અમદાવાદ / નર્મદા / ગુજરાત : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે AAP ધારાસભ્ય ચૈતર વસાવા પર આવેલા કોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે કોર્ટ દ્વારા ચૈતર વસાવાને આજે સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. ચૈતર વસાવા ગુજરાતના આદિવાસી સમાજના મોટા નેતા છે અને ખૂબ લોકપ્રિય છે. તેઓ સમયાંતરે આદિવાસી સમાજ માટે સંઘર્ષ કરતા રહ્યા છે અને આદિવાસી સમાજના મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા રહ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. આ પહેલાં પણ ઘણી વખત તેઓ ત્રણ-ત્રણ, ચાર-ચાર મહિના માટે આદિવાસી સમાજના હિત માટે જેલ જઈ ચૂક્યા છે. કહેવાય છે કે જે પૈસા આદિવાસી સમાજ માટે આવે છે, તે પૈસાને આદિવાસીઓ પર ખર્ચ કરવાની જગ્યાએ કેટલાક લોકો દ્વારા તેનો દુરુપયોગ કરવામાં આવે છે. તેના વિરુદ્ધ ચૈતર વસાવાએ અનેક વખત અવાજ ઉઠાવ્યો છે અને આદિવાસીઓનો હક બચાવવાનો પ્રયાસ કર્યો છે. આદિવાસીઓની જમીન છીનવાઈ જવાના મુદ્દે પણ તેમણે અવાજ ઉઠાવ્યો છે. મનરેગામાં પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવીને તેમણે તેના વિરુદ્ધ લડત આપી છે. આદિવાસી સમાજ માટે તેમણે સતત સંઘર્ષ કર્યો છે. કહેવામાં આવે છે કે તેમની વધતી લોકપ્રિયતા અને તેમની કામગીરીને કારણે વિરોધ પક્ષ તેમને કાબૂમાં લઈ શક્યો નહીં. તેથી છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમની સામે ષડયંત્ર રચીને ખોટો કેસ કરવામાં આવ્યો અને આજે તેમને સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું હતુ કે ED પાર્ટીને ખબર હતી કે આ વિસ્તારમાં જ્યાં સુધી ચૈતર વસાવા છે ત્યાં સુધી તેઓ અહીંથી પોતાનો ધારાસભ્ય જીતાડી શકતા નથી. એટલે તેમણે એવું ષડયંત્ર રચ્યું કે તેમને સાત વર્ષની સજા સંભળાવી દેવામાં આવે અને આ રીતે ચૈતર વસાવાને ધારાસભ્ય પદ પરથી હટાવી શકાય. પરંતુ હું આજે ED પાર્ટીને કહેવા માગું છું કે ગુજરાતના લોકોમાં આ મુદ્દે ભારે રોષ છે અને લોકો તેનો જવાબ આપશે. થોડા મહિનાઓ પહેલા ગુજરાતમાં પંચાયતની ચૂંટણી યોજાઇ હતી. નર્મદા જિલ્લા પંચાયત સંપૂર્ણપણે આમ આદમી પાર્ટીએ ભારે બહુમતીથી જીતી હતી. જિલ્લા પરિષદમાં પણ મોટા ભાગના સભ્યો આમ આદમી પાર્ટીના આવ્યા હતા. નર્મદા જિલ્લામાં એક દિવસ નરેન્દ્ર મોદીજીની સભા યોજાઈ હતી, જેમાં લગભગ પાંચ હજાર લોકો આવ્યા હતા. બાજુમાં થોડી દૂર ચૈતર વસાવાની સભા યોજાઈ હતી, જેમાં પચ્ચીસ હજાર લોકો આવ્યા હતા. નરેન્દ્ર મોદીની સભામાં સમગ્ર પ્રશાસન લગાવવામાં આવ્યું હતું, બસો પણ લગાવવામાં આવી હતી, છતાં માત્ર પાંચ હજાર લોકો જ આવ્યા. જ્યારે ચૈતર વસાવાની સભામાં કોઈ બસો કે પ્રશાસન નહોતું, છતાં લોકો પોતે જ ચાલીને પચ્ચીસ હજારની સંખ્યામાં આવ્યા. આથી ચૈતર વસાવાની લોકપ્રિયતાનો અંદાજ આવે છે. તે જ દિવસે મને લાગી ગયું હતું કે ચૈતર વસાવાને સરળતાથી છોડવામાં નહીં આવે. પરંતુ હું ED પાર્ટીને ચેતવણી આપવા માગું છું કે લોકશાહીમાં આવી રીતે દબાણ અને ગુંડાગીરી ચાલતી નથી. અહીં તો લોકોની જ ચાલે છે. ચૈતર વસાવાને જેટલા દબાવવાની કોશિશ કરશો તેટલા વધુ મોટા નેતા તરીકે ઉભરી આવશે. આવનારા સમયમાં જોવા મળશે કે ગુજરાતની જનતા કેવી રીતે આ પ્રકારની રાજનીતિનો જવાબ આપે છે.
આમ આદમી પાર્ટી ગુજરાત