અમદાવાદ / સુરત / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડી હતી અને ગુજરાતની જનતાએ પાર્ટીને આશરે 14 ટકા મત આપીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો અપાવવાનું કામ કર્યું હતું. ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટીએ આશરે પાંચ હજાર જેટલા ઉમેદવારો ઉભા રાખી મજબૂતાઈથી ચૂંટણી લડી હતી. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભામાં જનહિતના પ્રશ્નો ઉઠાવી, વિપક્ષમાં હોવા છતાં લોકોની સમસ્યાઓના ઉકેલ માટે સતત સંઘર્ષ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ગુજરાતની જનતાએ પાર્ટીને સારો પ્રેમ અને પ્રતિસાદ આપ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાતની જનતા ભાજપના ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી હવે થાકી ગઈ છે અને બદલાવ ઈચ્છી રહી છે.
AAP પ્રવક્તા યોગેશ જાદવાણીએ વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા અને ચૂંટણીની રણનીતિ તૈયાર કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 17/05/2026ના રોજ અમદાવાદ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને ગુજરાત પ્રભારી ગોપાલ રાય, સહપ્રભારી દુર્ગેશ પાઠક, દિનેશ મોહનિયા સહિતના તમામ 5 સહપ્રભારીઓ ઉપસ્થિત રહેશે. ઉપરાંત ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલભાઇ ઇટાલીયા, ધારાસભ્ય ચૈતરભાઇ વસાવા, ધારાસભ્ય હેમંતભાઇ ખવા અને રાજુભાઈ સોલંકી, પ્રવીણભાઈ રામ સહિત પ્રદેશના અગ્રણીઓ, ફ્રન્ટલ સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહેશે. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પર મજબૂતાઈથી ચૂંટણી લડી સરકાર બનાવવાના નિર્ધાર સાથે આગળ વધી રહી છે અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે જન જન સુધી પહોંચવાની દિશામાં કાર્ય કરી રહી છે. ત્યારે ગુજરાતમાં AAP 2027ની વિધાનસભાની ચૂંટણી પૂરી તાકાત અને મજબૂતાઈથી લડી શકે,તેમજ સરકાર બનાવાના ઉદ્દેશ સાથે મક્કમતાથી લડવા બાબતે, સંગઠન બનાવવા તેમજ રણનીતિની ચર્ચા મુદ્દે બેઠક યોજશે.
આમ આદમી પાર્ટી ગુજરાત