અમદાવાદ / રાજકોટ / ગુજરાત : રાજકોટમાં કોળી સમાજના યુવાન પર થયેલા અત્યાચાર બાબતે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ અને જાણીતા ખેડૂત નેતા પ્રવિણ રામ કોળી સમાજના સમર્થનમાં આવ્યા છે. તેમણે એક વીડિયોના માધ્યમથી આ મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં રાજકોટમાં કોળી સમાજના યુવાન પર એક આઇપીએસ અધિકારીએ બર્બરતાપૂર્વક અત્યાચાર કર્યો હોય એવી ઘટના સામે આવી છે. આ પીડિત યુવાનના કહેવા મુજબ એ યુવાનને તપાસના નામે બોલાવીને તેને નિર્વસ્ત્ર કરીને ઊંધો લટકાવીને તેના પર અત્યાચાર કરવામાં આવ્યો. ત્રણથી ચાર કલાક સુધી આ કોળી સમાજના યુવક પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. તેની સાથે એ રીતનો પણ અત્યાચાર કરવામાં આવ્યો જેના ઉપર આપણે જાહેરમાં ચર્ચા પણ ન કરી શકીએ.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, આ ઘટનામાં તાત્કાલિક તપાસ કરીને જે જવાબદાર અધિકારી હોય તેમના પર ફોજદારીનો ગુનો લાગુ કરવામાં આવે અને એમને જેલના સળિયાની પાછળ ધકેલી દેવા જોઈએ. હાલ ભાજપના શાસનમાં અધિકારીઓ બેફામ બન્યા છે અને અમુક અધિકારીઓ પોતાની જાગીર સમજીને બેસી ગયા છે. હડદડમાં પણ ખેડૂતોની અટક કરવામાં આવી હતી, એમાં પણ એક કોળી સમાજના યુવકને લાકડાની પાઇપ દ્વારા 150થી 200 વાર મારવામાં આવ્યો હતો અને રાજકોટમાં પણ હાલ કોળી સમાજના યુવક પર અત્યાચાર કરવામાં આવ્યો છે. તો અમારી માંગ છે કે આ જવાબદાર અધિકારીને તાત્કાલિક જેલના સળિયા પાછળ મોકલીને કોળી સમાજના યુવકને ન્યાય અપાવવામાં આવે.
આમ આદમી પાર્ટી ગુજરાત


