મુખ્ય સામગ્રી પર જાઓ

ચૈતર વસાવા કેસમાં ભાજપનો ભાંડો ફૂટ્યો? ગોપાલ ઇટાલીયાનો ગંભીર આક્ષેપ, સરકારી વકીલના નિવેદનથી વિવાદ

ચૈતર વસાવા કેસમાં ગોપાલ ઇટાલીયાનો મોટો ખુલાસો. હાઈકોર્ટના સરકારી વકીલના નિવેદનનો ઉલ્લેખ કરી ભાજપ સરકાર પર ન્યાયતંત્રમાં હસ્તક્ષેપ કરવાનો લગાવ્યો આરોપ. શું આ કેસ રાજકીય ષડયંત્ર છે? સંપૂર્ણ અહેવાલ વાંચો.

ચૈતર વસાવા કેસમાં ભાજપનો ભાંડો ફૂટ્યો? ગોપાલ ઇટાલીયાનો ગંભીર આક્ષેપ, સરકારી વકીલના નિવેદનથી વિવાદ

અમદાવાદ  : આજે રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે ગઈકાલે ડેડીયાપાડામાં સ્વયંભૂ હજારો લોકોએ ઉપસ્થિત રહીને ચૈતરભાઈ સાથે થઈ રહેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. જેવો આદિવાસી સમાજ જાગૃત થયો અને સરકાર પર દબાણ આવ્યું એટલે ગઈકાલે સુખવંતીબેન વસાવાને જામીન મળ્યા. આ મુદ્દે ગઈકાલે હાઇકોર્ટના સરકારી વકીલે પોતે કહ્યું કે હર્ષ સંઘવી અને ભુપેન્દ્રભાઈ પટેલે સુચના આપી હતી કે સુખવંતીબેનની જામીન અરજીનો વિરોધ કરવો નહીં. આ ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે બંધારણ પ્રમાણે ચૂંટણી જીતેલો માણસ ન્યાયતંત્રમાં રહેલા માણસને સીધી સૂચના આપી શકતો નથી. સરકાર કોઈપણ નિર્ણય લઈ શકે છે પણ એ નિર્ણયની સુચના સરકારી માણસ આપે છે, ચૂંટણી જીતેલો કોઈ માણસ સીધી સૂચના આપી શકે નહીં. સરકાર કાયદા વિભાગને સૂચના આપે, કાયદા વિભાગ સચિવને જાણ કરે, સચિવ સેક્શન ઓફિસરને જાણ કરે અને ત્યારબાદ સેક્શન ઓફિસર સરકારી વકીલને સૂચના આપી શકે. પણ આખા કેસમાં કાલે સરકારી વકીલના એક નિવેદનથી ભાજપનો ભાંડો ફૂટ્યો.

વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, અમે પહેલા દિવસથી કહીએ છીએ કે ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે. ચૈતરભાઈ જ્યારે 2022ની ચૂંટણી જીત્યા ત્યારબાદ એ સમયના ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલે ચૈતરભાઈને પક્ષપલટો કરાવવા માટે ખૂબ મહેનત કરી પરંતુ ચૈતરભાઈએ વાતને માની નહીં. ત્યારબાદ એમના પર ખોટી ફરિયાદો કરવામાં આવી અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા. ત્યારબાદ ડેડીયાપાડામાં ગૃહમંત્રીની  બે-બે વખત સભાઓ થઈ, ત્યારબાદ પણ ચૈતરભાઈએ નમતું જોખ્યું નહીં એટલા માટે કેન્દ્રીય મંત્રીની સભાઓ થઈ, ત્યારબાદ પ્રધાનમંત્રીની ડેડીયાપાડામાં સભા થઈ. પરંતુ ચૈતરભાઈની લોકપ્રિયતા એટલી અભૂતપૂર્વ છે કે ચૈતરભાઈના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની નર્મદા જિલ્લા પંચાયત બની. જેથી ભાજપને લાગ્યું કે ચૈતરભાઈને ચૂંટણીમાં નહીં હરાવી શકાય એટલે કોર્ટમાં હરાવવા પડશે અને જેલની સજા કરાવી પડશે. અને ત્યારબાદ ષડયંત્ર થયું અને સરકારી વકીલે પોતે જ કહ્યું કે હર્ષ સંઘવી અને ભુપેન્દ્ર પટેલને આ તમામ વાતની જાણ છે, એમણે જ સરકારી વકીલોને સૂચનાઓ આપી એમણે જ સજા કરાવવા માટે પોલીસને ,વકીલને, સાક્ષીને વગેરેને સૂચનાઓ આપી અને એમણે જ ચૂંટાયેલા ધારાસભ્યને જેલમાં પુરવવાનું કામ કર્યું ને આમ તમામ બાબતનો ભાંડો ફૂટી ગયો.

વધુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતભરની જનતાને મારે સ્પષ્ટપણે કહેવું છે કે, હાઇકોર્ટના વકીલ કહે છે કે હર્ષ સંઘવી અને ભુપેન્દ્ર પટેલે સુચના આપી છે, તો એ કેટલું વ્યાજબી છે? હાઇકોર્ટના વકીલો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીનું નામ લઈને વાત કરતા થઈ જાય તો ન્યાયતંત્રની નિષ્પક્ષતાનું શું? સરકારી વકીલ એમ કહેવાનું હતું કે સરકારની સૂચના છે, વિભાગની સૂચના છે, અધિકારીઓની સૂચના છે. હાઇકોર્ટના વકીલે નામજોગ કહ્યું કે હર્ષ સંઘવીએ સૂચના આપી, એનો મતલબ એ કે હર્ષ સંઘવી હાઇકોર્ટમાં પણ હસ્તક્ષેપ કરે છે. ચૈતર વસાવા અને અન્ય લોકો નિર્દોષ હોવા છતાં પણ તેમને ફસાવવામાં આવ્યા છે. હર્ષ સંઘવીએ સૂચના આપી તો એક સુખવંતીબેન છૂટ્યા, બીજા નિર્દોષ ખેડૂતોની સૂચનાઓ કેમ ન આપી? એક વ્યક્તિ નહીં પરંતુ બધા જ આરોપી નિર્દોષ છે, આખો કેસ ખોટો છે. આદિવાસી સમાજ જાગૃત બને અને જાણે કે ચૈતર વસાવાને ખોટા કેસમાં જેલમાં પુરનારા લોકોના નામ સરકારી વકીલના મોઢેથી નીકળ્યા છે. આદિવાસી સમાજ સહિત ગુજરાતના લોકો ભાજપને એવી સજા કરો કે આવનારી 100 ચૂંટણીમાં દેખાય નહિ.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: આમ આદમી પાર્ટી ગુજરાત ગુજરાત રાજકારણ ચૈતર વસાવા કેસ ગોપાલ ઇટાલીયા પ્રેસ કોન્ફરન્સ નર્મદા જિલ્લા પંચાયત પરિણામ હર્ષ સંઘવી વિવાદ સુખવંતીબેન વસાવા જામીન ભાજપ સરકાર પર આક્ષેપ ન્યાયતંત્રની નિષ્પક્ષતા

સંબંધિત સમાચાર