મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આપતાં પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી તા. ૦૭ જુલાઈથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.
તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઉનાળુ મગનો ટેકાનો ભાવ રૂ. ૮,૭૬૮ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે પણ બજાર ભાવ ટેકાના ભાવ કરતાં નીચા જાય છે, ત્યારે ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવવા માટે ભારત સરકારની 'પીએમ આશા' યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજ્યમાં ઉનાળુ મગ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.
પ્રવક્તા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે રાજ્યભરમાંથી કુલ ૧૪,૩૮૩ ખેડૂતોએ નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે રાજ્યમાં કુલ ૫૧ ખરીદ કેન્દ્રો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.
નોંધણી કરાવેલા ખેડૂતોને SMS દ્વારા ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખેડૂતોએ SMS મળ્યેથી તેમને ફાળવવામાં આવેલા ખરીદ કેન્દ્ર ખાતે મગના જથ્થા સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે.
વર્ષ ૨૦૨૫-૨૬માં ઉનાળુ મગની ૧,૨૦૦ કિગ્રા પ્રતિ હેક્ટર ઉત્પાદકતા પ્રમાણે ખેડૂતના વાવેતર વિસ્તારના પ્રમાણમાં ખરીદી કરાશે, જેમાં પ્રતિ ખેડૂત મહત્તમ ૧,૫૦૦ કિગ્રા (૭૫ મણ) સુધીની મર્યાદા રહેશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ રાજ્યના નોંધાયેલા તમામ ખેડૂતોને સમયસર આ યોજનાનો મહત્તમ લાભ લેવા રાજ્ય સરકાર વતી અનુરોધ કર્યો છે.