અમદાવાદ / દેવભૂમિ દ્વારકા / ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં ભાણવડ તાલુકાના વેરાડ ગામે ભવ્ય વિજય વિશ્વાસ સભા યોજાઈ હતી. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ઉત્સાહભેર આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું હતું. સભાને સંબોધતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે આ ચૂંટણી માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી નથી, પરંતુ આપણા પૂર્વજોની લડાઈની ચૂંટણી છે, પોતાના અસ્તિત્વને બચાવવાની ચૂંટણી છે અને પોતાના હક અને અધિકાર બચાવવાની ચૂંટણી છે. તેમણે જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીતવા માટે ઉમેદવારોને ધમકી આપવાનો, પ્રેશર કરવાનો અને પૈસાના જોરે ખરીદવાનો પ્રયત્ન કર્યો છે. સ્થાનિક ચૂંટણીમાં 750થી વધુ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી, પરંતુ જનતાના સમર્થનથી આમ આદમી પાર્ટી મજબૂતીથી ચૂંટણી લડી રહી છે.
આપ નેતા ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ આસપાસના ગામડાઓમાં સભાઓ કરી રહ્યા છે અને અહીંના ખરાબ રસ્તાઓ પર સફર કરતાં સમજાય છે કે વર્ષોથી વિકાસના નામે માત્ર વાયદાઓ જ થયા છે. આજે લોકો પાસે સારા રસ્તાઓ નથી, બાળકો માટે સારી શાળાઓ નથી, ખેડૂતોને પૂરતી સુવિધાઓ નથી, છતાં લોકો વર્ષોથી ભાજપને મત આપે છે. તેમણે પંજાબમાં ભગવંત માન સરકાર દ્વારા ખેડૂતોને મફત વીજળી આપવાના નિર્ણયનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરે છે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી ઉગતો સૂરજ છે. આ ચૂંટણી હારીશું કે જીતીશું એથી અમને ફરક પડતો નથી, જો હારી જઈશું તો આવતા વર્ષે ફરી જીતવાની કોશિશ કરીશું, પરંતુ લોકોના હક અને અધિકાર માટેની લડાઈ ક્યારેય બંધ નહીં કરીએ, એમ કહી તેમણે લોકોને કમળ નહીં પરંતુ ઝાડુના નિશાન પર મત આપવા અપીલ કરી હતી.
આમ આદમી પાર્ટી ગુજરાત


