અમદાવાદ : વીજળીના થાંભલા મુદ્દે ન્યાયની માંગણી કરી રહેલા હિન્દુ ખેડૂતોને મળીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા બાબતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. આ પત્રમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, હાલમાં પ્રાઇવેટ વીજળી કંપનીઓના થાંભલાઓ ખેતરમાં નાખવામાં આવે છે, તે મુદ્દે ગુજરાતભરના અનેક ખેડૂતો ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. મોરબીના જેતપર ગામે છેલ્લા 12 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે અને શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે. આ સિવાય કોંઢ ગામે, સાણંદના ડરણમાં, વઢવાણના નગરામાં, કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતો આ વીજળીના થાંભલાઓના મુદ્દે સરકારની નીતિઓનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે. શાંતિપૂર્ણ રીતે ઉપવાસ કરનારા મોરબીના ખેડૂતોને સરકારે મળવા બોલાવ્યા નથી કે ખેડૂતોની સાથે વાત કરવાનો સરકારે પ્રયત્ન પણ કર્યો નથી.
ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ વધુમાં આ પત્રમાં જણાવ્યું હતું કે, જો ખેડૂતો પોતાની જમીન ગુમાવવાના દુઃખ સાથે આક્રોશમાં આવીને બોલે તો તમારી સરકાર એમ કહે છે કે “આંદોલન ઉગ્ર હોવું જોઈએ નહીં” અને જો ખેડૂતો શાંતિપૂર્વક રીતે આંદોલન કરે તો તમારી સરકાર સાંભળતી નથી. તો હવે ખેડૂતોએ શું કરવું? ચૂંટણીના સમયે હિંદુત્વના મુદ્દે મત મેળવ્યા પછી આપણા જ રાજ્યના અન્નદાતા હિન્દુ ખેડૂતોની વેદનાનો અવાજ ગાંધીનગર સુધી કેમ પહોંચતો નથી? શું મોરબીના કે ગુજરાતના હિન્દુ ખેડૂતોએ તમારી સરકારને મત આપ્યા નથી? તો પછી હવે જ્યારે હિન્દુ ખેડૂતોને સરકારની જરૂરત છે, ત્યારે સરકાર કંપની સાથે કેમ ઉભી છે? મારી આપને અપીલ છે કે આપે સામે ચાલીને મોરબી સહિત તમામજગ્યાઓના ખેડૂતોને મળવું જોઈએ અને શાંતિપૂર્વક રીતે આંદોલન કરતા ખેડૂતોના મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આમ આદમી પાર્ટી ગુજરાત