વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત 2047માં વિકસિત ગુજરાત 2047થી અગ્રેસર રહેવાના વિઝનને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સિદ્ધ કરવાની દિશામાં ગુજરાતે મહત્વપૂર્ણ કદમ ભર્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ HUDCO વચ્ચે સ્ટ્રેટેજીક પાર્ટનરશીપથી રાજ્યના વિવિધ માળખાકીય વિકાસ પ્રોજેક્ટ્સ માટે 1 લાખ કરોડ રૂપિયાના લોંગટર્મ ફાઈનાન્સીંગ માટેના એમ.ઓ.યુ. ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા. નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવતા ઇન્ફાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પર્યાપ્ત ભંડોળ અંગે મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ અને HUDCOના વરિષ્ઠ અધિકારીઓની તાજેતરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકની ફલશ્રુતિ રૂપે HUDCO લાંબા ગાળા માટે આ રૂ. 1 લાખ કરોડનું ભંડોળ પૂરું પાડશે.
આ ભંડોળમાંથી ગુજરાત મેટ્રો રેલના ફેઝ-2 અને 3, એક્સપ્રેસ-વે, સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ધોલેરા ખાતે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સના કામોના સમાવેશ કરાશે. આ ઉપરાંત રાજ્ય સરકારે અન્ય એક એમ.ઓ.યુ. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ સાથે પણ કર્યો છે.
આ એમ.ઓ.યુ. અનુસાર, વિકસિત ગુજરાત 2047ના વિવિધ પ્રોજેક્ટ્સના અસરકારક અમલીકરણ માટે પ્રિ-ફિઝિબિલિટી સ્ટડી, ફિઝિબિલિટી સ્ટડી તેમજ વિગતવાર પ્રોજેક્ટ્સ અહેવાલ અને ઈમ્પેક્ટ એસેસમેન્ટ IIM હાથ ધરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઐતિહાસિક ભાગીદારીથી રાજ્યના માળખાકીય વિકાસ, શહેરી પુનઃનિર્માણ અને સર્વાંગી આર્થિક વિકાસને વધુ વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
રાજ્ય સરકાર અને HUDCO વચ્ચે થયેલા આ એમ.ઓ.યુ. પર HUDCO વતી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય કુલશ્રેષ્ઠએ તથા રાજ્ય સરકાર વતી નાણાં વિભાગના આર્થિક બાબતોના સચિવ શ્રી સંદીપ કુમારે હસ્તાક્ષર કરીને એમ.ઓ.યુ.ની પરસ્પર આપ-લે કરી હતી. IIM સાથેના એમ.ઓ.યુ. પર IIM અમદાવાદના પબ્લિક સિસ્ટમ ગૃપ ચેરપર્સન પ્રો.સંદીપ ચક્રવર્તીએ હસ્તાક્ષર કર્યા હતા.
આ એમ.ઓ.યુ. સાઇનિંગ સેરીમનીમાં મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી એસ.એસ. રાઠૌર, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી. નટરાજન, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે, સચિવ શ્રી ડૉ. અજય કુમાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.