મુખ્ય સામગ્રી પર જાઓ

ઐતિહાસિક કદવાર વરાહ મંદિર: 1800 વર્ષ જૂના વારસા અને આસ્થાનું પ્રતિક

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે જેઠ વદ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર 'શ્રી વરાહ'નો ભવ્ય મેળો યોજાવા જઈ રહ્યો છે. આ વર્ષે આ મેળો ૧૦ જુલાઈ ૨૦૨૬, શુક્રવારના રોજ ઉજવવામાં આવશે.

ઐતિહાસિક કદવાર વરાહ મંદિર: 1800 વર્ષ જૂના વારસા અને આસ્થાનું પ્રતિક

ગુજરાતનું એકમાત્ર વરાહમંદિર ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કદવાર ગામ ખાતે આવેલું છે. જ્યાં જેઠ વદ અગિયારસે યોજાતો મેળો વરાહ ભગવાનનો મેળો તરીકે ઓળખાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૧૦ જુલાઇ ૨૦૨૬ને શુક્રવારના રોજ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઈતિહાસકારોના મત મુજબ ૧૮૦૦ વર્ષ પહેલા મૈત્રક વંશમાં નિર્માણ પામેલા વિષ્ણુ અવતાર ભગવાન શ્રી વરાહનું મંદિર પ્રાચીન ભારતીય શિલ્પકળા સ્થાપત્યની ઝાંખી કરાવે છે. આ મંદિરમાં ભગવાન વરાહની પ્રતિમા, પ્રાચીન કોતરણીવાળા થાંભલા સાથે અનેક શિલ્પ-સ્થાપત્યની સુંદર કોતરણી જોવા મળે છે.

કદવાર ગામના દરિયા કિનારે આવેલા આ મંદિરનું કુદરતી સૌંદર્ય અલૌકિક લાગે છે. અહીં દર વર્ષે જેઠ વદ અગિયારસના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. જેની આસપાસના ગ્રામજનો તેમજ યાત્રાળુઓ પણ મુલાકાત લે છે.

મંદિરના પૂજારી શ્રી દલસુખગીરી હરીગીરી મેઘનાથીએ મેળા વિશેની વધુ વિગતો જણાવતા કહ્યું હતું કે, અમારા બારોટના ચોપડે અમે ૨૯ મી પેઢી છીએ કે, જે મંદિરની પૂજા-અર્ચના કરતા આવીએ છીએ. પરંપરાગત રીતે વર્ષોથી અહીં અગિયારસના દિવસે જ મેળો યોજાય છે. આથી તેમને “વરાહ અગિયારસ” પણ કહેવામાં આવે છે.

પરંપરાગત ઉજવણી વિશે જણાવતા તેમણે ઉમેર્યું કે, મંદિરની બાજુમાં જે કુંડ આવેલો છે. તે વરાહ કુંડ તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા જ્યારે મેળો થતો ત્યારે લોકો દરિયામાં સ્નાન કરી ફરી કુંડમાં સ્નાન કરતાં અને મંદિરે દર્શન કરી ભજન-કીર્તન કરી અગિયારસની ઉજવણી કરતા હતા. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમય જતાં મેળાનું મહત્વ વધતું ગયું અને હવે આસપાસના ગામોની સાથે દૂર દૂરથી લોકો દર્શન કરવા અને મેળો માણવા આવે છે. ગ્રામજનો ઉપરાંત ખેડૂતોને ખાસ વરાહ ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોવાથી તેઓ ખેતરમાં ઉભેલા પાકમાં સુવર (ડુક્કર) રંઝાડ (નુકસાન) ન કરે તે માટે માનતા રાખે છે. પાક તૈયાર થયા બાદ ખેડૂતો દ્વારા પ્રથમ ખેત ઉત્પાદન અહીં ધરવામાં આવે છે. 

આ મેળાનું આયોજન સમસ્ત કદવાર ગામના લોકો દ્વારા કરવામાં આવે છે. જેની તૈયારીઓ અત્યારથી શરૂ કરવામાં આવી છે. દર વર્ષે મેળાનું સફળ આયોજન થાય છે એ ગામ લોકોની મંદિર પ્રત્યે નિષ્ઠા અને હળમળીને રહેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ મેળામાં ખાસ ‘ટપ્પા’ પણ રમવામાં આવે છે. ભક્તોને પ્રસાદી માટે શુદ્ધ ઘીના ડબ્બા તૈયાર રાખવામાં આવ્યાં છે. જેનો શીરો ભક્તોને પ્રસાદીરુપે આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, વરાહ અવતાર એ ભગવાન વિષ્ણુનો ત્રીજો મુખ્ય અવતાર માનવામાં આવે છે, જેમાં તેમણે વરાહનું (માનવ શરીર અને મુખ સુવરનું) રૂપ ધારણ કર્યું હતું. આ અવતાર સૃષ્ટિના રક્ષણ અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક છે. 

 

વરાહ મંદિરની રચના અને શિલ્પસ્થાપત્ય

જૂનાગઢ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રોફેસર અને ઇતિહાસકાર પ્રો. ડૉ. વિશાલ જોષી અને પ્રો. ડૉ.રમેશ ચૌહાણ દ્વારા લિખિત પુસ્તકમાં નોંધ છે કે, પ્રભાસ પાટણથી ૭ માઇલ પૂર્વમાં કદવાર ગામે ખાતે ભાગવતધર્મનું મૈત્રકકાલીન મંદિર છે. આ મંદિરને વરાહ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર ઉંચી પીઠિકા પર આવેલું છે. લંબચોરસ ગર્ભગૃહની આગળ સમચોરસ મંડપની રચના છે. ગર્ભગૃહની ફરતો પ્રદક્ષિણાપથ અને મંડપના આગળના ભાગે પગથિયાંની બંને બાજુ એક એક શૃંગારચોકી છે. શૃંગારચોકીઓના સ્તંભો નાના કદના છે. તેની કિકાવટીમાં ઘટ પલ્લવનું સુશોભન કંડારેલું છે. જેને લઇને આ મંદિર વધુ કલાત્મક લાગે છે. મુખ્ય પ્રવેશની બંને બાજુએ દીવાલને અડીને સ્તંભો આવેલા છે. જેની ટોચ ઉપર કીર્તિમુખના અંલકારો નજરે પડે છે.  

મંડપની છત મધ્યના ચાર સ્તંભો પર ટેકવી છે. પાછળથી તેમાં એક એક સ્તંભ ઉમેરેલો છે. મંડપની બંને બાજુની દીવાલોમાં મંદિર ઘાટના એક એક કોતરણીયુક્ત ગવાક્ષો આવેલા છે. જેમાં સૂર્ય, બ્રહ્યા, વિષ્ણુ, શિવ અને ચંદ્રના શિલ્પો નજરે પડે છે. ગર્ભગૃહની બારસાખમાં ફુલવેલની ભાત તથા હીરાઘાટના સુશોભનની મધ્યમાં વિષ્ણુની પ્રતિમા છે. તેનાથી થોડે ઊંચે ગણેશનું શિલ્પ છે. તેમાં નીચેના છેડે ગંગા તથા યમુનાની આકૃતિઓ કંડારેલ છે. 

કદવારના મંદિરમાં વિષ્ણુના વરાહ અવતારની મોટી પ્રતિમા ગર્ભગૃહમાં આવેલી છે. એમાં મુખ વરાહનું છે. બાકીનો દેહ માનવનો છે. દ્વિભુજ પ્રતિમાનો જમણો હાથ કય્યાવલંબિત અને ડાબો હાથ જાનુ પર ટેકવેલ છે. ડાબા ખભા પર વરાહ મુખ તરફ દ્રષ્ટિ રાખીને ભુમિદેવી લલિતાસનમાં બેઠેલા છે. જેનો એક હાથ વરાહ મુખને સ્પર્શતો અને બીજો હાથ જાનુ પર ટેકવેલ છે. દેવીના કંઠમાં માણકાયુક્ત હાર છે. વરાહના મસ્તકે ખભા સુધી પ્રસરેલા કેશકલાપને અલંકૃત પટ્ટિકાથી સજાવેલ છે. કંઠમાં મણકાયુક્ત માળા છે. બાજુબંધ, કટકવલય અને કટિબંધથી અધોવસ્ત્રને બાંધેલ છે. જેનો છેડો યુ આકારે લટકતો રાખેલ છે. વરાહે ડાબો પગ શેષનાગ પર ટેકવેલ છે. વરાહની પ્રતિમાના બંને બાજુના ઉભા પાટમાં નવ અવતારોના શિલ્પો કોતરેલા છે. જેમાં નીચેથી જમણી બાજુ મત્સ્ય, વામન, પરશુરામ, બુદ્વ, બલરામ, રામ, નૃસિંહ અને કૂર્મની એક છેક ટોચના ભાગે કલ્કિ અવતારની આકૃતિ કંડારેલી છે. 

Tags: ગીર સોમનાથ કદવાર ગામ ત્રીજા અવતાર કદવાર વરાહ મંદિર સુત્રાપાડા તાલુકા ભગવાન વિષ્ણુ

સંબંધિત સમાચાર