મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના અધ્યક્ષ પ્રોફેસર ડૉ. દિલિપસિંહ બારડનું ગુજરાત રાજ્યમાં અંગ્રેજી વિષયના સૌપ્રથમ સિનિયર પ્રોફેસર તરીકેની બઢતીના અનન્ય પ્રસંગે ગરિમાપૂર્ણ સન્માન કરવામાં આવ્યું. આ સન્માન સમારોહમાં તેમના વિદ્યાર્થીઓ, સહકર્મીઓ અને વરિષ્ઠ અધ્યાપકો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર અંગ્રેજી ભવનના પ્રોફેસર ડૉ. જયદીપસિંહ ડોડીયા, માતુશ્રી વીરબાઈ મહિલા કૉલેજના ડૉ. ઇરોસ વાજા તથા વિરાણી સાયન્સ કોલેજના ડૉ. નિહારિકા રાવત દ્વારા ડૉ. બારડને શાલ ઓઢાડી, સ્મૃતિ ચિન્હ આપી અને શુભેચ્છાઓ પાઠવીને સન્માનિત કરવામાં આવ્યા.
ડૉ. બારડે દાયકાઓથી શિક્ષણક્ષેત્રે કરેલા યોગદાન, નવા અભિગમો અને સંસ્થાના વિકાસ માટેની કામગીરી દ્વારા અસંખ્ય વિદ્યાર્થીઓ અને સહકર્મીઓ માટે માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોતની ભૂમિકા નિભાવી છે. તેમની નિષ્ઠા, શિસ્તભર્યું વર્તન અને સાહિત્યપ્રેમી દૃષ્ટિ તેમની વિશિષ્ટ ઓળખ છે.
અંગ્રેજી ભાષા અને સાહિત્યના ક્ષેત્રે યશસ્વી કારકિર્દી ધરાવતા ડૉ. દિલીપસિંહ બારડે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં જ વરિષ્ઠ પ્રોફેસર ડૉ. જયદીપસિંહ ડોડીયાનાં માર્ગદર્શન હેઠળ "થોમસ હાર્ડીની નવલકથાઓ" પર સંશોધન કરી પીએચ.ડી.ની ઉપાધી મેળવી હતી. આમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પૂર્વ વિદ્યાર્થી ડૉ. બારડને આ બઢતી મળતા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં કાર્યરત અંગ્રેજીના અધ્યાપકોએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે.
શિક્ષણક્ષેત્રે આધુનિક શૈક્ષણિક પ્રણાલીના પ્રણેતા
પ્રોફેસર દિલિપ બારડ માત્ર એક પ્રતિષ્ઠિત શિક્ષક જ નથી, પરંતુ ડિજિટલ યુગમાં અંગ્રેજી શિક્ષણને આધુનિક બનાવનારા પ્રણેતા તરીકે પણ ઓળખાય છે. તેમણે શિક્ષણમાં ટેકનોલોજીના સંકલન માટે અનેક નવી પહેલ કરી છે. "બ્લેન્ડેડ લર્નિંગ", "ડિજિટલ હ્યુમેનિટીઝ" અને "સાહિત્ય અભ્યાસમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (એ. આઇ. )" જેવા નવા ક્ષેત્રોમાં તેમણે પ્રયોગાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપ્યું છે. તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ બ્લૉગ, વીડિયો લેક્ચર અને ઑનલાઇન કોર્સ જેવી પ્રવૃત્તિઓ દ્વારા શૈક્ષણિક સર્જનાત્મકતા વિકસાવી છે.
શૈક્ષણિક કાર્ય સાથે સાથે પ્રોફેસર બારડ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતા ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, સેમિનાર અને વેબિનારમાં આમંત્રિત વક્તા તરીકે મહત્વનું યોગદાન આપે છે. શિક્ષણની નવી રાષ્ટ્રીય નીતિ અને જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા વિષયો પર તેમના ઉલ્લેખનીય વિચારો અને અનુભવોએ શિક્ષણજગતમાં નવો દૃષ્ટિકોણ પ્રસ્થાપિત કર્યો છે.
ડૉ. દિલિપસિંહ બારડના આ સન્માનથી માત્ર અંગ્રેજી ભવન જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના શિક્ષણજગતમાં ગૌરવની લાગણી વ્યાપ્ત થઈ છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર ઉપસ્થિત પ્રોફે. જયદીપસિંહ ડોડીયા, ડો. ઇરોસ વાજા, ડો. નિહારિકા રાવત વગેરેએ હર્ષપૂર્વક તેમનું અભિવાદન કર્યું અને તેમના તેજસ્વી ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી.


