મુખ્ય સામગ્રી પર જાઓ

ચૈતર વસાવા કેસ: ભાજપ પર આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે સંભળાવેલી સજા બાદ ગોપાલ ઇટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી. આ ઘટનાને ભાજપ પ્રેરિત ષડયંત્ર ગણાવ્યું.

ચૈતર વસાવા કેસ: ભાજપ પર આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો ગોપાલ ઇટાલીયાનો આક્ષેપ

અમદાવાદ / નર્મદા / જૂનાગઢ / ગાંધીનગર / ગુજરાત : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ચૈતર વસાવા પર આવેલા કોર્ટના ચુકાદા બાદ આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. આ તકે મીડિયા સાથે વાત કરતાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં આદિવાસી સમાજ વિવિધ પ્રકારના અન્યાય અને શોષણનો ભોગ બનતો આવ્યો છે. આદિવાસીઓની જમીનો વિવિધ સરકારી અને ખાનગી પ્રોજેક્ટોના નામે હસ્તગત કરવામાં આવતી રહી છે, આદિવાસી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હકો સાથે અન્યાય થતો રહ્યો છે તેમજ આદિવાસી વિસ્તારોમાં અનેક પ્રકારની ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થતા રહ્યા છે. આવા સંજોગોમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન આદિવાસી સમાજ માટે આશાના કિરણ તરીકે ચૈતર વસાવા એક મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તેઓ ધારાસભ્ય તરીકે ગુજરાતભરના આદિવાસી સમાજના પ્રશ્નો અને સમસ્યાઓને લઈને સતત સંઘર્ષ કરતા રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશિપનો મુદ્દો હોય, જમીન અને જંગલ પરના અધિકારોનો પ્રશ્ન હોય, ગ્રામ પંચાયતોની સ્વાયત્તતા, અનુસૂચિત વિસ્તારોના અધિકારો, ખનન (માઇનિંગ) સંબંધિત પ્રશ્નો કે આદિવાસી બાળકોના શિક્ષણ અને દસ્તાવેજીકરણને લગતા મુદ્દાઓ હોય – દરેક વિષય પર ચૈતર વસાવાએ મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો છે. ચૈતર વસાવાએ આદિવાસી સમાજને ન્યાય અપાવવા અને તેમના બંધારણીય અધિકારોની રક્ષા માટે સતત લડત ચલાવી છે અને સમાજના હકો માટે અડગ રહીને કાર્ય કર્યું છે. ચૈતર વસાવાને ઝુકાવવા માટે, હરાવવા માટે અને તેમનું મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા. ગૃહમંત્રીએ સભાઓ કરી, પ્રધાનમંત્રીએ ડેડિયાપાડામાં સભાઓ કરી. અનેક મુદ્દાઓ પર ચૈતરભાઈ વસાવાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાના વારસદાર છે, વંશજ છે. તેઓ આ દબાણ સામે ઝૂક્યા નહીં.

’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યુ હતુ કે આજે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ કરીને ખોટી એફઆઈઆર કરવામાં આવી. સરકારી પંચ, સરકારી વકીલ, સરકારી પોલીસ અને તમામ સરકારી તંત્રએ ભેગા મળીને ચૈતરભાઈ વસાવા સામે ખોટું પ્રપંચ ઊભું કર્યું. કોર્ટ દ્વારા 7 વર્ષની સજા સંભળાવવામાં આવી. આ અગાઉ ચૈતરભાઈને જેલમાં રાખવામાં આવ્યા અને જેલની અંદર પણ તેમને એવું કહેવામાં આવ્યું કે પક્ષપલટો કરી લો તો તાત્કાલિક બહાર આવી જશો. પરંતુ ચૈતરભાઈ વસાવા લડાયક માણસ છે. તેઓ આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો માટે લડનારા માણસ છે, ઝૂકનારા નથી. જ્યારે તેમને જેલમાં રાખવામાં આવ્યા ત્યારે આદિવાસી સમાજે ચૈતરભાઈ વસાવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. આદિવાસી સમાજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નર્મદા જિલ્લા પંચાયતમાં તેમને સમર્થન આપ્યું. તેનું કારણ એ હતું કે આદિવાસી સમાજે જોયું કે ચૈતરભાઈ વસાવાને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. વર્ષો પછી સમાજ માટે બોલનારો એક મજબૂત માણસ ઉભો થયો છે અને તેને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ વાત આદિવાસી સમાજે સમજી અને ચૈતરભાઈ વસાવાને ધારાસભ્યપદ સાથે સાથે જિલ્લા પંચાયતમાં પણ સમર્થન આપ્યું. જેના કારણે ભાજપમાં બેચેની વધી અને ત્યારબાદ અચાનક જ સજા આપવામાં આવી. સરકારી પંચ, સરકારી પોલીસ, સરકારી વકીલ, ફરિયાદી અને સરકારી સાક્ષીઓ – બધું જ સરકારી હતું. ચૈતરભાઈ વસાવાએ ગુજરાતમાં જ્યાં જ્યાં ભાજપના વિચારો સાથે અસહમતિ દર્શાવી છે, ત્યાં તેમણે લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે. પોલીસ સ્ટેશનમાં પણ લોકમત અને લોકોના પ્રશ્નોને લઈને રજૂઆતો કરવામાં આવી હતી. ચૈતરભાઈ વસાવા અલગ પ્રકારના નેતા છે, કારણ કે તેઓ ડરતા નથી, ગભરાતા નથી અને સતત લડત આપતા રહે છે. તેઓ વિધાનસભાથી લઈને સડક સુધી, ગામની ગલીઓથી લઈને સર્વોચ્ચ સ્તર સુધી આદિવાસી સમાજના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. આજે આદિવાસી સમાજ નારાજ છે, દુઃખી છે. આદિવાસી સમાજના અવાજને દબાવવાનું જે કામ કરવામાં આવ્યું છે તેનો જવાબ ચૈતરભાઈ વસાવા પણ આપશે અને આદિવાસી સમાજ પણ આપશે. આજે જે ષડયંત્ર કરવામાં આવ્યું છે, તેમાં સાક્ષી સરકારી, ફરિયાદી સરકારી, પોલીસ સરકારી, વકીલ સરકારી, પંચનામા સરકારી – બધું જ સરકારી છે. તેથી સ્વાભાવિક છે કે ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ એક શડ્યંત્ર રચવામાં આવ્યું હોવાનું જણાય છે.

Tags: આમ આદમી પાર્ટી ગુજરાત આદિવાસી સમાજ ગુજરાત ડેડિયાપાડા ધારાસભ્ય AAP ની કાયદાકીય લડાઈ ચૈતર વસાવા કેસ આદિવાસીઓના અધિકારોની લડાઈ ગુજરાત રાજકારણ અપડેટ્સ ચૈતર વસાવા સજા ભાજપ રાજકીય ષડયંત્ર ગોપાલ ઇટાલીયા પ્રેસ કોન્ફરન્સ

સંબંધિત સમાચાર