અમદાવાદ / ભૂજ / ગુજરાત : આમ આદમી પાર્ટીના નેતા અને સામાજિક કાર્યકર અંકિતા ગોરે જણાવ્યુ હતુ કે ભુજના વાલ્મિકીનગર પાસે દબાણ હટાવવાની કામગીરી તેઓ માત્ર સ્થાનિકોની રજૂઆત લઈને ત્યાં ગયા હતા. સ્થાનિકોની માંગણી હતી કે દબાણ હટાવવાની કામગીરી રોડની વચ્ચેથી નહીં પરંતુ મુખ્ય રોડ તરફથી શરૂ કરવી જોઈએ. રોડની શરૂઆતમાં IG સાહેબના બંગલા પાસેની સરકારી દીવાલ નજીકનો ખૂણો હતો અને ત્યાંથી દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી લોકોની રજૂઆત હતી. અંકિતા ગોરે જણાવ્યું કે આ મુદ્દે ચાર કલાક સુધી ચર્ચા ચાલતી રહી હતી. તેમણે કહ્યું કે જ્યારે લોકો ડરી જાય છે ત્યારે તેઓ પોલીસ અને તંત્ર પાસે જ ન્યાયની અપેક્ષા રાખે છે, પરંતુ રજૂઆત કરવાના સમયે પોલીસ તંત્ર દ્વારા તેમની સાથે અભદ્ર ભાષામાં વર્તન કરવામાં આવ્યું. PSI બી.ડી શ્રીમાળીએ તેમની સાથે ગાળાગાળી કરી અને જ્યારે તેમણે "ગાળ નહીં બોલો” એવું કહ્યું ત્યારે PSIએ તેમને બે લાફા મારી દીધા.
’આપ’ નેતા અંકિતા ગોરે આ ઘટનાને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ લાફા માત્ર કોઈ રાજકીય પ્રતિનિધિ કે સામાજિક આગેવાનના ચહેરા પર નહીં પરંતુ લોકશાહીના ચહેરા પર મારવામાં આવેલા લાફા છે. તેમણે કહ્યું હતુ કે જે તંત્ર બુટલેગરો, ગુંડાઓ અને માફિયાઓ સામે કાર્યવાહી કરી શકતું નથી તે પ્રજાનો અવાજ ઉઠાવનારાઓને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અંકિતા ગોરે SPને અપીલ કરી કે PSI બી.ડી. શ્રીમાળીને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, નહીં તો આગામી સમયમાં ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે કાનૂન જ કાનૂન હાથમાં લેવાનું કામ કરશે અને જાહેરમાં એક મહિલા રાજકીય નેતાને લાફા મારવામાં આવશે તો સામાન્ય પ્રજા ન્યાય માટે ક્યાં જશે તે મોટો પ્રશ્ન છે.