મુખ્ય સામગ્રી પર જાઓ

ટ્રેક્ટર રેલી મુદ્દે AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન

ટ્રેક્ટર રેલી મુદ્દે ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન. ખેડૂતોના આંદોલનને રાજકીય રંગ ન લાગે તે માટે લીધો નિર્ણય. વિગતો વાંચો.

ટ્રેક્ટર રેલી મુદ્દે AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન

અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ફેસબૂક લાઇવના માધ્યમથી એક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં ભાજપના દબાણથી કંપનીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસનો દુરુપયોગ કરીને  વીજલાઈનો નાખવામાં આવી રહી છે. જે મુદ્દે અમે જેતપર ગામે ગયા હતા અને ત્યાં ખેડૂતોની માંગ હતી કે અમે ટ્રેક્ટર રેલીમાં જોડાઈએ અને અમે પણ કહ્યું કે ખેડૂતનો મુદ્દો અને ખેડૂતનું કામ હોય તો અમે પણ જોડાઈશું અને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાઓ પણ જોડાશે. પણ જ્યારે ખેડૂતના નામે અમુક લોકો અને અમુક પોલિટિકલ પાર્ટીઓ પોતે કોઈના ઈશારે રાજકારણ કરે અને નિવેદનો કરે ત્યારે દુઃખ થાય છે. તો આજે હું આ રેલીમાં નથી જોડાઈ શકતો એનું મને દુઃખ છે અને હું માફી ચાહું છું પરંતુ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ખેડૂતો આ ટ્રેક્ટર રેલીમાં ચોક્કસ જોડાશે. ખેડૂતોના મુદ્દે દરેક પાર્ટીના દરેક લોકોએ જોડાવું જોઈએ, પરંતુ ખબર નહીં રાહુલ ગાંધીને શું પીડા થઇ અથવા તો અમુક લોકોની ભાજપના નેતાઓ સાથે સાંઠગાંઠ હશે એ લોકો નહોતા ઇચ્છતા કે ગોપાલ ઇટાલીયા અને ઈસુદાન ગઢવી આ ટ્રેક્ટર રેલીમાં જોડાય. આ લડાઈને અમારું સમર્થન છે પરંતુ મુદ્દો ભટકાય નહીં એટલા માટે હું આ રેલીમાં જોડાવાનો નથી અને હું આ બદલ 54 લાખ ખેડૂત પરિવારોને માફી માગું છું.

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હું ખાતરી આપું છું કે ખેડૂતોના મુદ્દાને અમે અટકવા નહીં દઈએ. ખેડૂતોના મુદ્દાઓ આવતીકાલથી મજબૂતીથી ઉઠાવવાની જવાબદારી અમારી રહેશે. ગોપાલ ઇટાલીયાએ પણ વિધાનસભામાં પોતાનું બિલ રજૂ કરીને વળતર વધારવા માટે માંગ કરી હતી. પોલીસ ભાડે મળે છે એ વાત પણ ગોપાલ ઇટાલીયા જ વિધાનસભામાં સવાલ પૂછીને જનતા સમક્ષ લાવ્યા હતા. ખેડૂતોએ નિરાશ થવાની જરૂર નથી એ વાતનું આશ્વાસન આપવા માટે હું આ facebook લાઈવ કરી રહ્યો છું. અમને ચૂંટણીઓમાં સાથ સહકાર મળ્યો હોય કે ન મળ્યો હોય છતાં પણ અમે એક પણ મુદ્દા પર મૌન રહ્યા નથી. અમારાથી ખેડૂતોની પીડા નથી જોવાતી એટલા માટે દરેક મુદ્દા પર અમે અવાજ ઉઠાવીએ છીએ. જેતપર મુદ્દે પણ હું ખુલાસો કરવા માગું છું કે મેં અમારા ખેડૂત આગેવાન પંકજભાઈ રાણાસરીયાને કહ્યું હતું કે જો ખેડૂતો કહે કે પોલિટિકલ આગેવાનોને બોલાવો તો જ અમે આવી શકીએ છીએ, કારણ કે ખેડૂતોનું કામ થવું જોઇએ, મુદ્દો ના ભટકવો જોઈએ. મારો સવાલ છે કે ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ક્યાં પહોંચ્યા છે? આજે ખેડૂતોને કોંગ્રેસ પર ખૂબ જ રોષ છે ખેડૂતો કહી રહ્યા છે કે તમે કોણ છો ના કહેવાવાળા?

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મને વારંવાર ખેડૂતોના ફોન આવી રહ્યા છે જે મને આ રેલીમાં જોડાવા માટે કહી રહ્યા છે પરંતુ હું એ તમામને કહેવા માગું છું કે આ એક જ દિવસ નથી, હું રાજનીતિમાં ન હતો ત્યારે પણ લડતો હતો, અત્યારે પણ લડું છું અને ક્યારેક જો રાજનીતિ છોડી દઈશ તો પણ ખેડૂતો માટે લડતો રહીશ. કોંગ્રેસ તો 30 વર્ષથી વિધાનસભામાં છે તો ત્યારે ક્યાં હતા? ત્યારે ખેડૂતોના મુદ્દા ઉઠાવવા હતા નહીં. રાજ્યસભામાં તમારા સાંસદો હતા તો શું એ લોકોએ ક્યારેય પણ વીજ થાંભલ મુદ્દે કોઈ અવાજ ઉઠાવ્યો?  કે પછી કાનૂન બનાવવા માટે વાત કરી? તો એ લોકોને એટલું જ કહીશ કે મિલીભગત કરીને ખેડૂતોનું આંદોલન તોડવાનું બંધ કરો. આ ખેડૂતોની રેલી છે કોઈ પાર્ટીની રેલી નહીં. કોંગ્રેસે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે ઈશુદાન ગઢવી કે ગોપાલ ઇટાલીયા આવીને રેલીને હાઇજેક કરી લેશે, અમારે કોઈ આંદોલન હાઈજેક કરવાની જરૂરત નથી. કડદા પ્રથાને બંધ કરવામાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ મહેનત કરી છે, જેલમાં પણ આમ આદમી પાર્ટીના નેતાઓ ગયા છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે અવાજ ઉઠાવવો અને તેને મજબૂત બનાવવાનું કામ કોઈ એક પાર્ટીનું નથી. અમે હંમેશા ગ્રાઉન્ડ લેવલ પર જઈને લોકો વચ્ચે રહીને કામ કરીએ છીએ. લોકો અમને પ્રેમ આપે છે, પરંતુ જ્યારે ખેડૂતો કે કોઈ પણ આંદોલન થાય ત્યારે તેને માત્ર રાજકીય દૃષ્ટિકોણથી જોવું યોગ્ય નથી. કેટલાક મોટા નેતાઓ પોતાના સ્વાર્થ માટે આવી વાતો કરે છે, પરંતુ તેમને ગુજરાતના ખેડૂતો પ્રત્યે ખરેખર પ્રેમ નથી. આપણે સૌ ખેડૂતના દીકરા છીએ અને ખેડૂતોનું હિત જ સૌપ્રથમ હોવું જોઈએ. ભૂતકાળમાં જે આંદોલનો થયા હતા તેમાં પણ કેટલાક લોકો સત્તાથી દૂર રહ્યા છે, કારણ કે તેમની નીતિ અને નિષ્ઠા પર પ્રશ્નો હતા. તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મિલીભગતના ઘણા ઉદાહરણો જોવા મળે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી લઈને ઉમેદવારોની પસંદગી સુધી ઘણા મુદ્દાઓ પર પ્રશ્નો ઊભા થાય છે. ટીવી ડિબેટમાં પણ ઘણી વખત આમ આદમી પાર્ટીને યોગ્ય સ્થાન આપવામાં આવતું નથી, જે પોતે જ અનેક પ્રશ્નો ઉભા કરે છે. જ્યારે અન્ય રાજકીય પક્ષો પર કાર્યવાહી થતી નથી ત્યારે કેટલાક નેતાઓ પર જ કડક પગલાં લેવાય છે, જે સમાનતા પર પ્રશ્ન ચિહ્ન ઊભું કરે છે. આમ છતાં, અમારી પાર્ટી હંમેશા લોકોના મુદ્દાઓ ઉઠાવતી રહેશે અને જરૂર પડે ત્યારે વિધાનસભામાં પણ અવાજ ઉઠાવશે. ન્યાય માટેનો સંઘર્ષ આગળ પણ ચાલુ રહેશે અને લોકોના હિત માટે અમે સતત મેદાનમાં રહેશું.

ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે તેમના માટે સૌથી મહત્વનો મુદ્દો ખેડૂતોનો છે અને એ મુદ્દાને કોઈપણ રીતે ભટકાવવો નહીં જોઈએ. તેમણે કહ્યું કે રાજકીય ચર્ચાઓ અને સભાઓમાં મુખ્ય ધ્યાન ખેડૂતોના પ્રશ્નો પર જ હોવું જોઈએ. તેમના મુજબ ગઠબંધન તોડવાનો આરોપ ખોટો છે, કારણ કે વાસ્તવમાં આ પ્રકારની પરિસ્થિતિઓમાં નિર્ણયો અલગ-અલગ રાજકીય પરિસ્થિતિઓ મુજબ લેવાયા છે. તેમણે ખેડૂતોને અપીલ કરી કે રાજકારણના વિવાદોમાં ન પડતા પોતાના હિત અને મુદ્દાઓને જ પ્રાથમિકતા આપવી જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે જે લોકો ખેડૂતોના મુદ્દા ઉઠાવે છે, તેમનો વિરોધ કરવાની જરૂર નથી, ભલે તેઓ અલગ રાજકીય વિચારધારાથી આવે. તેમણે કહ્યું કે કેટલીક રાજકીય પરિસ્થિતિઓ અને ગેરસમજો વચ્ચે પણ તેમની પાર્ટી ખેડૂતોના હિત માટે સતત લડત ચાલુ રાખશે. ઈસુદાન ગઢવીએ કાર્યકર્તાઓને પણ જણાવ્યું કે તેઓ લોકો વચ્ચે જઈને મુદ્દાઓને મજબૂત રીતે ઉઠાવે. ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ હતુ કે મેં આ બાબતે પહેલા જ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેમાં જણાવ્યુ છે કે સ્થાનિક સ્તરે કલેક્ટર સ્તરની બેઠકોથી લઈને ઉચ્ચ સ્તરની રાજ્ય સમિતિ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવે. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના અધિકારીઓ, કંપનીના પ્રતિનિધિઓ, ખેડૂતોના પ્રતિનિધિઓ અને નિવૃત્ત ન્યાયાધીશો સામેલ હોવા જોઈએ, જેથી દરેક પક્ષની હાજરીથી ન્યાયસંગત નિર્ણય લઈ શકાય. આ પ્રસ્તાવ મુજબ વીજળીના દર, જમીનના ભાવ અને જમીન ઉપયોગ બદલાવ જેવા મુદ્દાઓ પર પારદર્શક રીતે નિર્ણય થવો જોઈએ. સૂચન કરવામાં આવ્યું કે ખેડૂતોને કંપનીના નફામાં પણ હિસ્સો મળવો જોઈએ, જેથી લાંબા ગાળે તેમની આવક પણ વધે. હાલમાં મોટાભાગનો લાભ કંપનીઓ, કોન્ટ્રાક્ટરો અને કેટલાક મધ્યસ્થ લોકો સુધી પહોંચે છે, જ્યારે ખેડૂતોને પૂરતો હિસ્સો મળતો નથી. તેથી એવી વ્યવસ્થા બનાવવાની માંગ કરવામાં આવી કે જેમાં નફાના નક્કી ટકા સીધો ખેડૂતોને મળે અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને નિયમિત રીતે દર મહિને કે નક્કી સમયગાળે સમીક્ષા હેઠળ રહે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટી ગુજરાત ઈસુદાન ગઢવી નિવેદન ખેડૂત હિત રક્ષણ ખેડૂત આંદોલન ગુજરાત જમીન સંપાદન વળતર વીજ ટ્રાન્સમિશન લાઇન વિવાદ ખેડૂત ટ્રેક્ટર રેલી ભાજપ-કોંગ્રેસ

સંબંધિત સમાચાર