અમદાવાદ : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે NEETની પરીક્ષા પેપર લીક થવાના કારણે રદ થઈ છે. છેલ્લા બે વર્ષથી 22-23 લાખ બાળકો અને તેમના પરિવારો દિવસ રાત જોયા વગર, કોઈ તહેવારો ઉજવ્યા વગર મહેનત કરતા હતા અને એવા બાળકોએ દિવસ રાત મહેનત કરીને પરીક્ષા આપી છે એ પેપર રદ થઈ ગયું છે, આ આખા દેશ માટે શર્મનાક ઘટના છે. ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી 21 પેપર લીક થયા છે અને હવે આ જ સિસ્ટમ કોઈએ કેન્દ્રમાં લાગુ કરી છે. કોના કારણે લાગુ કરી છે એ ખબર નથી? શું પોતાના માણસોને પાસ કરાવવા માટે પેપર લીક કરાવ્યા? ગુજરાતમાં પણ પોતાના લોકોને અને પોતાના મળતીયાઓ લોકોને પાસ કરાવવા માટે પોતે જ પેપર લીક કરાવતા હોય એવી ઘટનાઓ બની છે. ગુજરાતમાં આટલા પેપર લીક થયા છે છતાં પણ હજુ સુધી કોઈને મોટી સજા થઈ નથી.
વધુમાં AAP ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અમે પેપર લીકનો વિરોધ કર્યો હતો અમને જેલમાં મોકલ્યા પરંતુ ચમરબંધીઓ પકડાતા નથી. અને હવે આવી જ સિસ્ટમ કેન્દ્રમાં લાગુ થઈ છે. NEETની પરીક્ષા પેપર લીકની ઘટના દેશના 140 કરોડ લોકો માટે દુઃખદ ઘટના છે અને દેશની સિસ્ટમ માટે આ એક શરમજનક ઘટના છે. આવી ઘટનાઓ તો બનતી રહેશે તો બાળકો કઈ રીતે વિશ્વાસ કરશે? બે વર્ષ સુધી મહેનત કરીને બાળકોએ NEETની પરીક્ષા આપીને એ બાળકોએ હાશકારો મેળવ્યો હશે અને પોતાનું વેકેશન એન્જોય કરતા હશે પરંતુ હવે આ બાળકોને ફરીથી પરીક્ષા આપવી પડશે તો ફરીથી એ નીટની પરીક્ષા માટે કેટલા તૈયાર થશે? તો આ રીતે ભાજપ સરકારે બાળકોનું ભવિષ્ય ધૂંધળું કરી નાખ્યું છે.
આમ આદમી પાર્ટી ગુજરાત