગઠન સંકલ્પ અભિયાન" અંતર્ગત આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ સંગઠન બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા, ગુજરાત સહપ્રભારી ગૌરવ શર્મા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી પુષ્પેન્દ્ર ભારદ્વાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમાર સહિત જિલ્લાના અને વિધાનસભાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી આગેવાનો જીવાભાઈ આંબલીયા (પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, પૂર્વ તાલુકા પ્રમુખ કોંગ્રેસ અને આહીર સમાજના આગેવાન), પરબતભાઈ હડિયલ (પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય કોંગ્રેસ તથા સતવારા સમાજના આગેવાન) અને ભરતભાઈ નકુમ (મોવાણ તાલુકા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર તથા સતવારા સમાજના યુવા આગેવાન)એ કોંગ્રેસનો ત્યાગ કરીને વિધિવત્ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. ઈસુદાન ગઢવીએ તમામ નવા આગેવાનોને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. બેઠકને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંગઠનને વધુ મજબૂત બનાવી જનતાના પ્રશ્નો માટે વધુ અસરકારક રીતે લડત આપવામાં આવશે. જિલ્લા પ્રમુખ રામજીભાઈ પરમારે કાર્યકર્તાઓને બૂથ લેવલ સુધી સંગઠનને સશક્ત બનાવવા અને પાર્ટીની નીતિઓ તથા વિચારોને ઘર-ઘર સુધી પહોંચાડવા આહ્વાન કર્યું હતું. બેઠક દરમિયાન વર્ષ 2027ની ચૂંટણીની રણનીતિ, સંગઠનના વિસ્તરણ અને સ્થાનિક જનપ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેંકડો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતની જનતાની નજર તમારા પર છે અને આપણું સંગઠન વધુ મજબૂત બનીને ઊભું રહેશે. આજે પ્રશ્ન આપણા પરિવાર અને સમાજના ભવિષ્યનો છે. જીવાભાઈ મને ઘણા સમયથી કહેતા હતા કે આપણને એક અફસોસ રહી ગયો છે, પણ હવે એ અફસોસ રાખવાનો સમય નથી. આપણે તમામ ભાઈઓએ સાથે મળીને ચાલવાનું છે. અત્યારની પરિસ્થિતિ જોતાં આપણો સમય ખૂબ કટોકટીભર્યો છે. આજે મને કોઈ હોદ્દા કે સરપંચ પદનો મોહ કે રોષ નથી, પણ જો આપણે આપણા હક માટે અવાજ નહીં ઉઠાવીએ તો અન્યાય સામે લડવું મુશ્કેલ થઈ જશે. તમે વિચાર કરો, આ શાસનને ત્રીસ-ત્રીસ વર્ષ થઈ ગયા, છતાં વિકાસના નામે માત્ર વાતો જ થઈ છે. આ ત્રીસ વર્ષમાં ગુજરાતમાં સરકારી શાળાઓ સુધારવાને બદલે પાંચ હજાર જેટલી સરકારી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. મારી કોઈ અંગત તમન્ના નથી, ભગવાન સાક્ષી છે કે મેં આજ સુધી ક્યારેય મારા પર્સનલ કામ માટે સરકારમાં કોઈ ભલામણ કે રજૂઆત નથી કરી. જ્યારે પણ સામાન્ય જનતા પર મુશ્કેલી આવે ત્યારે અવાજ ઉઠાવવો એ મારી ફરજ છે. મારી એક જ નબળાઈ છે કે હું ગરીબો, મજૂરો, શ્રમિકો, આદિવાસી, દલિત અને ઓબીસી (OBC) સમાજની પીડા જોઈ શકતો નથી. મેં જોયું છે કે આપણા આટલા મોટા સમાજ સાથે સતત અન્યાય થઈ રહ્યો છે, અને જો આપણે હજી પણ અવાજ ઊંચો નહીં કરીએ તો ગ્રામીણ વિસ્તારોની હાલત વધુ ખરાબ થશે. તમે જ વિચાર કરો, સરકારી શાળાઓ બંધ કરીને શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને સરકારી શાળા છોડીને મોંઘી પ્રાઇવેટ શાળાઓમાં જવું પડે છે, કારણ કે સરકારી શાળાઓમાં નબળું શિક્ષણ અને સુવિધાઓનો અભાવ ઊભો કરવામાં આવ્યો છે. ગરીબ બાળકોના ભવિષ્ય અને શિક્ષણ સાથે થતી આ રમત એ એક પ્રકારની હત્યા સમાન છે, જેની સામે આપણે મજબૂતાઈથી લડવું જ પડશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ઈસુદાન ગઢવી સરકારી શાળાઓ ગુજરાત શિક્ષણ નીતિ ગુજરાત રાજકારણ AAP Gujarat political developments 2027 Gujarat assembly election strategy Congress leaders join AAP Gujarat Isudan Gadhvi Devbhumi Dwarka visit કોંગ્રેસ પક્ષપલટો દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયા સંગઠન સંકલ્પ અભિયાન ૨૦૨૭ વિધાનસભા ચૂંટણી

સંબંધિત સમાચાર