અમદાવાદ / ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય દ્વારા આજે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે જણાવ્યું હતું કે, નીટનું પેપર લીક થયું, જેના કારણે 22 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી અને ત્યારબાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જંતર મંતર પર જે આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, તે આજે આખા દેશમાં ફેલાઈ ગયું છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીઓ ચલાવવામાં આવી હતી ધરપકડ કરવામાં આવી હતી, એ રીતનું દમનચક્ર હવે આખા દેશમાં શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં યુવાનોએ ગાંધીનગર ખાતે કોકરોચ આંદોલનનું એલાન કર્યું હતું. અત્યાર સુધીની મળતી માહિતી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં મળીને 245 થી વધારે છાત્ર યુવાનો સહિત અલગ અલગ સંગઠનના યુવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. અમારા પ્રદેશ છાત્ર વિંગ પ્રમુખ ધાર્મિક માથુકિયા, પ્રદેશ મહિલા પ્રમુખ પાયલ સાકરીયા, પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય યુવરાજસિંહ જાડેજા, જીગીશાબેન, ગૌરી દેસાઈ, ધર્મેશ ભંડેરી, નિકુંજ સાવલિયા, રાહુલ ભુવા, પિયુષ પરમાર, વિનોદ પરમાર, પંકજ રાણસરિયા, હિતેશ પટેલ, વિપુલ પટેલ, ઘનશ્યામ ઝાલા, બાબુજી ઠાકોર, તેજસ ગાજીપરા, આ તમામ આગેવાનોને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે હિરાસતમાં લીધા છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે જે યુવાનો, છાત્રો અને આગેવાનો પહોંચ્યા હતા, એમની પણ અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરમાં પાયલ સાકરીયા અને ધાર્મિક માથુકિયાએ પોલીસ સ્ટેશનમાં જ પોતાની ભુખ હડતાળ શરૂ કરી છે.
વધુમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે જણાવ્યું હતું કે, હું ભાજપના નેતાઓને કહેવા માગું છું કે એક બાજુ તમે સંવાદનું નાટક કરી રહ્યા છો, સોનમ વાંગચૂકજીનું અનશન તોડાવતી વખતે મંત્રીઓએ આશ્વાસન આપ્યું હતું કે વિદ્યાર્થીઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં, પરંતુ જે રીતે હાલ લોકોની અટકાયત થઈ રહી છે તેનાથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે મોદી સરકાર છાત્ર યુવા આંદોલનને સંવાદનું નાટક કરીને કચડી નાંખવા માંગે છે. અમે મોદી સરકારને કહેવા માંગીએ છીએ કે આજે બિહાર અને ગુજરાતમાં આ આંદોલન ચાલી રહ્યું છે અને બીજા રાજ્યોમાં પણ ઝડપથી આ આંદોલન ફેલાઈ રહ્યું છે. પણ તમે દમન કરીને લાઠીઓ વરસાવીને, ટીયર ગેસ છોડીને કે અટકાયતો કરીને આંદોલનને રોકી શકશો નહીં. સમગ્ર દેશમાં એક જ માંગ છે કે શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં આવે, સરકાર જેટલો જલ્દી આ નિર્ણય લેશે એટલું સારું છે, નહિતર આંદોલન વધારે વ્યાપક બનશે અને તમે આને પોલીસના દમ પર રોકી નહીં શકો. માટે સરકાર ઝડપથી નિર્ણય લે. ગુજરાતમાં જે પણ લોકોની અટકાયત કરવામાં આવી છે, એ તમામ લોકોને તાત્કાલિક ધોરણે છોડવામાં આવે નહિતર ગુજરાતમાં પણ આંદોલન ખૂબ જ મોટું બનશે.
આમ આદમી પાર્ટી ગુજરાત