અમદાવાદ/ગુજરાત : પંજાબમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે જીત હાંસલ કરી છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે જે રીતે આમ આદમી પાર્ટીએ પંજાબ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે, તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે દિલ્હી બાદ હવે પંજાબમાં પણ આમ આદમી પાર્ટીની કામની રાજનીતિને લોકોનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે. પંજાબની જિલ્લા પંચાયત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી આ મોટી જીત ઐતિહાસિક જીત છે. સરકાર રચાયા બાદ આમ આદમી પાર્ટીએ પંજાબમાં લોકોના વીજબીલ માફ કર્યા, શાળાઓમાં સુધારા કર્યા અને હોસ્પિટલો બનાવી. સાથે સાથે આમ આદમી પાર્ટીની પંજાબ સરકારે ખેડૂતોને પાક નુકસાનના કિસ્સામાં પ્રતિ હેક્ટરે ₹50,000નું વળતર આપ્યું, તેમજ એક મહિના અંદર ખેડૂતોના ખાતામાં રકમ પહોંચે તેની પણ ખાતરી આપી. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવ્યા બાદ રોડ-રસ્તા ચમકી રહ્યા છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે પંજાબમાં બદલાવની રાજનીતિ સતત આગળ વધી રહી છે.
વધુમાં, ગુજરાતમાં યોજાનારી સ્થાનિક ચૂંટણી અંગે વિશ્વાસ વ્યક્ત કરતાં AAPના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે મને પૂરો વિશ્વાસ છે કે પંજાબે જે માર્ગ દર્શાવ્યો છે, એ જ દિશામાં ગુજરાત પણ આગળ વધશે. આવનારા સમયમાં ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનારી છે. તો મને આશા છે કે પંજાબે જે બદલાવનો માર્ગ બતાવ્યો છે, તે પ્રમાણે ગુજરાતમાં પણ સ્થાનિક ચૂંટણીમાં કામની રાજનીતિ આગળ વધશે અને ગુજરાતના લોકો સાથે મળીને 2027માં કામ કરવા વાળી સરકાર બનાવશે.


