અમદાવાદ / જૂનાગઢ / ગુજરાત : આમ આદમી પાર્ટી કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ ઘેડ વિસ્તારના ખેડૂતોના મુદ્દે ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળ્યા હતા. ઘેડના ખેડૂતોની પડખે ઊભા રહેવા માટે પ્રવીણ રામે પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે કમલેશભાઈ પાનસુરીયા તેમજ આમ આદમી પાર્ટી કેશોદની સમગ્ર ટીમ પણ ઘેડ વિસ્તારમાં પહોંચી હતી અને લાઈવ માધ્યમથી લોકોને ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. આ તકે ’આપ’ નેતા પ્રવીણ રામે જણાવ્યુ હતુ કે અત્યારે પાણુંદર, ખેરડા અને આસપાસના ગામોના ખેતરોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. ખેતરોમાં છેલ્લા પંદર દિવસથી સતત પાણી ભરાયેલા રહેવાને કારણે આશરે ૭૦ ટકા જેટલો મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ (ફેલ) ગયો છે. ખેડૂતોએ એકવાર વાવણી કરી તે નિષ્ફળ ગઈ, ત્યારબાદ બીજી વાર મોંઘા બિયારણ લાવીને વાવણી કરવી પડી છે. તંત્રની બેદરકારી એવી છે કે હજુ સુધી નુકસાનીનો કોઈ સર્વે કરવામાં આવ્યો નથી. ખેડૂત કંઇ તંત્રના સર્વેની રાહ જોઈને બેસી ન રહે, એણે તો બીજી વાર વાવણી કરી દીધી. હવે જો તંત્ર મોડું-મોડું સર્વે કરવા આવશે તો એ શેનો સર્વે કરશે? પછી તો અધિકારીઓ એમ જ કહી દેશે કે ખેતરમાં કોઈ નુકસાન જ નથી! અમુક નેતાઓ માત્ર સહાય માટેના કાગળ પર લેટરો લખીને સંતોષ માની લે છે, પરંતુ જ્યાં સુધી અધિકારીઓ ગ્રાઉન્ડ પર જઈને તપાસ ન કરે અને કાગળ ઉપર નુકસાનીનો આંકડો સરકાર સુધી ન પહોંચે, ત્યાં સુધી ખેડૂતોને સાચી સહાય કઈ રીતે મળી શકે?
’આપ’ નેતા પ્રવીણ રામે વધુમાં જણાવ્યુ હતુ કે કાગળ પર કંઈ નોંધાયું જ ન હોય તો ઉપર રજૂઆત શેની કરવી? સરકારી તંત્રએ એસી ઓફિસોમાં બેસી રહેવાને બદલે તાત્કાલિક ધોરણે ઘેડના ગામડાઓમાં સર્વેક્ષણ શરૂ કરવું જોઈએ. આ ઉપરાંત, દર વર્ષે તૂટી જતા રસ્તાઓને બદલે આ વિસ્તારમાં પાકા સીસી રોડ બનાવવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ છે. અગાઉ આ મુદ્દે પદયાત્રા કરવામાં આવી હતી અને નદીઓ ઊંડી કરવા માટે કરોડો રૂપિયાના બજેટની વાતો સરકાર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકમાં કોઈ કામગીરી દેખાતી નથી. પ્રવીણ રામે લાઈવ માધ્યમથી તમામ ખેડૂતોને નમ્ર અપીલ કરતા જણાવ્યું કે, હવે સમય આવી ગયો છે કે ખેડૂતોએ જાગૃત થવું પડશે, એકતા બતાવવી પડશે અને પ્રશાસનને સવાલ પૂછવા પડશે કે નદીઓ ઊંડી કરવાનું બજેટ ક્યાં ગયું? જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરીને સહાય જાહેર કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં ખેડૂતોને સાથે રાખીને ફરીથી ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.
આમ આદમી પાર્ટી ગુજરાત