અમદાવાદ : આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે, અમદાવાદીઓ, ચોમાસાની શરૂઆત થોડા દિવસોમાં થશે. આપણે સૌએ જાગવાનો સમય આવી ગયો છે. કોર્પોરેશને તો પ્રીમોન્સૂનની કામગીરી પૂર્ણ કરી દીધી. હું અત્યારે મકરબા અન્ડરપાસ પાસે ઊભો છું. આજના સમાચારપત્રમાં એક લેખ વાંચ્યો. અમદાવાદમાં વિકાસની બલિહારી જુઓ સ્પષ્ટપણે એવું લખી દેવામાં આવ્યું કે પાણી ભરાશે, તમને કંઈ પણ થાય તો કોર્પોરેશનની કોઈ જવાબદારી નહીં. મને એ સમજાવો કે કોર્પોરેશન શેની જવાબદારી લેશે? કોઈ ઝાડ પડી જાય, કોઈ થાંભલા તૂટી જાય, ખાડામાં માણસો પડે, ભૂવામાં લોકો બાઈક સાથે ગરકાવ થઈ જાય, કરોડો રૂપિયા ટેક્સના, જીએસટી અને અન્ય ટેક્સના ઉઘરાવો છો આના માટે ? આ વિકાસની બલિહારી છે.
આપ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે મારી અમદાવાદની પ્રબુદ્ધ જનતાને વિનંતી છે કે ચોમાસું આવશે, અન્ડરબ્રિજ ભરાવવાના છે, પાણીનો નિકાલ નહીં જ થાય. ત્યારે આપણે સૌએ ચેતવું પડશે. બાળકો સ્કૂલે ગયા હોય, નોકરીએ ગયા હોય, ઘરેથી નીકળ્યા હોય અને પછી વરસાદ ચાલુ થાય તો રિટર્નમાં ખૂબ તકલીફ પડે ત્યારે ઇન્ટરનલ રસ્તાઓનો ઉપયોગ કરવો અથવા ઘરે રહેવું. કોર્પોરેશનને શરમ આવવી જોઈએ. અમદાવાદ જેવા શહેરની વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે અને શહેરમાં નવા બનેલા અન્ડરપાસમાં તમે પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરી શકતા તો શરમથી ડૂબી મરવુ જોઇએ. ગુજરાતની જનતાને વિનંતી છે કે જાગો, કંઇક તો શિક્ષણને મહત્વ આપવું પડશે. ભણેલા-ઘણેલા લોકો આવશે અને ભણેલા-ઘણેલા લોકોના હાથમાં શાસન જશે તો આવા કરોડો આપતા રૂપિયા નહીં વેડફાય.