શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી તથા અદાણી સ્કિલ્સ અને એજ્યુકેશન વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, કુશળ માનવબળ એ વિકસિત ભારતનો પાયો છે. આ સમજૂતી કરાર થકી રાજ્યના યુવાનોને ઉદ્યોગોની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવશે, જેથી તેઓ સફળતાપૂર્વક રોજગારી મેળવી શકે. આ સમજૂતી રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ-ITIsમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને પરંપરાગત તાલીમ સાથે આધુનિક ટેક્નોલોજી અને ઇન્ડસ્ટ્રી-સ્પેસિફિક સ્કિલ્સનું જ્ઞાન આપવા માટે મહત્વની ભૂમિકા ભજવશે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ સમજૂતી હેઠળ યુવાઓને સોલાર એનર્જી, વિન્ડ એનર્જી, પોર્ટ્સ એન્ડ લોજિસ્ટિક્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી જેવા વિવિધ ક્ષેત્રો પર વિશેષ તાલીમ આપવામાં આવશે. રાજ્યની પસંદગીની ITIsમાં અદ્યતન 'સ્કિલ લેબ્સ' સ્થાપવામાં આવશે, જ્યાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ ઉદ્યોગ અનુભવ, હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ અને ઇન્ડસ્ટ્રી એક્સપોઝર મળશે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર યુવાનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે, જે તેમની રોજગારીની તકોમાં અનેકગણો વધારો કરશે.
આ MoU વડાપ્રધાનશ્રીના 'વિકસિત ભારત @૨૦૪૭' અને 'સ્કિલ ઇન્ડિયા' વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. આ પહેલથી રાજ્યના હજારો યુવાનોને ગુણવત્તાયુક્ત તાલીમ મળશે, જે રોજગારીના નવા દ્વાર ખોલશે અને ગુજરાતને વૈશ્વિક કુશળતા હબ તરીકે સ્થાપિત કરશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી લોચન સહેરા, રોજગાર અને તાલીમ નિયામક શ્રી નીતિન સાંગવાન, મંત્રીશ્રીના અંગત સચિવ શ્રી જે.બી.વદર સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ અને અદાણી ગ્રુપના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.