મુખ્ય સામગ્રી પર જાઓ

ગાંધીનગર બનશે હરિયાળું: અમિત શાહના પ્રોજેક્ટ હેઠળ સવા કરોડ વૃક્ષો વાવવાની મહાઝુંબેશ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાનના ભાગરૂપે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સવા કરોડ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર વૃક્ષારોપણ કરવાનો જ નહીં, પરંતુ ઉજ્જડ અને ખારાપાટ જેવી જમીનોને સુધારીને ત્યાં એક સમૃદ્ધ અને ધબકતી ઇકોસિસ્ટમ ઊભી કરવાનો છે.

ગાંધીનગર બનશે હરિયાળું: અમિત શાહના પ્રોજેક્ટ હેઠળ સવા કરોડ વૃક્ષો વાવવાની મહાઝુંબેશ

ગાંધીનગર  : થોડા દિવસો પહેલા જો તમે બગોદરાથી નળસરોવર તરફ જતા રસ્તા પર આવતા કણોતર ગામનાં 23 હેક્ટર ગૌચર જમીનની બાજુમાંથી પસાર થયા હોત, તો બહુ ઓછા લોકોને ત્યાં ઉભા રહેવાનું મન થયું હોત. કેમ કે ખૂબ જ ક્ષારવાળી અને ગાંડા બાવળોથી ઘેરાયેલી આ જમીન ઉજ્જડ જેવી હતી. જો કે, આજે આ સ્થળેથી પસાર થતા કોઇ રોકાયા વગર રહી શકતું નથી.

 

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહનાં મહત્વાકાંક્ષી 'ગાંધીનગર હરિયાળી લોકસભા' અભિયાનનાં ભાગરૂપે, ગુજરાત વન વિભાગે આ 23 હેક્ટર જમીનની કાયાપલટ કરી નાખી છે. ગાંડો બાવળ દૂર કરી, પથ્થર જેવી કડક માટીને ઉંડી ખેડી નાખી છે અને ત્યારબાદ ખારાપાટ જેવી જમીનની ફળદ્રુપતા વધારવા માટે તેમાં જિપ્સમ, છાણિયું ખાતર, જરૂરી પોષકતત્વો અને ખાતર નાખી જમીન સુધારણાનું કામ હાથ ધર્યુ છે. અને હવે, નવસાધ્ય થયેલી જમીનમાં 2.30 લાખ વૃક્ષો વાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વૃક્ષોમાં મુખ્યત્વે સ્થાનિક પ્રજાતિનું વાવેતર કરવામાં આવશે.

 

ગૌચરની આ 23 હેક્ટર જમીનને ચારે તરફથી ફેન્સિંગ કરી તેને સુરક્ષિત કરવામાં આવી છે. વૃક્ષોને પાણી પૂરું પાડવા માટે પાણીનો એક બોર બનાવ્યો છે. આ બોર સોલર પાવરથી ચાલશે.

 

આ દ્રશ્ય માત્ર કાણોતર ગામ પૂરતું નથી, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના ગાંધીનગર લોકસભા મત વિસ્તાર હેઠળ આવતા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાનાં 82 સ્થળોએ આ પ્રકારની કામગીરી યુદ્ધનાં ધોરણે ચાલી રહી છે. સાવ ઉજ્જડ અને ખારાપાટ જેવી જમીનને નવસાધ્ય કરી સ્થાનિક પ્રજાતિઓનાં વૃક્ષોનું વાવેતર કરી નવી ઇકોસિસ્ટમ ઉભી કરવામાં આવી રહી છે.  

 

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના 'ગાંધીનગર હરિયાળી લોકસભા પ્રોજેક્ટ' હેઠળ ચાલુ વર્ષે સવા કરોડ (1.25 કરોડ) રોપા વાવવાનો  લક્ષ્યાંક છે. આ સવા કરોડનાં લક્ષ્યાંકમાં વન વિભાગ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 82 સ્થળોએ 540.92 હેક્ટર વિસ્તારમાં 60 લાખ રોપા વવાશે.

 

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે એક વિશાળ વૃક્ષારોપણ ઝુંબેશ દ્વારા તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તારને દેશનો સૌથી હરિયાળો મતવિસ્તાર બનાવવાનો સંકલ્પ કર્યો છે. જળવાયુ પરિવર્તન સામે લડવાનાં અભિયાનના ભાગરૂપે, આ વર્ષે સમગ્ર ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સવા કરોડ રોપા વવાશે.

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ‘એક પેડ મા કે નામ’ અભિયાન હાથ ધરાયું છે અને લોકભાગીદારી થકી દેશને હરિયાળો બનાવવાનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલું આ અભિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં સમગ્ર ગુજરાતમાં વિસ્તરી રહ્યું છે. 

 

આ અભિયાનમાં સ્થાનિક પ્રજાતિઓની વનસ્પતિ પર વધુ ભાર

 

ગાંધીનગર હરિયાળી લોકસભા પ્રોજેક્ટમાં સ્થાનિક અને લુપ્ત થતી વનસ્પતિઓ પર ભાર મુકવામાં આવ્યો છે. ગુજરાતનાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, "આ અભિયાન હેઠળ ઝડપથી ઉગતા વૃક્ષોની જગ્યાએ  અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્થિતિને અનુરૂપ વૃક્ષોની પસંદગી કરી છે. વન વિભાગ દ્વારા કુલ 121 વનસ્પતિની પ્રજાતિઓ વાવવામાં આવશે તેમાં 80 જટેલી પ્રજાતિઓ સ્થાનિક હશે. એટલુ જ નહીં, 6.05 લાખથી વધુ રોપાઓમાં 24 પ્રકારની પ્રજાતિઓ દુર્લભ, વિલુપ્ત અને ભયગ્રસ્ત થતી પ્રજાતિની છે."

 

સ્થાનિક પ્રજાતિનાં વનસ્પતિઓમાં કુમકુમ(Mallotus sp.), શીમળો, કંપીલો, કીલાઇ, ચમુલી, જંગલી સરગવો, સફેદ સિરીશ,  જંગલી જામફળ, કાંચનાર, પીળો કેસૂડો, અરીઠા, સફેદ સાગ, અને સફેદ ગંભાર વગેરેનો સમાવેશ થાય છે.

 

"સ્થાનિક પ્રજાતિનાં વૃક્ષો વાવવાથી પંખીઓ, પતંગિયા, આ પ્રજાતિનાં વૃક્ષો પર નિર્ભર જીવજંતુઓ આવશે અને એક ધબકતુ નિવસનસંત્ર ઉભુ થશે. દેશી વૃક્ષો સ્થાનિક પક્ષીઓ, સરીસૃપો, પતંગિયાઓ, મધમાખીઓ અને અન્ય પોલીનેટરોને ખોરાક, આશરો અને પ્રજનન માટેની જગ્યા પૂરી પાડે છે," વન અને પર્યાવરણનાં અગ્ર સચિવ વિનોદ રાવે વધુમાં જણાવ્યું હતું.

 

"સ્થાનિક વનસ્પતિનાં ફૂલો, ફળો અને પાંદડા આખા વર્ષ દરમિયાન પક્ષીઓ અને અન્ય જીવજંતુઓને પોષણ આપે છે, જ્યારે ગાઢ વનસ્પતિ નાના પ્રાણીઓ માટે સુરક્ષિત રસ્તાઓ બનાવે છે. નવસાધ્ય જમીન, ભેજ જાળવી રાખવાની ક્ષમતા અને જૈવવિવિધતા આ રહેઠાણોને વધુ મજબૂત બનાવે છે, જેથી તેઓ આબોહવા પરિવર્તન સામે વધુ ટકી શકે." વિનોદ રાવે વધુમાં ઉમેર્યુ હતું.

 

જેમ-જેમ આ વૃક્ષો મોટા થશે, તેમ-તેમ તેઓ સ્થાનિક કક્ષાએ સંતુલન પુનર્જીવિત કરશે, પરાગનયન વધારશે અને એક સમૃદ્ધ તેમજ સ્વનિર્ભર ઇકોસિસ્ટમ બનાવશે.

Tags: અમિત શાહ પર્યાવરણ સંરક્ષણ એક પેડ માં કે નામ વૃક્ષારોપણ વન વિભાગ ગુજરાત Eco-system restoration Ahmedabad Amit Shah tree plantation campaign Ek Ped Maa Ke Naam Gujarat Forest conservation Gujarat Gandhinagar Green Lok Sabha project જૈવવિવધતા જમીન સુધારણા ગાંધીનગર હરિયાળી લોકસભા પ્રોજેક્ટ

સંબંધિત સમાચાર