મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિ વિસ્તારોમાંથી નિરક્ષરતાનું કલંક મિટાવવા શરૂ કરાવેલો શાળા પ્રવેશોત્સવ આજે શિક્ષણ ક્ષેત્રે વિકાસનું વટવૃક્ષ બની ગયો છે.
આદિજાતિ વિસ્તારોમાં વર્ષોની શિક્ષણ ભૂખ પૂરી થઈ છે અને ભૂતકાળના શાળા પ્રવેશોત્સવમાં શાળાઓમાં દાખલ થયેલા બાળકોએ આજે ડોક્ટર, એન્જીનીયર, પાયલોટ જેવા ક્ષેત્રોમાં સમાજનું નામ ઉજળું કર્યુ છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રી 24માં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે દાહોદ જિલ્લાની શાળાઓમાં સહભાગી થયા હતા. મોટી ખરાજ, રાહડુંગરી અને ગાંગરડા ગામોની શાળાઓમાં કુલ 300થી વધુ બાળકોને શાળા પ્રવેશ તેમણે કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આધુનિક સુવિધાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણથી વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કર્યું છે. શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, ઈન્ટરનેટ સુવિધા અને આધુનિક સાયન્સ લેબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાઓના કારણે ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓ પણ આધુનિક શિક્ષણ સાથે જોડાઈને સ્પર્ધાત્મક વિશ્વમાં આગળ વધી રહ્યા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા વિવિધ અભિયાનો અને યોજનાઓના પરિણામે આજે અનેક વિદ્યાર્થીઓએ સફળતાના નવા શિખરો સર કર્યા છે.
શિક્ષણ અધવચ્ચે છોડી દેનારા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેની વિગતો આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અધિકારીઓ અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ દ્વારા આવા બાળકોના ઘરે જઈ તેમની સમસ્યાઓ જાણી અને તેમને ફરી શાળામાં લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વાલીઓને પણ પોતાના બાળકોના ભવિષ્ય માટે સક્રિય ભાગીદાર બનવા અને નિયમિત રીતે શાળાની મુલાકાત લઈ શિક્ષકો સાથે બાળકોની પ્રગતિ અંગે ચર્ચા કરવા મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો દીકરીઓ પણ દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે તેનું ઉદાહરણ આપતા મુખ્યમંત્રશ્રીએ કહ્યું હતું કે, ખરજ ગામની ત્રણ દીકરીઓએ રગ્બી રમતમાં નેશનલ લેવલ સુધી પહોંચીને સમગ્ર ગામ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
સાયન્સ સહિતના ઉચ્ચ શિક્ષણને વધુ પ્રોત્સાહન આપવા માટે સરકારે વિવિધ મહત્વપૂર્ણ યોજનાઓ અમલમાં મૂકી છે તેની જાણકારી આપતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે સ્કોલરશિપ યોજનાનો આદિજાતિ વિદ્યાર્થીઓને વધુ લાભ મળે તે માટે આવક મર્યાદા રૂ. 2.5 લાખથી વધારીને રૂ. 6 લાખ કરી છે. આ ઉપરાંત નમો લક્ષ્મી યોજનામાં ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓને કુલ રૂ. 50,000 સુધીની સહાય આપવામાં આવે છે. અને નમો સરસ્વતી યોજનામાં ધોરણ 11-12માં સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. 50,000 સુધીની સહાય આપવામાં આવે છે.
એટલું જ નહિ, ધોરણ 11-12 સાયન્સ પૂર્ણ કરનાર દીકરીઓને વિવિધ યોજનાઓના લાભથી કુલ રૂ. 75,000 સુધીની સહાય મળી શકે છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, અગાઉ સાયન્સ શિક્ષણની સુવિધાઓનો અભાવ હતો, પરંતુ હવે જિલ્લા સ્તરે એન્જિનિયરિંગ અને મેડિકલ જેવી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ ઉપલબ્ધ થતાં આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ ડોક્ટર અને એન્જિનિયર બનવાના સપનાઓ સાકાર કરી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આધુનિક યુગમાં ટેકનોલોજીનો સદુપયોગ કરવાની જરૂરિયાત અંગે બાળકોને કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ મોબાઈલ અને ટીવીનો યોગ્ય ઉપયોગ કરી અભ્યાસ, વાંચન અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવો જોઈએ. વાલીઓએ પણ બાળકોના ટેકનોલોજી ઉપયોગ પર સકારાત્મક દેખરેખ રાખી તેમને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ.
મુખ્યમંત્રીશ્રીએ પર્યાવરણ અને જળ સંરક્ષણ માટે ‘કેચ ધ રેન’ અભિયાન અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળ સ્તર વધારવા તેમજ ‘એક પેડ મા કે નામ’ જેવી વૃક્ષારોપણની મુહિમ દ્વારા ગ્રીન કવર વધારવા અને પર્યાવરણ સુરક્ષા માટે જનભાગીદારીનું આહવાન કર્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી જસવંતસિંહ ભાભોરે આદિવાસી સમાજના ઉત્થાન માટે રાજ્ય સરકારના પ્રયાસોની સરાહના કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં શરૂ થયેલા આ અભિયાનને કારણે ઉમરગામથી અંબાજી સુધીના સમગ્ર આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે અને ‘ડ્રોપ-આઉટ રેશિયો’માં નોંધપાત્ર ઘટાડો થયો છે. અગાઉ દીકરીઓના શિક્ષણ પ્રત્યે રહેલી ઉદાસીનતા દૂર થઈ છે અને આજે આદિવાસી યુવાનો ડોક્ટર, એન્જિનિયર અને વકીલ બનીને સમાજનું ગૌરવ વધારી રહ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે દાહોદ જેવા અંતરિયાળ વિસ્તારોમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચ્યું છે, તેમ કહી સિંગવડ ખાતે રૂ. ૨૩ કરોડના ખર્ચે નિર્મિત અંગ્રેજી માધ્યમની આધુનિક શાળા આ વિસ્તારના બાળકોને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પૂરું પાડશે, તેમ ગૌરવભેર ઉમેર્યું હતું.
સાંસદશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘વનબંધુ કલ્યાણ યોજના-૨’ દ્વારા આદિવાસી વિસ્તારોના વિકાસને નવી ગતિ આપી છે. ભૂતકાળમાં મજૂરી માટે થતું પલાયન અટકાવવા માટે સરકાર મક્કમ છે. જે અંતર્ગત બારિયા, ધાનપુર, ગરબાડા, દાહોદ અને ઝાલોદ વિસ્તારમાં નર્મદાના નીર પહોંચાડવા માટે રૂ. ૫૦૦૦ કરોડથી વધુની રકમને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જે આ વિસ્તારમાં સિંચાઈ ક્રાંતિ લાવશે. આમ સિંચાઈ અને શિક્ષણમાં આવેલી આ ક્રાંતિથી આદિવાસી પરિવારોનું સ્થળાંતર અટકશે અને નવી પેઢી આત્મનિર્ભર બનશે, તેમ શ્રી ભાભોરે સહર્ષ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ શાળામાં ઉપસ્થિત વાલી સમિતિના સભ્યો સાથે રૂબરૂ મુલાકાત કરીને સીધો સંવાદ સાધ્યો હતો. આ આત્મીય સંવાદ દરમિયાન તેમણે વાલીઓના મૂલ્યવાન પ્રતિભાવો અને અપેક્ષાઓ જાણી હતી. બાળકોના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યના ઘડતર અને ગુણવત્તાયુક્ત શિક્ષણના વ્યાપ વધારવા અંગે તેમણે વાલીઓ સાથે મહત્વપૂર્ણ પરામર્શ કરીને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. પર્યાવરણ જતનના સંદેશ સાથે મુખ્યમંત્રીશ્રીએ શાળા પ્રાંગણમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગમાબેન મોહનીયા, સંગઠનના જિલ્લા પ્રમુખશ્રી સ્નેહલભાઈ ધરિયા, કલેક્ટર શ્રી સુરભી ગૌતમ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિતા લોઢા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સંબંધિત ગામના સરપંચો સહિતના પદાધિકારીઓ, શિક્ષકગણ, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.