મુખ્ય સામગ્રી પર જાઓ

આદિવાસી સમાજ માટે ચૈતર વસાવા: સ્વશાસન અને ભીલપ્રદેશની માંગ

ચૈતર વસાવા અંબાજી દર્શન પછી પાડલીયા જશે. હિંસા અટકાવવા ચિંતન, આદિવાસી સમાજ સ્વશાસન માંગે છે.  

આદિવાસી સમાજ માટે ચૈતર વસાવા: સ્વશાસન અને ભીલપ્રદેશની માંગ

અમદાવાદ/બનાસકાંઠાભરૂચ/નર્મદા/ગુજરાત : બનાસકાંઠાના અંબાજી નજીક પાડલીયા ગામે જે હિંસક ઘટના ઘટી હતી, તે મુદ્દે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પાડલીયા ગામની મુલાકાત લેવા રવાના થયા હતા. આ દરમિયાન તેઓએ અંબાજી ખાતે ગબ્બરમાં માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ  મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અંબાજી માતાના દર્શન કરીને પાડલીયા ગામમાં થયેલી ઘટનાની હકીકત જાણવા માટે જઈ રહ્યા છીએ. કોઈપણ સમસ્યાનું સમાધાન હિંસાથી થતું નથી, પરંતુ આ હિંસા થઇ છે. એટલે આ ઘટનાના મૂળમાં જઈને કોના આદેશથી આ ઘટના ઘટી છે તથા આવનારા દિવસોમાં આ પ્રકારની ઘટના ન બને અને અમે કઈ રીતે મદદરૂપ થાય તેને લઈને આજે અમે ગામની મુલાકાતે જઈએ છીએ, ત્યાં સ્થળ અને લોકોની મુલાકાત કરીને જાણીશું કે સત્ય હકીકત શું છે ? બાદમાં સૌને હકીકત જણાવીશું.

મીડિયાના સવાલોના જવાબ આપતા દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને પોતાના અધિકારો મળ્યા છે. ગ્રામસભાની પરમિશન વગર જો અમારી જમીન છીનવાઇ ત્યારે અમારે સરકારને કહેવું પડે છે કે અમે દેશના વિકાસમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે અને તેમ છતાં આજે અમારા લોકોના ઘરો તોડી નાખવામાં આવે છે, અમારી જમીનો છીનવી લેવામાં આવે છે. અમને સમાનતાની ધારામાં લાવવામાં નહીં આવે તો આદિવાસી સમાજ સ્વશાસનની માંગ કરશે. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે “આવનારા દિવસોમાં દેશના 29માં રાજ્યો માટે વિચારીશું” આ પ્રક્રિયા એક બે દિવસની નથી પરંતુ આમાં વર્ષો લાગી શકે તેમ છે, પરંતુ મને લાગે છે કે દેશનું 29મું રાજ્ય ભીલપ્રદેશ અસ્તિત્વમાં આવશે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશનો આદિવાસી સમાજ સ્વશાસનની માંગ ઉઠાવી રહ્યો છે અને બંધારણની જોગવાઈ છે કે ભાષાની આધારે અને જાતિના આધારે રાજ્ય બન્યા છે. તો આવનારા સમયમાં જ્યારે ભીલપ્રદેશ બનશે અને જે પણ સરકાર ભીલપ્રદેશ બનાવશે, તેમના તરફ આદિવાસી સમાજ અને આદિવાસી આગેવાનોનો ઝૂકાવ રહેશે અને આદિવાસી લોકોનો સર્વાંગી વિકાસ કઈ રીતે થાય એ રીતે બધા જ લોકો સાથે મળીને આદિવાસી સમાજનો વિકાસ કરશે.

સંબંધિત સમાચાર