અમદાવાદ / સુરત / ગાંધીનગર | આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે લોકોને દીવા પ્રગટાવવાની અપીલ કરી રહી છે અને એવું કહી રહી છે કે મોદીજીએ ૨૫ વર્ષમાં દેશની ખૂબ સેવા કરી છે. પરંતુ ભાજપે સમજવું જોઈએ કે લોકો દીવા પ્રગટાવે કે ન પ્રગટાવે, તમારા શાસનમાં ’દીવા તળે જ અંધારું’ છે. તેમણે નવા બનેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું ઉદાહરણ આપતાં કહ્યું કે, છેલ્લા એક-બે વર્ષથી આ હાઈવે બન્યો છે ત્યારથી જ તેના પર સતત રિપેરિંગ અને ખોદકામનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે આજે પણ લાંબી-લાંબી ટ્રાફિક જામની સમસ્યાઓ થાય છે. અમે જ્યાં કીમ પાસેના વિસ્તારમાં ઊભા છીએ, ત્યાં આ હાઈવે બન્યા પછી એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યાં રિપેરિંગ કામ ન ચાલતું હોય.
’આપ’ નેતા મનોજ સોરઠીયાએ ઉમેર્યું હતું કે, ભાજપ સરકાર દીવા પ્રગટાવવાનું બંધ કરે અને દીવા પાછળ રહેલા અંધારા તરફ ધ્યાન આપે. આજે ગુજરાતની અંદર દરેક જગ્યાએ વ્યાપક ભ્રષ્ટાચાર છે, જે આપણે સૌએ જોયો છે. ભાજપ સરકાર શાળાઓ અને હોસ્પિટલોમાં ભ્રષ્ટાચાર કરી ગઈ છે અને લોકોના ટેક્સના પૈસા બરબાદ કરવાનું કામ કરી રહી છે. એક જ વર્ષમાં બનેલા હાઈવેને ફરીથી આખો રિપેર કરવો પડે કે નવેસરથી બનાવવો પડે, તેમાં પહેલાં પણ કરોડો રૂપિયા વપરાયા અને હવે રિપેરિંગમાં પણ કરોડો રૂપિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. ટૂંકમાં, આ સરકારમાં આજે ચારેય બાજુ 'દીવા તળે અંધારું' જેવી સ્થિતિ સર્જાઈ છે.
આમ આદમી પાર્ટી ગુજરાત