મુખ્ય સામગ્રી પર જાઓ
trendy

ખેડૂતોના પ્રશ્નો પર AAPનું પગલું! ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી

AAPના ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને ખેડૂતોની 11 માંગોની રજૂઆત કરી. બજેટ સુધી નિરાકરણ નહીં તો આંદોલન – 80 હજાર હસ્તાક્ષર, 20 લાખનું ટાર્ગેટ.  

ખેડૂતોના પ્રશ્નો પર AAPનું પગલું! ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી

અમદાવાદ/ગાંધીનગર : ખેડૂતોની 11 માંગણીઓને મુદ્દે ગઇ કાલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની સાથે સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા, નેશનલ જોઇન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઇ, મધ્યઝોન કાર્યકારી અધ્યક્ષ ડો.જ્વેલ વસરા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો.કરન બારોટ સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાત સકારાત્મક રહી. આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. 

AAP  પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મુલાકાત વિશે વાત કરતા જણાવ્યું હતું કે ખેડૂતોનાં મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી છેલ્લા બે મહિનાથી વિવિધ જગ્યાએ આંદોલન ચલાવી રહી છે. હડદડમાં ખેડૂતો પર થયેલા અત્યાચાર, મોડાસામાં પશુપાલકોની હત્યા, કે પછી ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવેલ હાઇટેન્શન લાઇન જેવા તમામ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં આઠથી નવ કિસાન મહાપંચાયત યોજવામાં આવી હતી. સુદામડામાં મેં જાહેર કર્યું હતું કે ખેડૂતોના 10 મુદ્દા લઈને આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીને રજૂઆત કરવા જશે. રાજ્યમાં 8000 જેટલા ગામડાઓમાં કિસાન મહાપંચાયત કરી અને લગભગ 80 હજાર જેટલા ખેડૂતોનું સમર્થન પત્ર મેળવ્યું. આ દસ મુદ્દા બાદ હાઈટેન્શન લાઈનનો મુદ્દો ઉમેરવામાં આવ્યો  કારણ કે આખા ગુજરાતમાં ખેડૂતોના ખેતરમાંથી હાઇટેન્શન લાઈનો નાખી ખેડૂતોને યોગ્ય વળતર પણ આપવામાં આપતું નથી. પોલીસ અને સરકાર ઉદ્યોગપતિની દલાલી કરતી હોય તેવી સ્થિતિમાં જોવા મળે છે ત્યારે ગઇ કાલે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

વધુમાં AAP નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ તમામ પ્રશ્નનો ઉકેલ આવી શકે તેમ છે. હેક્ટરે 50,000 રૂપિયા આપી શકાય, દિવસે 12 કલાક વીજળી આપી શકાય તેમ છે. મુખ્યમંત્રીએ અમને સાંભળ્યાએ ખાતરી આપી છે કે આ પ્રશ્નોનું નિરાકરણ લાવશે. મુખ્યમંત્રીએ અમને સાંભળ્યા તે બદલ ગુજરાતનાં ખેડૂતો વતી હું મુખ્યમંત્રીનો આભાર માનું છું. પરંતુ બજેટ સત્ર સુધીમાં આ 11 મુદ્દાનો ઉકેલ નહીં આવે તો આમ આદમી પાર્ટી સડકથી લઇને સદન સુધી આંદોલન કરશે. આજે ખેડૂતોના સાઈન કેમ્પમાં 80,000 છે. આવનાર સમયમાં 20 લાખ ખેડૂતોનું સાઇન કેમ્પેઇન કરવામાં આવશે. વિધાનસભામાં પણ અમારા ધારાસભ્ય મજબૂતાઈથી આ મુદ્દાઓ ઉઠાવશે. અમે વિપક્ષ તરીકે ખેડૂતોનાં મુદ્દાને એક પ્લેટફોર્મ સુધી પહોંચાડ્યા છે. જો નિરાકરણ નહીં આવે તો મજબૂરીથી ખેડૂતો, ખેતમજૂરો અને ભાગીયાઓ માટે અમારે લડવું પડશે આ વાત નક્કી છે.

fashion

સંબંધિત સમાચાર

travel