મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત પોલીસે માત્ર ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધ્યા

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના લોકોને શોધીને તેમના પરિવારો સાથે મિલન કરાવવા માટેની ઓપરેશન મિલાપ નામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરુ કરી હતી. આ ઝુંબેશને વધુ 10 દિવસ લંબાવવામાં આવી. ત્યારે આ તબક્કામાં ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા બાળકો અને પુખ્તવયનાં વ્યક્તિઓને શોધવામાં સફળતા મળી.

ગુજરાત પોલીસે માત્ર ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા નાગરિકોને શોધ્યા

વડોદરાના એક પરિવાર માટે પાંચ મહિનાનો સમય કપરો રહ્યો. 14 વર્ષની દીકરી ગુમ થઈ ગઈ. પરિવાર વ્યાકુળ હતો. ત્યારે ગુજરાત પોલીસ તેની મદદે આવી. ગુજરાત પોલીસે 1,200 કિલોમીટર દૂર કર્ણાટકમાં જઈ સગીર બાળકીને હેમખેમ ઘરે પરત લાવી પરિવાર સાથે પુન:મિલન કરાવ્યું.

 

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના લોકોને શોધીને તેમના પરિવારો સાથે મિલન કરાવવા માટેની ઓપરેશન મિલાપ નામે રાજ્યવ્યાપી ઝુંબેશ શરુ કરી હતી. આ ઝુંબેશને વધુ 10 દિવસ લંબાવવામાં આવી. ત્યારે આ તબક્કામાં ૧૦ દિવસમાં ૫૦૦ ગુમ થયેલા બાળકો અને પુખ્તવયનાં વ્યક્તિઓને શોધવામાં સફળતા મળી.

 

બાળકી ૧૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ વડોદરાના છાણી વિસ્તારમાંથી ગુમ થઈ હતી. સ્થાનિક પોલીસે મહિનાઓ સુધી તપાસ કરી. સફળતા ન મળતાં આ કેસ વડોદરા એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપાયો.

 

ટેકનિકલ સર્વેલન્સ અને ઈન્ટેલિજન્સ ઈનપુટ્સનો ઉપયોગ કરીને, તપાસકર્તાઓએ આરોપી સુનિલકુમાર કેસરીસિંહ બારીયાને કર્ણાટકના શિવમોગાથી શોધી કાઢ્યો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સગીર બાળકીને ફોસલાવીને લઈ ગયો હતો. આરોપીએ જયપુરમાં પૂજારીનો કોર્સ પૂરો કરી નવું નામ ધારણ કરી લીધું. અને શિવમોગાના એક જૈન મંદિરમાં પૂજારી તરીકેની નોકરી શરુ કરી.ત્યાં તેણે બાળકીને પોતાની પત્ની હોવાની ખોટી ઓળખ આપી ગોંધી રાખી હતી.

 

તપાસ માટે એક મહિલા પોલીસ અધિકારી સહિત વડોદરા AHTUની પાંચ સભ્યોની ટીમ કર્ણાટક પહોંચી હતી અને સ્થાનિક પોલીસના સહયોગથી, ભારે વરસાદ વચ્ચે પણ બે દિવસ સુધી મંદિર પર ચાંપતી નજર રાખી. ત્રીજા દિવસે સવારે આશરે ૪ વાગ્યે જ્યારે આરોપી મંદિરે આવ્યો ત્યારે તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન તેણે બાળકી ક્યાં છે તેનો ખુલાસો કર્યો. માહિતીનાં આધારે પોલીસે બાળકીને સુરક્ષિત રીતે બચાવીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું..

 

ગુજરાતના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (વુમન સેલ, સીઆઈડી ક્રાઈમ), શ્રી અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, "એક મહિનાના ઓપરેશન મિલાપની સફળતા બાદ, અમે આ ઝુંબેશને વધુ ૧૦ દિવસ માટે લંબાવી હતી અને ૫૦૦ ગુમ થયેલા બાળકો અને પુખ્ત વયના લોકોને સફળતાપૂર્વક શોધીને તેમના પરિવારો સાથે મેળવ્યા છે. આ લંબાવવામાં આવેલું અભિયાન ૧૨ જૂનથી ૨૧ જૂન દરમિયાન ચલાવવામાં આવ્યું હતું."

 

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ, ૭ મે થી ૫ જૂન દરમિયાન, ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન મિલાપ દરમિયાન ૮૫૭ મહિલાઓ અને ૨૩૪ સગીર બાળકીઓ સહિત ૧,૪૭૮ ગુમ થયેલા નાગરીકોને શોધી કાઢ્યા હતા.

 

માત્ર ૧૦ દિવસની આ લંબાવેલી ઝુંબેશ દરમિયાન, ગુજરાત પોલીસે વધુ ૫૦૦ ગુમ થયેલા નાગરીકોને શોધીને તેમના પરિવારો સાથે મિલન કરાવ્યું હતું, જેમાં ૨૮૮ મહિલાઓ, ૮૮ બાળકીઓ, ૨૧ છોકરાઓ અને ૧૦૩ પુરુષોનો સમાવેશ થાય છે. જેનાથી ૫૦૦ પરિવારોના જીવનમાં અંધકાર દુર થયો, નવી રોશની આવી.

Tags: ગુજરાત પોલીસ ઓપરેશન મિલાપ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

સંબંધિત સમાચાર