અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો કરન બારોટે પત્રકાર પરિષદને સંબોધિત કરતા જણાવ્યું હતું કે જ્યારે કોઈપણ પરિવારના સભ્યને પોલીસ વિભાગમાં નોકરી મળે છે, ત્યારે એ ખૂબ જ ગૌરવ અને જવાબદારીપૂર્વકનું પદ ગણાય છે. એવી નોકરીથી પરિવારમાં સ્થિરતા આવે છે, નિયમિત પગાર અને ભથ્થાં મળે છે, મેડિકલ સુવિધાઓ અને સરકારી લાભો પ્રાપ્ત થાય છે. પોલીસ વિભાગમાં કામ કરતી વ્યક્તિ ગુજરાત અને દેશની જનતાની સુરક્ષા તથા રક્ષણ કરે છે. પરંતુ આ જ પોલીસ વિભાગમાં એક એવો પણ હિસ્સો છે, જેમના વિશે આજે મારે વાત કરવી છે અને તે છે '૧૧૨ જનરક્ષક પાઇલટ'. ગુજરાતની જનતાને પ્રેસવાર્તાના માધ્યમથી ડૉ. કરણ બારોટે જણાવ્યું કે, આ એ જ પાઇલટો છે જે સમગ્ર ગુજરાતમાં પોલીસની ગાડીઓ ચલાવે છે, જનતાની રક્ષા કરે છે અને વિષમ પરિસ્થિતિમાં સમયસર પહોંચીને લોકોની મદદ કરે છે. આ ૧૧૨ જનરક્ષક પાઇલટો દિવસ-રાત ૨૪ કલાક ગુજરાતની જનતાની સેવામાં કાર્યરત રહે છે. પરંતુ અફસોસની વાત એ છે કે આ પાઇલટોને સરકારી નોકરીના તમામ લાભો નથી મળતા. એમની માંગણી બસ એટલી જ છે કે તેઓ યોગ્ય રીતે પોતાનું જીવનનિર્વાહ કરી શકે તેટલો પગાર મળે અને ટ્રાન્સફર વખતે સમયસર ગાડી મળે. સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે તેમની ભરતી કરવામાં આવે છે, ત્યારે નોકરીની પસંદગી અને મંજૂરીનો ઓર્ડર મળવા વચ્ચે છ થી આઠ મહિનાનો વિલંબ થાય છે. આ સમયગાળા દરમિયાન તેમને બેરોજગાર રહેવું પડે છે અને ઉછીના પૈસા લઈને જીવન જીવવું પડે છે. એક વર્ષ પહેલાં પણ ૧૨૦૦થી વધુ પાઇલટો એવા હતા જેમને પસંદગી પામ્યા પછી પણ આઠ-આઠ મહિના સુધી ઓર્ડર મળ્યો નહોતો. આ મુદ્દો મેં વારંવાર સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. આજે ફરીથી ૧૧૨ જનરક્ષક પાઇલટોના આ પ્રશ્નને મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતા સામે મુકવા આવ્યો છું.
ડૉ.કરન બારોટે વધુમાં જણાવ્યુ હતુ કે આજે હું મીડિયા મિત્રો અને ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું કે ₹૨૦,૦૦૦ જેટલા મર્યાદિત પગારમાં આજના જમાનામાં મહિનાનો ખર્ચ કેવી રીતે કાઢવો અને પરિવારનું ભરણપોષણ કેવી રીતે કરવું? અગાઉ આ ૧૧૨ જનરક્ષક પાઇલટો 12 કલાક સુધી સતત ગુજરાતની જનતા માટે ડ્યૂટી કરતા હતા. ત્યારબાદ નોકરીના કલાકો ૧૨માંથી ઘટાડીને 8 કલાક કરવામાં આવ્યા, એ નિર્ણાયક પગલાનો વાંધો નથી, પરંતુ કલાકો ઘટાડવાની સાથે તેમનો પગાર ₹૨૦,૦૦૦થી ઘટાડીને ₹૧૪,૦૦૦ની આસપાસ કરી દેવામાં આવ્યો! જે લોકો ₹૨૦,૦૦૦માં માંડ જીવન નિર્વાહ કરી શકતા હતા, તેઓ ₹૧૪,૦૦૦માં પરિવાર કેવી રીતે ચલાવશે? એ એક મોટો પ્રશ્ન છે. પોલીસ વિભાગનું નામ પડે એટલે લોકોમાં એક માન-સન્માનની લાગણી હોય છે, પરંતુ આ જ વિભાગમાં રહીને જે પાઇલટો 'જનરક્ષક' બનીને દિવસ-રાત જનતાની સેવા માટે દોડે છે, તેમની રક્ષા માટે આજે કોણ ઊભું છે? પૂર્વ જાણ કર્યા વગર જૂન મહિનાનો પગાર વધારા સાથે પાઇલટોના ખાતામાં જમા થયો, અને જુલાઈના પગારમાં પણ જૂન મહિનાની રકમ સરભર કરવાના નામે કપાત કરવામાં આવી. આ અચાનક થયેલી કાપાકાપીને કારણે આજે આ પાઇલટો ભારે આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. જે પાઇલટો આખા ગુજરાતની રક્ષા કરે છે, તેમના આર્થિક સંકટ સમયે તેમની રક્ષા કોણ કરશે? મારે સરકારને કહેવું છે કે, તમે સરકારી મહોત્સવો કરો છો, મોટા-મોટા બેનર-પોસ્ટર પાછળ કરોડો રૂપિયા વાપરો છો અને સરકારી કાર્યક્રમોમાં મોંઘી વાનગીઓ તથા કાજુ કતરીના નામે હજારો-કરોડોનો ખર્ચ થાય છે. પરંતુ જે Gen-Z અને યુવાનો દેશ સેવા માટે ડાયલ ૧૧૨ સેવાઓમાં રાત-દિવસ કામ કરી રહ્યા છે, તેમની સાથે સંવાદ કરવા માટે સરકાર પાસે સમય કેમ નથી? આ યુવાનોને આર્થિક તકલીફમાંથી બહાર કોણ લાવશે? આ ડાયલ ૧૧૨ જનરક્ષક પાઇલટોની જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે, ત્યારે લાંબા સમય સુધી ગાડી ન મળવાને કારણે તેઓ બેરોજગાર બેસી રહેવા મજબૂર બને છે. તે સિવાય ₹૧૨,૦૦૦ ભરાવીને ટ્રેનિંગ પૂરી કરાવ્યા બાદ પણ તેમને નોકરી પર રાખવામાં વિલંબ કરવામાં આવે છે. આ પાઇલટો પોલીસ વિભાગમાં પાયાના પથ્થર બનીને કામ કરે છે અને ઓવરવોચ (નજર) રાખીને ગુજરાતની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. તેઓ સરકાર પાસે કોઈ દયા કે ઉપકાર નથી માગતા, પણ પોતાનો હક્ક અને ન્યાય માગે છે. આમ આદમી પાર્ટી વતી હું સરકારને વિનંતી કરું છું કે, જે રીતે સરકાર યુવા સંવાદ અને Gen-Z સંવાદના કાર્યક્રમો કરે છે, તેવી જ રીતે આ ૧૧૨ જનરક્ષક પાઇલટો સાથે પણ રૂબરૂ સંવાદ કરીને તેમની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવે. આ યુવાનો અને જનરક્ષક પાઇલટોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી તેમની સાથે મક્કમતાથી ઊભી રહેશે અને જ્યાં પણ જરૂર પડશે ત્યાં લડત આપતી રહેશે.
આમ આદમી પાર્ટી ગુજરાત