મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદમાં પ્રથમવાર એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 

અમદાવાદમાં પ્રથમવાર એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી

અમદાવાદ :  શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુજી અર્જુનભાઈ દેસાઈ, શ્રી સધીમાં મંદિર, રંગપુર ધામ, તા.માણસા, અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા તથા અતિથિ વિશેષ તરીકે વિરમગામના લોકલાડીલા ધારાસભ્ય હાર્દિકભાઇ પટેલ તથા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય ડો. ગિરીશ શાહ, પાંજરાપોળ સંસ્થાના સહાયક પૂર્વ સાંસદ સોમાભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જનકભાઈ પટેલ, મિતલ ખેતાણી તેમજ શ્રી વિરમગામ ખોડા ઢોર પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તથા સાથી ટીમ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે અમદાવાદમાં પ્રથમવાર વિવિધ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ એનિમલ એમ્બ્યુલન્સને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને એલીસબ્રીજ વિસ્તારનાં ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ દ્વારા આવકારવામાં આવી હતી. જેનો હેલ્પલાઇન નંબર 91529 90399 છે.
 
સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહે આ પ્રસંગે જણાવ્યુ હતું કે વિરમગામ પાંજરાપોળ ખાતે શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા 1200  એકર જગ્યામાં પથરાયેલી પાંજરાપોળમાં દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા આશ્રય સ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સંસ્થાની માલિકીની 1200  એકર જ્મીન છે. જેમાં સંસ્થાને સ્વાવલંબી બનાવવા માટેના તમામ કાર્યો કરવામાં આવે છે. આ જમીનમાં આવેલા તળાવો ઊંડા કરી, તેમજ વરસાદી પાણીનો વ્યવસ્થિત સંગ્રહ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેથી અબોલ જીવો માટે સમગ્ર વર્ષ દરમિયાન પીવાના તેમજ વાપરવાના પાણીની અછત ઉભી ન થાય. સંસ્થાની જગ્યામાં જ કુદરતી ઘાસ ઉગાડીને 2300 અબોલ જીવોને સાતા આપવાનું કાર્ય સંસ્થા દ્વારા થઇ રહ્યું છે. આ સિવાય 5000 થી પણ વધુ દેશી વૃક્ષો ઉગાડીને અબોલજીવો માટે નૈસર્ગિક વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. વૈશ્વિક સ્તરે જળ, જન, જમીન, જંગલ, જનાવરની સેવામાં કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન હંમેશા અબોલજીવોને જેટલી બને તેટલી સુવિધાઓ સુધારવા અને વધારવા માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજરોજ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત રાજયશસૂરી મહારાજ સાહેબની પ્રેરણાથી તેમજ પૂજ્ય સાધ્વીજી વાચંયમા મહારાજ સાહેબના (પૂ . બેન મ. સા) ૭૬માં સંયમ વર્ષનાં મંગલ પ્રવેશ નિમિત્તે દિનેશ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ અને એલ.જે. આરોગ્ય કેન્દ્રના સહયોગથી સમસ્ત મહાજન દ્વારા અમદાવાદમાં પ્રથમ અને સમગ્ર દેશની 15મી પશુ પક્ષીને ઉપયોગી થાય તેવી એમ્બ્યુલન્સ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ એમ્બ્યુલન્સ સેવામાં સ્થળ ઉપર જ ડોક્ટર દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી શકાય તેવી તમામ સુવિધાઓથી સજ્જ છે. જેમ કે ઓપરેશન થિયેટર, એનેસ્થેસિયા, ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ઇન્જેક્શન રાખવા માટે ફ્રીઝ અને દવાઓ, ગીઝર અને ફાયર સેફ્ટી સાધનો ઉપલબ્ધ છે. આ એમ્બ્યુલન્સ સેવાનો લાભ શહેરીજનો હેલ્પલાઇન નંબર 91529 90399 દ્વારા શહેરના કોઈપણ ભાગમાં લઈ શકશે.

સંબંધિત સમાચાર