અમદાવાદ / છોટાઉદેપુર / ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે આજે છોટા ઉદેપુર લોકસભાના પદાધિકારીઓ સાથે સંગઠન વિસ્તાર મુદ્દે બેઠક કરી. આ બેઠકમાં પ્રદેશ પ્રભારી ગોપાલ રાયની સાથે સાથે પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા સહિત પ્રદેશના પદાધિકારીઓ, વિધાનસભાના હોદ્દેદારો સહિત સ્થાનિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મુદ્દે પ્રભારી ગોપાલ રાયે પોતાની વાત કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક ચૂંટણીઓ બાદ હવે આમ આદમી પાર્ટી 2027ની વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે, એના માટે સમગ્ર ગુજરાતમાં સંગઠન વિસ્તારના કાર્યક્રમો થઈ રહ્યા છે. તે અંતર્ગત અમે ઉપપ્રમુખો, પ્રદેશ સંગઠન મંત્રીઓ, વિધાનસભા સ્તરે વિધાનસભા સંગઠન મંત્રીઓની નિયુક્તિઓ કરી છે અને તેમના માધ્યમથી અમે તમામ વિધાનસભાઓ તથા તાલુકાઓની સીટોથી લઈને ગ્રામ્ય સ્તર પર હાલ સંગઠન નિર્માણનું કામ કરી રહ્યા છીએ.
વધુમાં પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, આજે છોટાઉદેપુર લોકસભાની નાંદોદ વિધાનસભા ખાતે અમે સ્થાનિક પદાધિકારીઓ સાથે મળીને સંગઠન નિર્માણનું કામ આગળ વધાર્યું અને આ કામ મુદ્દે જ આજે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે છોટા ઉદેપુર લોકસભામાં લોકોની કઈ કઈ સમસ્યાઓ છે જેનું સમાધાન ભાજપના છેલ્લા 30 વર્ષના શાસનમાં આવ્યું નથી તેને લઈને અમે અમારું અભિયાન આગળ વધારીશું. હાલમાં જ આપણે જોયું કે ભાજપે આદિવાસી સમાજની લડાઈ લડવાવાળા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવીને જેલમાં બંધ કર્યા છે. સમગ્ર આદિવાસી સમાજની સાથે સાથે આખા ગુજરાતમાં આ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે. સરકાર જે લોકોનો અવાજ દબાવવાની કોશિશ કરી રહી છે તેના વિરુદ્ધ અભિયાન ચલાવવાની રણનીતિ પણ આજની બેઠકમાં તૈયાર કરવામાં આવી.
આમ આદમી પાર્ટી ગુજરાત