ચીનમાં 14 વર્ષની વિદ્યાર્થિનીની અદમ્ય બહાદુરી: સળગતા ઘરમાંથી બે માસૂમ બાળકોનો જીવ બચાવ્યો
ચીનના હુનાન પ્રાંતમાંથી માનવતા અને હિંમતનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. અહીંના ફેંગહુઆંગ કાઉન્ટીમાં રહેતી 14 વર્ષની વિદ્યાર્થિની લોંગ શીએ પોતાનો જીવ જોખમમાં મૂકીને આગ લાગેલા એક ઘરમાંથી બે નાના બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. 24 જૂનના રોજ બનેલી આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર આ કિશોરીની બહાદુરીના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
સ્કૂલેથી ઘરે જતી વખતે ઘરમાંથી ધુમાડો નીકળતો જોયો
'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ'ના અહેવાલ મુજબ, લોંગ શીને તાવ આવ્યો હોવાથી તે સ્કૂલમાંથી રજા લઈને ઘરે પરત ફરી રહી હતી. રસ્તામાં ચાલતી વખતે તેણે નજીકના એક ઘરમાંથી કાળો ઘટ્ટ ધુમાડો નીકળતો જોયો. શરૂઆતમાં તો તેને લાગ્યું કે આ સામાન્ય હશે, પરંતુ જ્યારે તેણે ઘરની અંદરથી બાળકોના રડવાનો અવાજ સાંભળ્યો, ત્યારે તેને કંઈક અજુગતું બન્યાનો અહેસાસ થયો. તે તરત જ ઘર તરફ દોડી ગઈ અને અંદર જઈને જોયું તો પલંગ સુધી આગ પહોંચી ગઈ હતી અને નજીક પડેલા કપડાં સળગી રહ્યા હતા.
ક્ષણભરનો પણ વિચાર કર્યા વિના બંને બાળકોને બહાર કાઢ્યા
ઘરની અંદર 4 વર્ષની એક બાળકી પલંગ પાસે ઊભી હતી, જ્યારે તેનો 2 વર્ષનો નાનો ભાઈ પલંગ પર બેસીને રડી રહ્યો હતો. આ સમયે ઘરમાં કોઈ મોટું હાજર નહોતું. પરિસ્થિતિની ગંભીરતા જોઈને લોંગ શીએ જરા પણ ખચકાટ વગર બે વર્ષના બાળકને તેડી લીધો અને ચાર વર્ષની બાળકીનો હાથ પકડીને ઝડપથી બંનેને ઘરની બહાર લઈ આવી.
આ ઘટનાને યાદ કરતા લોંગે જણાવ્યું કે, "આગ લગભગ પલંગ સુધી પહોંચી ગઈ હતી અને તેના પરના કપડાં બળી રહ્યા હતા. તે સમયે મેં મારા જીવના જોખમ વિશે બિલકુલ વિચાર્યું નહોતું, મારા મનમાં માત્ર બાળકોને સુરક્ષિત બહાર કાઢવાનો જ વિચાર હતો." બાળકોને બચાવ્યા બાદ તેણે પોતાની માતાને મેસેજ કરીને કહ્યું કે, "મમ્મી, મેં બે બાળકોનો જીવ બચાવ્યો છે."
માતા-પિતાએ આભાર માન્યો, ફાયર વિભાગે કર્યું સન્માન
લોંગની માતા વુએ જ્યારે આ ઘટનાનો વીડિયો જોયો, ત્યારે આગની ભયાનકતા જોઈને તેઓ ધ્રૂજી ઉઠ્યા હતા. બીજી તરફ, જ્યારે આગ લાગી ત્યારે બાળકોના પિતા વુ ઝિયાનજિન કામ પર ગયા હતા. ફોન પર સમાચાર મળતા જ તેઓ ગભરાઈને ઘરે દોડી આવ્યા હતા, પરંતુ બંને બાળકો સુરક્ષિત હોવાનું જાણીને તેમણે રાહતનો શ્વાસ લીધો હતો.
બાળકોના પરિવારે આભાર વ્યક્ત કરવા માટે લોંગને લાલ રંગનું સન્માન બેનર ભેટ આપ્યું હતું. આ ઉપરાંત, તેના પરિવારે સ્થાનિક વહીવટીતંત્રને 'ગુડ સમરિટન એવોર્ડ' (Good Samaritan Award) માટે પણ અરજી કરી છે. નવેમ્બર મહિનામાં ફેંગહુઆંગ કાઉન્ટી ફાયર ફાઈટિંગ એન્ડ રેસ્ક્યુ બ્યુરો દ્વારા પણ તેને બહાદુરી બદલ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી.
મોટા થઈને સૈનિક બનવાનું છે લોંગ શીનું સપનું
લોંગ શીએ જણાવ્યું કે તે મોટી થઈને સૈનિક બનવા માંગે છે. કટોકટીના સમયમાં સૈનિકોને લોકોની મદદ કરતા જોઈને તેના મનમાં સશસ્ત્ર દળોમાં જોડાવાની ઈચ્છા વધુ મજબૂત બની છે. જોકે, ચીનના સોશિયલ મીડિયા પર લોકો તેને ઈનામ આપવાની માંગ કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક પ્રશાસને નાગરિકોને ખાસ ચેતવણી પણ આપી છે. અધિકારીઓએ સલાહ આપી છે કે બાળકોએ ક્યારેય સળગતી ઈમારતમાં પ્રવેશવાનું કે જાતે બચાવ કામગીરી કરવાનું જોખમ ન લેવું જોઈએ, તેના બદલે સુરક્ષિત સ્થળે જઈને તાત્કાલિક ઈમરજન્સી સેવાઓ અને વડીલોની મદદ લેવી જોઈએ.